Ishan Kishan: ભારતના સ્ટાર બેટ્સમેન ઈશાન કિશને લગભગ ત્રણ વર્ષ બાદ ટીમ ઈન્ડિયામાં વાપસી કરી છે. ઈશાન ન્યૂઝીલેન્ડ સામે રમાઈ રહેલી 5 મેચોની T20 સીરિઝ માટે ટીમ ઈન્ડિયાનો હિસ્સો છે. તે પહેલી મેચમાં ફ્લોપ રહ્યો હતો પરંતુ બીજી T20માં એવી ધુંઆધાર બેટિંગ કરી કે, હવે સંજુ સેમસનના સ્થાન પર સવાલ ઊભા થઈ ગયા છે.
ઈશાન કિશનની તાબડતોબ બેટિંગ
ગઈ કાલે રાયપુરમાં રમાયેલી સીરિઝની બીજી T20 મેચમાં ઈશાન કિશને રન ચેઝ દરમિયાન ધમાકેદાર ઈનિંગ રમી, જેમાં તેણે 32 બોલમાં 11 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી 76 રન બનાવ્યા હતા. બીજી તરફ સંજુ સીરિઝની બંને મેચમાં ફ્લોપ રહ્યો હતો. તેણે મેચમાં અનુક્રમે 10 અને 6 રન બનાવ્યા. ઈશાનની આ ઈનિંગે 2026ના T20 વર્લ્ડ કપ માટેના આખું સમીકરણ બદલી નાખતા ટીમમાં સંજુ સેમસનના સ્થાન પર સવાલ ઊભા કરી દીધા છે.
સંજુ સેમસનની જગ્યા ખતરામાં
તમને જણાવી દઈએ કે, સંજુ અને ઈશાન બંનેને T20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયામાં સ્થાન આપવામાં આવ્યું છે. ઈશાને ન્યુઝીલેન્ડ સામેની T20 સીરિઝની પહેલી બે મેચમાં ત્રીજા નંબરે બેટિંગ કરી હતી. બીજી T20Iમાં ઈશાનની ધમાકેદાર બેટિંગે તેને સંજુના સ્થાને ઓપનિંગનો દાવેદાર બનાવી દીધો છે.
ઈશાન આ ફોર્મ સાથે T20 વર્લ્ડ કપમાં અભિષેક શર્મા સાથે ઓપનિંગ કરવા ઉતરી શકે છે. જો ઈશાન ઓપનિંગ કરવા ઉતરે તો સંજુ માટે મિડલ ઓર્ડરમાં સ્થાન મેળવવું મુશ્કેલ બની શકે છે. ઈશાન વિકેટકીપર પણ છે, જે તે સંજુનો પરફેક્ટ રિપ્લેસમેન્ટ બની શકે છે. આ સ્થિતિમાં સંજુને આગામી વર્લ્ડ કપમાં બેન્ચ પર બેસવું પડે તેવી શક્યતા સેવાઈ રહી છે. 2024ના T20 વર્લ્ડ કપમાં પણ સંજુને ટુર્નામેન્ટની કોઈપણ મેચમાં પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવામાં નહોતો આવ્યો.
ઈશાન કિશનનું T20 ઈન્ટરનેશનલ કરિયર
ઈશાનના T20 ઈન્ટરનેશનલ કરિયરની વાત કરીએ તો તેણે અત્યાર સુધીમાં 34 મેચ રમી છે. આ મેચની 34 ઈનિંગ્સમાં બેટિંગ કરતા તેણે 34ની એવરેજ અને 129.98ના સ્ટ્રાઈક રેટથી 880 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે સાત અડધી સદી પણ ફટકારી છે.


