IPL 2026: ઇન્ડિયન પ્રીમિયર લીગમાં રવિવારે મુંબઈ ઇન્ડિયન્સનો મુકાબલો કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) સામે થયો હતો. વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં રોહિત શર્માએ રેકોર્ડબ્રેક ઇનિંગ રમી હતી. રોહિતે KKR સામેની મેચમાં માત્ર 23 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી, જે IPL ઇતિહાસમાં 'હિટમેન'ની સૌથી ઝડપી ફિફ્ટી છે.
11 વર્ષ બાદ પોતાનો જ રેકોર્ડ તોડ્યો
આ પહેલા રોહિતની સૌથી ઝડપી IPL અડધી સદી 2015ના ફાઇનલમાં આવી હતી, જ્યારે તેણે ચેન્નાઈ સુપર કિંગ્સ સામે 25 બોલમાં ફિફ્ટી ફટકારી હતી. હવે 11 વર્ષ બાદ તેણે પોતાનો જ રેકોર્ડ તોડીને 23 બોલમાં અડધી સદી ફટકારી દીધી છે.
6 ચોગ્ગા અને 6 છગ્ગા ફટકાર્યા
રોહિત શરૂઆતથી જ ખૂબ જ આક્રમક અંદાજમાં જોવા મળ્યો હતો. તેણે પાવરપ્લેનો પૂરો ફાયદો ઉઠાવ્યો અને કોલકાતાના બોલરો પર સતત દબાણ બનાવી રાખ્યું. તેની બેટિંગમાં એ જ જૂની લય અને આત્મવિશ્વાસ જોવા મળ્યો, જેણે તેને IPL અને ભારતીય ક્રિકેટનો સૌથી મોટો મેચ વિનર બનાવ્યો છે. આ મુકાબલામાં રોહિત શર્માએ 38 બોલમાં 78 રન બનાવ્યા હતા. પોતાની આ ઇનિંગમાં રોહિત શર્માએ 6 ચોગ્ગા અને 6 છગ્ગા ફટકાર્યા હતા.
IPLમાં ફટકારી 50મી ફિફ્ટી
આ ઇનિંગની સાથે રોહિત શર્મા IPL ઇતિહાસમાં સૌથી વધુ 50 પ્લસ સ્કોર કરનારા બેટ્સમેનોની યાદીમાં ચોથા સ્થાને પહોંચી ગયો છે. હવે તેના નામે IPLમાં 50 વખત 50 કે તેથી વધુ રનનો સ્કોર નોંધાયેલો છે. આ યાદીમાં સૌથી ઉપર વિરાટ કોહલી છે, જેણે 72 વખત 50 પ્લસ સ્કોર બનાવ્યો છે. બીજા સ્થાને ડેવિડ વોર્નર (66 વખત) અને ત્રીજા નંબરે શિખર ધવન (53 વખત) 50થી વધુ રન બનાવી ચૂક્યા છે. જ્યારે કે.એલ. રાહુલ 45 વખત 50 પ્લસ સ્કોર સાથે પાંચમા સ્થાને છે.
આ પણ વાંચો: IPL 2026ની પહેલી મેચમાં જ વિવાદ, સૉલ્ટે પકડેલા કેચ પર દિગ્ગજોએ ઊઠાવ્યા સવાલ
રોહિતની આ ઇનિંગ માત્ર એક રેકોર્ડ સુધી સીમિત રહી નથી, પરંતુ તેણે એ પણ સાબિત કર્યું કે તે હજુ પણ મુંબઈ ઇન્ડિયન્સનો સૌથી મોટો મેચ વિનર છે. IPL 2026માં તેનો આ આકરો અંદાજ ટીમ માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.


