Get The App

ગૂગલ અને મેટાને EDની નોટિસ, 21 જુલાઈએ પૂછપરછ માટે બોલાવ્યા: જાણો સમગ્ર મામલો

Updated: Jul 19th, 2025

GS TEAM

Google News
Google News
ED Summons Google and Meta


ED Summons Google and Meta: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ શનિવારે ટેક જાયન્ટ્સ ગૂગલ અને મેટા(ફેસબુક)ને સમન્સ પાઠવ્યા છે. EDની આ કાર્યવાહી ગેરકાયદેસર ઓનલાઇન સટ્ટાબાજી એપ્સના કેસમાં હાથ ધરવામાં આવી રહેલી તપાસનો એક ભાગ છે. બંને કંપનીઓના પ્રતિનિધિની 21 જુલાઇના રોજ પૂછપરછ કરવામાં આવશે. 

EDએ ઓનલાઇન સટ્ટાબાજી એપ્સ સંબંધિત કેસની તપાસના સંદર્ભમાં ગૂગલ અને મેટાને નોટિસ ફટકારી છે. એજન્સીનો આરોપ છે કે આ બંને કંપનીઓએ સટ્ટાબાજી એપ્સને પ્રોત્સાહન આપ્યું હતું અને તેમના ડિજિટલ પ્લેટફોર્મ પર તેમની જાહેરાતો અને વેબસાઇટ્સને પ્રાધાન્ય આપ્યું હતું. જેના કારણે તેમની પહોંચ અને લોકપ્રિયતા ઝડપથી વધી અને આ ગેરકાયદે કામગીરી દેશભરમાં ફેલાઈ ગઈ.

સટ્ટાબાજી સામે EDની કાર્યવાહી

આ સમગ્ર કેસમાં પહેલી વાર એવું બન્યું છે કે ભારતમાં કાર્યરત કોઈ મોટી ટેક કંપનીને સટ્ટાબાજી જેવા મામલામાં સીધી રીતે જવાબદાર ઠેરવવામાં આવી રહી છે. EDની આ કાર્યવાહી ઓનલાઇન સટ્ટાબાજી સામેના વ્યાપક અભિયાનનો એક ભાગ છે, જેમાં ઘણા ફિલ્મ સ્ટાર્સ અને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સની ગેરકાયદેસર સટ્ટાબાજી એપ્સને પ્રોત્સાહન આપવા બદલ તપાસ થઈ રહી છે. એવામાં EDના આ પગલાથી ખબર પડે છે કે તપાસ હવે મોટા પાયે થઈ રહી છે. 

29 કલાકારો સામે કેસ નોંધવામાં આવ્યો હતો

ED દેશભરમાં ઓનલાઇન સટ્ટાબાજી સામે કાર્યવાહી કરી રહી છે. તાજેતરમાં, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે તેલંગાણાના ઘણા મોટા ફિલ્મ સ્ટાર્સ સામે કેસ નોંધ્યો હતો. તેમાં વિજય દેવરાકોંડાથી લઈને રાણા દગ્ગુબાતી અને પ્રકાશ રાજ જેવા નામોનો સમાવેશ થાય છે. કુલ 29 કલાકારો સામે કેસ નોંધવામાં આવ્યો હતો. આ ઉપરાંત, દેશભરમાં ઘણા ઓનલાઇન સટ્ટાબાજી નેટવર્ક્સ સામે દરોડા પાડવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચો: 'બેવડું વલણ ચલાવી નહીં લઈએ..', ગુજરાતની કંપની પર બૅન મામલે કેન્દ્રની યુરોપિયન યુનિયનને ચેતવણી

આગામી દિવસોમાં ED દ્વારા તેમના નિવેદનો નોંધવામાં આવે તેવી અપેક્ષા છે, આ સાથે ED એવા ફરિયાદીઓને શોધી રહી છે જેમને આ સટ્ટાબાજી પ્લેટફોર્મ્સ દ્વારા છેતરવામાં આવ્યા હતા. દેશભરમાં EDની કાર્યવાહી ચાલુ છે. 15 જુલાઈના રોજ, EDએ મુંબઈમાં ઘણી જગ્યાએ દરોડા પાડ્યા હતા. આ દરોડા ગેરકાયદેસર ડબ્બા ટ્રેડિંગ અને ઓનલાઇન સટ્ટાબાજી નેટવર્ક સામે કરવામાં આવ્યા હતા. આ દરોડા દરમિયાન ટીમે 3 કરોડ રૂપિયાથી વધુની રોકડ અને ઘણી લક્ઝરી ઘડિયાળો તેમજ ઘણા વાહનો જપ્ત કર્યા હતા.

ગૂગલ અને મેટાને EDની નોટિસ, 21 જુલાઈએ પૂછપરછ માટે બોલાવ્યા: જાણો સમગ્ર મામલો 2 - image


Tags :