VIDEO: સેલિબ્રેશન માટે વારંવાર બૂમો પાડી, છતાં ન રોકાયો કોહલી? મામલો કંઈક ગંભીર લાગે છે!
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

IND vs SA: દક્ષિણ આફ્રિકા જ્યારથી ભારતના પ્રવાસે આવી ત્યારથી ઈન્ડિયન ડ્રેસિંગ રૂમમાં સેલિબ્રેશનનું સ્થાન ઉદાસ અને નિરાશ ચહેરાઓએ લઈ લીધું હતું. ટીમ ઈન્ડિયાને ઘરઆંગણે જ બંને ટેસ્ટમાં કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ વનડે સીરિઝ શરૂ થતાં જ સમય બદલાઈ ગયો. વિરાટ કોહલી, રોહિત શર્મા અને કેપ્ટન કેએલ રાહુલની શાનદાર ઈનિંગ્સ અને ત્યારબાદ કુલદીપ યાદવ અને હર્ષિત રાણાની ઘાતક બોલિંગે ભારતે પ્રથમ વનડેમાં દક્ષિણ આફ્રિકાને 17 રનથી હરાવી દીધું. લાંબા સમય બાદ ભારતીય ડ્રેસિંગ રૂમમાં જશ્નનો સંયોગ બન્યો, પરંતુ એવું લાગે છે કે ટીમની અંદર માહોલ તણાવપૂર્ણ છે.
વારંવાર બૂમો પાડી છતાં ન રોકાયો વિરાટ કોહલી
ટીમ ઈન્ડિયાની જીત બાદ હોટલમાં સેલિબ્રેશન થઈ રહ્યું હતું. કેપ્ટન કેએલ રાહુલ કેક કાપી રહ્યો હતો. તમામ ખેલાડીઓ ત્યાં ભેગા થયા હતા. ત્યારે જ પોતાના વિચારોમાં લીન વિરાટ કોહલી ત્યાંથી પસાર થાય છે પરંતુ તે સેલિબ્રેશનમાં સામેલ નથી થતો. તેને વારંવાર બૂમો પાડી પરંતુ તે તેને અવગણીને ચાલ્યો ગયો. બીજી તરફ મેચ પછી રોહિત શર્મા અને ગૌતમ ગંભીરની વાતચીતના વિઝ્યુઅલ પણ વાઈરલ થયા છે. તેથી સવાલ ઉઠી રહ્યા છે કે, ઈન્ડિયન ડ્રેસિંગ રૂમમાં બધું બરાબર છે કે નહીં.
મેચ પૂરી થયા પછી ભારતીય ટીમ પોતાની હોટલ પરત ફરી. શુભમન ગિલની ગેરહાજરીમાં વનડે સીરિઝમાં ટીમનું નેતૃત્વ કરી રહેલ કેએલ રાહુલ જીતનો જશ્ન મનાવવા માટે કેક કાપી રહ્યો હતો. આનો એક વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે.
સેલિબ્રેશન ચાલી રહ્યું છે. કેક કાપવાની તૈયારીઓ ચાલી રહી છે. તે જ સમયે પ્લેયર ઓફ ધ મેચ વિરાટ કોહલી લોબીમાં પ્રવેશ કરે છે. તે કેએલ રાહુલને કેક કાપતો જુએ છે પરંતુ તે ત્યાં ઊભો નથી રહેતો અને સેલિબ્રેશનમાં પણ સામેલ નથી થતો. તે પોતાની જ ધૂનમાં લીન આગળ જતો રહે છે. આ દરમિયાન તેને વારંવાર વિરાટ સર, વિરાટ સર કહીને બૂમો પાડવામાં આવે છે. કોહલી સીધો એલિવેટર તરફ આગળ વધી જાય છે.
ગૌતમ ગંભીર અને રોહિત શર્મા વચ્ચે 'ગંભીર' વાતચીત
આ વચ્ચે ભારતના હેડ કોચ ગૌતમ ગંભીર અને પૂર્વ કેપ્ટન રોહિત શર્મા લોબી એરિયામાં બેસીને કોઈ ટોપિક પર 'ગંભીર' ચર્ચા કરતા દેખાઈ રહ્યા છે. આ પહેલા ભારતની જીત પછી બંને ડ્રેસિંગ રૂમમાં વાતચીત કરતા દેખાયા હતા અને તેમની સાથે બેટિંગ કોચ સિતાંશુ કોટક પણ હતો.
સોશિયલ મીડિયા પર બીજી એક ક્લિપ વાઈરલ થઈ રહી છે. તે ભારતની જીત પછીની ક્લિપ છે. વિરાટ કોહલી સીડી ચઢીને ડ્રેસિંગ રૂમ તરફ જઈ રહ્યો છે. કાચની બીજી બાજુ ગૌતમ ગંભીર દેખાય છે, પરંતુ તેની નજીક જતા જ કોહલી પોતાના મોબાઈલ ફોનમાં વ્યસ્ત થઈ જાય છે. ગંભીર તેને જોઈ રહ્યો છે પરંતુ કિંગ કોહલી તેને સંપૂર્ણપણે અવગણીને આગળ જતો રહ્યો હોય તેવું લાગે છે.
આ પણ વાંચો: ગંભીર અને અજિત અગરકરને BCCIનું તેડું! ટેસ્ટમાં નિષ્ફળતા મામલે આપવા પડશે જવાબ?
કોહલી-રોહિત અને ગંભીર વચ્ચે બધું બરાબર નથી?
આ ક્લિપ્સ સોશિયલ મીડિયા પર એવા સમયે વાઈરલ થઈ રહી છે જ્યારે કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, કોહલી, રોહિત અને ટીમ મેનેજમેન્ટ વચ્ચે બધુ બરાબર નથી ચાલી રહ્યું. રિપોર્ટ્સ પ્રમાણે રોહિત શર્મા અને ચીફ સિલેક્ટર અજિત અગરકર વચ્ચે બિલકુલ પણ વાતચીત નથી થતી. તેવી જ રીતે વિરાટ કોહલી અને ગૌતમ ગંભીર વચ્ચે પણ કંઈ ખાસ વાતચીત નથી થતી. એક કોચ અને એક પૂર્વ કેપ્ટન અને ખેલાડી વચ્ચે જે પ્રકારની વાતચીત થવી જોઈએ તેવી બિલકુલ નથી થતી.








