VIDEO : 'ખુદ્દાર' બુમરાહ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લેશે, દિગ્ગજ ભારતીય ક્રિકેટરનો મોટો દાવો
Mohammad Kaif on Jasprit Bumrah Retirement: જસપ્રીત બુમરાહને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. ભારતીય ટીમના ભૂતપૂર્વ ક્રિકેટર મોહમ્મદ કૈફે દાવો કર્યો છે કે બુમરાહ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ શકે છે. કૈફે આ પાછળનું કારણ પણ જણાવ્યું છે.
શું છે કૈફનો દાવો?
ભૂતપૂર્વ ભારતીય બેટર મોહમ્મદ કૈફે જસપ્રીત બુમરાહ વિશે મોટો દાવો કર્યો છે. તેમનું કહેવું છે કે, 'બુમરાહ ટૂંક સમયમાં ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ શકે છે. મને લાગે છે કે ટીમ ઈન્ડિયાનો ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ આગામી ટેસ્ટ મેચમાં રમતા જોવા નહીં મળે અને તે નિવૃત્તિ પણ લઈ શકે છે. કારણ કે બુમરાહ ઈજાથી પીડાઈ રહ્યો છે. એટલા માટે તે પોતાની લયમાં જોવા મળતો નથી. બુમરાહ એક ખુદ્દાર વ્યક્તિ છે, જો તેને લાગે કે તે પોતાનું સો ટકા આપી શકતો નથી, દેશ માટે મેચ જીતી શકતો નથી, તો તે પોતે રમવાની ના કહી દેશે, એવું મને લાગે છે.
માનચેસ્ટર ટેસ્ટમાં ન દેખાઈ બુમરાહની ઝડપ
લોર્ડ્સ ટેસ્ટમાં 7 વિકેટ લેનાર બુમરાહ માનચેસ્ટર ટેસ્ટમાં સાવ ફિક્કો લાગ્યો હતો, જ્યાં તેણે અત્યાર સુધી માત્ર એક વિકેટ લીધી છે. કૈફે જણાવ્યું કે, 'માનચેસ્ટર ટેસ્ટમાં બુમરાહ જે ઝડપે બોલિંગ કરી રહ્યો હતો, તે ઘણી ઓછી હતી. વિકેટકીપરે તેની બોલ પર આગળ ડાઈવ લગાવીને જે કેચ પકડ્યો, તે દર્શાવે છે કે બુમરાહ સંપૂર્ણપણે ફિટ નથી.
કૈફ માને છે કે બુમરાહમાં દેશ માટે રમવાનો જુસ્સો હજુ પણ છે, પરંતુ તે પોતાના શરીર અને ફિટનેસ સામે હારી રહ્યો છે. તેનું શરીર સાથ આપી રહ્યું નથી, તેથી તે ટેસ્ટ ક્રિકેટ રમવાની ના પાડી શકે છે.'
આ પણ વાંચો: દાયકામાં પહેલીવાર ભારતીય ટીમના માથે લાગ્યો 'કલંક', ઈંગ્લેન્ડ સામે બોલરોએ નાક કપાવ્યું
ચાહકોએ બુમરાહ વગર ટેસ્ટ ક્રિકેટ જોવાની આદત પાડવી પડશે
કૈફે આગાહી કરી છે કે રોહિત શર્મા, વિરાટ કોહલી અને આર. અશ્વિન બાદ બુમરાહ પણ ટેસ્ટ ટીમમાં રમતો નહીં દેખાય. ચાહકોએ તેના વિના ટેસ્ટ ક્રિકેટ જોવાની આદત પાડવી પડશે. જોકે, કૈફે આશા વ્યક્ત કરી છે કે મારી આ 'ગટફિલિંગ' ખોટી પડે અને બુમરાહ ટેસ્ટ ક્રિકેટમાં રમતો દેખાય. પરંતુ હાલમાં તે ટેસ્ટ ક્રિકેટનો બિલકુલ આનંદ લઈ રહ્યો નથી અને તેનું શરીર થાકેલું લાગી રહ્યું છે.'