પહેલીવાર T20 વર્લ્ડકપ રમનાર ઈટાલીની ટીમમાં કોઈ ભારતીય તો કોઈ ઓસ્ટ્રેલિયન, જુઓ તેની પ્લેઈંગ 11
Image Source: Twitter
Italy Qualified For T20 World Cup 2026: ઈટાલીએ શાનદાર પ્રદર્શન કરીને આગામી વર્ષે યોજાનાર મેન્સ T20 વર્લ્ડ કપમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું હતું. ઈટાલીની ટીમે પહેલીવાર કોઈ ક્રિકેટ વર્લ્ડ કપ માટે ક્વોલિફાય કર્યું, આવી સ્થિતિમાં આ તેમના માટે એક ઐતિહાસિક ક્ષણ રહી. ઈટાલીએ T20 વર્લ્ડ કપ યુરોપ ક્વોલિફાયર 2025માં બીજા સ્થાને રહીને આ સિદ્ધિ હાંસલ કરી. હવે ઈટાલિયન ખેલાડીઓ ભારત અને શ્રીલંકાની સંયુક્ત યજમાનીમાં યોજાનાર મેન્સ T20 વર્લ્ડ કપ 2026માં પોતાનો જલવો દેખાડશે.
ઈટાલીમાં ફૂટબોલ ખૂબ જ લોકપ્રિય છે, જોકે છેલ્લા બે FIFA વર્લ્ડ કપ માટે ઈટાલીની ફૂટબોલ ટીમ ક્વોલિફાય નથી થઈ શકી. બીજી તરફ 2026ના વર્લ્ડ કપમાં પણ ઈટાલીની ફૂટબોલ ટીમનું ભાગ લેવું નક્કી નથી. ફૂટબોલ ટીમ ક્વોલિફાય કરે કે ન કરે, પરંતુ ક્રિકેટ ટીમ ચોક્કસપણે T20 વર્લ્ડ કપ માટે ક્વોલિફાય થઈ ગઈ છે.
ઈટાલીની ટીમમાં કયા દેશના કેટલા પ્લેયર?
ઈટાલીને T20 વર્લ્ડ કપની ટિકિટ અપાવવામાં બહારના ખેલાડીઓએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. નેધરલેન્ડ્સ સામેની મેચમાં જે 11 ખેલાડીઓએ ભાગ લીધો હતો, તેમાંથી 5 ખેલાડીઓ સબંધ ઓસ્ટ્રેલિયા સાથે હતો. બે ખેલાડીઓ એશિયન મૂળના હતા. જ્યારે બે ખેલાડીઓ બ્રિટનના પણ હતા. જ્યારે 2 ખેલાડીઓ મૂળ ઈટાલિયન હતા.
1. થોમસ ડ્રેકા: સિડનીમાં જન્મેલા થોમસ ડ્રેકાએ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025ના મેગા ઓક્શન માટે પોતાનું નામ રજિસ્ટર કરાવ્યું હતું, જેના કારણે તે ચર્ચામાં આવ્યો હતો. ઓસ્ટ્રેલિયન દિગ્ગજ ડેનિસ લિલીને આ ખેલાડીના 'અંકલ' માનવામાં આવે છે. ડ્રેકાની માતા ઈટાલિયન મૂળની છે અને નેપલ્સ નજીકના એક ગામની છે. આ કારણોસર ડ્રેકાને ઈટાલી માટે રમવાની તક મળી.
2. જો બર્ન્સ: આ ખેલાડીના નામથી તો ચાહકો સારી રીતે વાકેફ હશે. બર્ન્સે ઓસ્ટ્રેલિયા માટે 23 ટેસ્ટ અને 6 વનડે રમ્યો છે. વર્ષ 2024માં પોતાના મોટા ભાઈ ડોમિનિકના નિધન બાદ તેણે ઈટાલી માટે રમવાનો નિર્ણય લીધો. બર્ન્સના નાના-નાની કેલેબ્રિયાના હતા, જેના કારણે તેના માટે ઈટાલી માટે રમવાનું સરળ બન્યું.
3. હેરી જૉન મેનેન્ટી: બિગ બેશ લીગ (BBL)માં હેરી મેનેન્ટી એડિલેડ સ્ટ્રાઈકર્સનું પ્રતિનિધિત્વ કરે છે. હેરી T20 ઈન્ટરનેશનલ મેચમાં 5 વિકેટ લેનાર પ્રથમ ઈટાલિયન ખેલાડી છે. ઓસ્ટ્રેલિયામાં જન્મેલા હેરીની ક્રિકેટ જર્ની ગ્રાસરૂટ લેવલથી શરૂ થઈ હતી. ઓલરાઉન્ડ પ્રદર્શનને કારણે હેરી T20 વર્લ્ડ કપ યુરોપ ક્વોલિફાયરમાં 'પ્લેયર ઓફ ધ સિરીઝ' રહ્યો.
4. બેન મેનેન્ટી: હેરી મેનેન્ટીનો મોટો ભાઈ બેન પણ ઈટાલી માટે રમે છે. ઓફ-સ્પિન બોલર બેન ઓસ્ટ્રેલિયામાં સિડની સિક્સર્સ અને તાસ્માનિયા માટે રમી ચૂક્યો છે. હેરી અને બેનની દાદી ઈટાલિયન મૂળના હતા. આ કારણે બંને ભાઈઓને ઈટાલી માટે રમવાની તક મળી.
5. ગ્રાન્ટ સ્ટીવર્ટ: ઓસ્ટ્રેલિયામાં જન્મેલા ગ્રાન્ટ સ્ટીવર્ટની માતા ઈટાલિયન છે, જેના કારણે તે ઈટાલિયન ટીમમાં સામેલ થયો હતો. સ્ટીવર્ટે વર્ષ 2017માં કેન્ટ માટે ફર્સ્ટ ક્લાસ ડેબ્યૂ કર્યું હતું. સ્ટીવર્ટ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 2000થી વધુ રન બનાવી ચૂક્યો છે અને 100 થી વધુ વિકેટ પણ ખેરવી છે.
6. એમિલિયો ગે: 25 વર્ષીય એમિલિયોનો જન્મ ઈંગ્લેન્ડના બ્રેડફોર્ડમાં થયો હતો. ડાબોડી બેટ્સમેન એમિલિયોની માતા ઈટાલિયન છે, જેના કારણે તેને ઈટાલી માટે રમવામાં સરળતા રહી. એમિલિયોએ તાજેતરમાં જ ઈંગ્લેન્ડ લોયન્સ તરફથી ઈન્ડિયા-એ સામે બે ફર્સ્ટ-ક્લાસ મેચ રમ્યો હતો. તેના થોડા દિવસો બાદ જ તેની ઈટાલીની ટીમમાં એન્ટ્રી થઈ.
7. માર્કસ કેમ્પોપિયાનો: વિકેટકીપર બેટ્સમેન માર્કસ કેમ્પોપિયાનોનો જન્મ ટાવર હેમલેટ્સ (ઈંગ્લેન્ડ)માં થયો હતો. 30 વર્ષીય માર્કસે ઈટાલી માટે 22 T20 ઈન્ટરનેશનલ અને 19 લિસ્ટ-એ મેચમાં ભાગ લીધો છે.
8. જસ્ટિન મોસ્કા: જસ્ટિન મોસ્કાનો જન્મ ઈટાલીમાં થયો હતો. જસ્ટિન નાની ઉંમરથી જ ક્રિકેટનો શોખીમ થઈ હતો, જેના કારણે તેણે આ રમતને આગળ વધારવાનું નક્કી કર્યું. ડાબોડી બેટ્સમેન જસ્ટિ ઈટાલી માટે 17 T20 ઈન્ટરનેશનલ અને 9 લિસ્ટ-એ મેચ રમ્યો છે.
આ પણ વાંચો: ગૂગલ અને મેટા ઈડીના રડારમાં, ઓનલાઈન સટ્ટાબાજી એપ કેસમાં પૂછપરછ માટે સમન્સ
9. એન્થોની જોસેફ મોસ્કા: જમણા હાથના બેટ્સમેન એન્થોની મોસ્કાનો જન્મ ઓગસ્ટ 1991માં થયો હતો. એન્થોનીએ ઈટાલીની ટીમ માટે રમતા પહેલા અહીં ઘણી ક્લબ ક્રિકેટ રમી હતી. એન્થોની મોસ્કાએ અત્યાર સુધીમાં ઈટાલી માટે 15 T20 ઈન્ટરનેશનલ અને 19 લિસ્ટ-એ મેચોમાં ભાગ લીધો છે.
10. જસપ્રીત સિંહ: પંજાબના ફગવાડામાં જન્મેલા જસપ્રીત સિંહ એક મધ્યમ ગતિનો બોલર છે. 32 વર્ષીય જસપ્રીત અત્યાર સુધીમાં ઈટાલી માટે 24 T20 ઈન્ટરનેશનલ અને 21 લિસ્ટ-એ મેચ રમ્યો છે.
11. ક્રિશન કાલૂગામાગે: શ્રીલંકન મૂળના ક્રિશન કાલૂગામાગે જમણા હાથનો ઓફ-બ્રેક બોલર છે. 34 વર્ષીય કાલુગામાગેએ ઈટાલી માટે 15 T20 ઈન્ટરનેશનલ અને 21 લિસ્ટ-એ મેચમાં ભાગ લીધો છે.