Sports

ભારત સામે ઐતિહાસિક જીતના 24 કલાકમાં જ આયર્લેન્ડના હેડ કોચનું રાજીનામું, ક્રિકેટ જગત ચોંક્યું

By GS Team
29 Jun 20262 mins read
TukuTouch Logo
ભારત સામે T20I શ્રેણીમાં ઐતિહાસિક 2-0ની જીત બાદ આયર્લેન્ડ ટીમના હેડ કોચ હેનરિક મલાને રાજીનામું આપ્યું છે. 45 વર્ષીય મલાન 4 વર્ષથી વધુ સમયથી આ ભૂમિકામાં હતા. ક્રિકેટ આયર્લેન્ડે ગેરી વિલ્સનને નવા હેડ કોચ તરીકે નિયુક્ત કર્યા છે. મલાને આગામી વનડે વર્લ્ડ કપ માટે નવા કોચ યોગ્ય હોવાનું જણાવ્યું. આ નિર્ણય ક્રિકેટ જગતમાં આશ્ચર્યજનક છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ભારત સામે ઐતિહાસિક જીતના 24 કલાકમાં જ આયર્લેન્ડના હેડ કોચનું રાજીનામું, ક્રિકેટ જગત ચોંક્યું

Heinrich Malan Resign : ભારત સામેની T20I સિરીઝમાં ઐતિહાસિક જીત મેળવ્યા બાદ આયર્લેન્ડ ટીમના હેડ કોચે પોતાના પદ પરથી રાજીનામું આપીને ક્રિકેટ જગતને ચોંકાવી દીધું છે. હેનરિક મલાને આયર્લેન્ડની પુરુષ ક્રિકેટ ટીમના હેડ કોચનું પદ છોડવાનો નિર્ણય કર્યો છે. તેઓ છેલ્લા 4 વર્ષથી વધુ સમયથી આ ભૂમિકામાં હતા. તેમનો આ નિર્ણય T20I માં ભારત સામે આયર્લેન્ડની ઐતિહાસિક 2-0 ની જીત બાદ આવ્યો છે. આયર્લેન્ડ ક્રિકેટ બોર્ડે હેનરિક મલાનની જગ્યાએ ગેરી વિલ્સનને પુરુષ ટીમનો નવો હેડ કોચ નિયુક્ત કર્યો છે. ભારત સામેની આ ઐતિહાસિક જીતના 24 કલાકની અંદર જ હેનરિક મલાનનું હેડ કોચ પદેથી રાજીનામું આપવું, એ ખૂબ જ ચોંકાવનારો નિર્ણય છે. મલાનનો કોન્ટ્રાક્ટ 2027ની શરૂઆત સુધીનો હતો, પરંતુ 45 વર્ષના આ દક્ષિણ આફ્રિકાના કોચે પદ છોડવાનો નિર્ણય લીધો છે. ક્રિકેટ આયર્લેન્ડની યાદી મુજબ, તેમનું માનવું છે કે, આગામી વર્ષે યોજાનારા વનડે વર્લ્ડ કપ માટે ક્વોલિફાય કરવાના હેતુથી કોઈ નવા કોચના આવવા માટેનો આ યોગ્ય સમય છે.

હેનરિક મલાને શું કહ્યું?
હેનરિક મલાને પોતાના નિવેદનમાં જણાવ્યું કે, 'આ ખેલાડીઓ, સ્ટાફ અને આઇરિશ ક્રિકેટ સમુદાય સાથે કામ કરવું મારા માટે ખૂબ જ સન્માનની વાત રહી છે. અહીં રહેવાનો અનુભવ મારા અને મારા પરિવાર માટે અદ્ભુત રહ્યો છે અને અમે આઇરિશ ક્રિકેટ સાથે વિતાવેલા અમારા સમયને હંમેશા ખૂબ જ પ્રેમથી યાદ રાખીશું."

મલાને આગળ કહ્યું કે, 'મેદાન પર આપણે ગર્વ સાથે તે ઐતિહાસિક જીતને યાદ કરી શકીએ છીએ. મેલબોર્નમાં ઇંગ્લેન્ડ સામે T20 વર્લ્ડ કપમાં ઐતિહાસિક જીત, અબુ ધાબીમાં અફઘાનિસ્તાન સામે આપણી પ્રથમ ટેસ્ટ જીત, બેલફાસ્ટમાં ઝિમ્બાબ્વે સામે પ્રથમ હોમ ટેસ્ટ જીત, ભારત સામે ઘરઆંગણે T20 સિરીઝમાં ઐતિહાસિક જીત અને પાકિસ્તાન, વેસ્ટ ઈન્ડિઝ તથા દક્ષિણ આફ્રિકાને હરાવવું. સાથે જ, વિશ્વની ટોચની ટીમોને પડકારવાની અને તેમને હરાવવાની આપણી સતત ક્ષમતાને કારણે T20 વર્લ્ડ કપ માટે સીધા ક્વોલિફાય કરવું પણ આપણા માટે ગર્વની વાત છે.'

આયર્લેન્ડના નવા હેડ કોચ બન્યા ગેરી વિલ્સન

આયર્લેન્ડ ક્રિકેટ બોર્ડે હેનરિક મલાનના રાજીનામાના તરત જ બાદ ગેરી વિલ્સનને આયર્લેન્ડ પુરુષ ક્રિકેટ ટીમના નવા હેડ કોચ નિયુક્ત કરી દીધા છે. તમને જણાવી દઈએ કે 40 વર્ષના વિલ્સને 2020માં નિવૃત્તિ લેતા પહેલા, 15 વર્ષની શાનદાર ઇન્ટરનેશનલ કરિયરમાં 292 મેચોમાં આયર્લેન્ડનું પ્રતિનિધિત્વ કર્યું હતું. આ પછી તરત જ તેઓ કોચિંગ ક્ષેત્રે આવી ગયા હતા. શરૂઆતમાં તેમણે નોર્થ વેસ્ટ વોરિયર્સને કોચિંગ આપ્યું, અને પછી 2022માં આયર્લેન્ડની પુરુષ સિનિયર ટીમના કોચિંગ સેટઅપમાં આસિસ્ટન્ટ કોચ તરીકે જોડાયા. 1990ના દાયકાની શરૂઆતમાં જોન વિલ્સ પછી, તેઓ આયર્લેન્ડની પુરુષ ટીમના પ્રથમ આઇરિશ મૂળના હેડ કોચ બન્યા છે.