IND vs NZ 2nd T20I: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રાયપુરના શહીદ વીર નારાયણ સિંહ સ્ટેડિયમમાં બીજી T20 મેચ રમાઈ હતી. ભારતે આ મેચ પણ પોતાના નામે કરી લીધી છે અને સીરિઝમાં 2-0ની લીડ મેળવી લીધી છે. કેપ્ટન સૂર્યકુમાર યાદવની વિસ્ફોટક અણનમ 82 અને ઈશાન કિશનની 76 રનની ધુંઆધાર ઈનિંગ્સના દમ પર ભારતીય ટીમે રાયપુર T20માં ન્યૂઝીલેન્ડને 7 વિકેટે કચડીને ઐતિહાસિક જીત નોંધાવી છે. આ મેચમાં ઈશાન કિશને ધુંઆધાર બેટિંગ કરીને 76 રન બનાવ્યા હતા.
ઈશાન કિશને 32 બોલમાં 76 રન ફટકાર્યા હતા. તેણે 237.50ના સ્ટ્રાઈક રેટથી બેટિંગ કરી અને પોતાની ઈનિંગમાં 11 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા. કિશનને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો. હવે મેચ બાદ ઈશાન કિશને મોટું નિવેદન આપ્યું હતું.
ન્યૂઝીલેન્ડ સામે ધુંઆધાર બેટિંગ બાદ ઈશાન કિશનનું દર્દ છલકાયું
તમને જણાવી દઈએ કે, ઈશાન કિશને લાંબા સમય બાદ ભારતીય ટીમમાં વાપસી કરી છે. તે લાંબા સમયથી ભારતીય ટીમમાંથી ડ્રોપ હતો. આ તમામ વચ્ચે કિશને મેચ બાદ કહ્યું કે, 'હું ડોમેસ્ટિક ક્રિકેટમાં માત્ર રન બનાવવા માગતો હતો. ક્યારેક-ક્યારેક તે પોતાના માટે પણ કરવું જરૂરી હોય છે. ખુદના સવાલોના જવાબ આપવા માટે કે, તમે કેવી બેટિંગ કરી રહ્યા છો અને તમે ભારત માટે રમવા માટે સક્ષમ છો કે નહીં? તેથી મારા માટે ડોમેસ્ટિક ક્રિકેટમાં રમવું અને રન બનાવવા જરૂરી હતા. સારી બાબત એ છે કે, અમે ટ્રોફી પણ જીતી અને હું એ જ આત્મવિશ્વાસને અહીં લઈને આવ્યો. તો આ મારા માટે ખૂબ સારો દિવસ હતો.'
ઈશાન કિશને આગળ કહ્યું કે, 'મેં મારી જાતને એક સવાલ કર્યો કે, હું કમબેક કરી શકું છું કે નહીં? મારો જવાબ સ્પષ્ટ હતો. મને એહસાસ થઈ ગયો હતો કે, હું આખી ઈનિંગ બેટિંગ કરી શકું છું અને કેટલાક સારા શોટ રમી શકું છું. મારા સવાલોના જવાબ આપવા માટે મને ક્યાંકને ક્યાંક થોડા રનની જરૂર હતી. ભલે હું આઉટ થઈ જાઉં, પરંતુ મારે માત્ર સારું ક્રિકેટ રમવાનું હતું.'


