IPLની આ ટીમ રૂ.25 કરોડમાં K L રાહુલને ખરીદવા ડીલ કરી રહી હોવાની અટકળો, કેપ્ટન્સી પણ આપશે
KL Rahul in KKR: ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ સીરિઝમાં કેએલ રાહુલ શાનદાર ફોર્મમાં ચાલી રહ્યો છે. તે સીરિઝમાં બે સદી ફટકારી ચૂક્યો છે. હવે આ વચ્ચે એક ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. મીડિયા અહેવાલ પ્રમાણે કેએલ રાહુલ IPL 2026માં દિલ્હી કેપિટલ્સને બદલે કોલકાતા નાઈટ રાઈડર્સ માટે રમી શકે છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે KKR ટીમ તેને કોઈપણ કિંમતે ટ્રેડ દ્વારા પોતાની ટીમમાં ઈચ્છે છે. કેએલ રાહુલને દિલ્હી કેપિટલ્સે 14 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો અને તેણે 13 ઈનિંગ્સમાં 539 રન બનાવ્યા હતા.
KKRને જોઈએ K L રાહુલ
કેએલ રાહુલને KKR એટલા માટે ખરીદવાના મૂડમાં છે કારણ કે, તેને એક કેપ્ટન જોઈએ છે. ગત સિઝનમાં આ ટીમનું નેતૃત્વ અજિંક્ય રહાણેએ કર્યું હતું, ટીમ પ્લેઓફમાં ન પહોંચી શકી અને તેનું પ્રદર્શન ખરાબ રહ્યું હતું પરંતુ હવે KKR મોટા ફેરફારના મૂડમાં છે. એટલા માટે તે કેએલ રાહુલને ટીમમાં લાવીને તેને કેપ્ટન બનાવવા માંગે છે. અહેવાલ તો એવા પણ સામે આવી રહ્યા છે કે KKR કેએલ રાહુલ માટે 25 કરોડ રૂપિયા ખર્ચ કરવા માટે તૈયાર છે. કેએલ રાહુલ માત્ર એક સારો બેટ્સમેન જ નથી, તે કેપ્ટન અને વિકેટકીપરની ભૂમિકા પણ ભજવી શકે છે, તેથી KKR તેના માટે આટલી મોટી રકમ ચૂકવવા તૈયાર હોવાનું કહેવાય છે.
KKRએ પોતાના જ પગ પર મારી કૂહાડી
KKR એ IPL 2025ના ઓક્શન પહેલા પોતાના જ પગ પર કૂહાડી મારી હતી. વાસ્તવમાં KKRએ ટીમને ત્રીજી IPL જીતાડનાર કેપ્ટન શ્રેયસ અય્યરને જ રિટેન નહોતો કર્યો. પરિણામે આ ખેલાડી પંજાબ કિંગ્સનો કેપ્ટન બની ગયો. અય્યરના જવાથી KKRને મોટું નુકસાન થયું. પહેલા તેનો કેપ્ટન બદલાયો, ત્યારબાદ ટીમની રમવાની રીત પણ બદલાઈ ગઈ. ટીમ 14 માંથી માત્ર 5 મેચ જીતી શકી. હવે IPL 2026 પહેલા તેણે હેડ કોચ ચંદ્રકાંત પંડિતને પણ હટાવી દીધા છે. એક સમયે આ ટીમના બોલિંગ યુનિટને મજબૂત બનાવનારા ભરત અરુણ પણ લખનઉમાં સામેલ થઈ ગયા છે. હવે KKR કંઈ પણ રીતે કેએલ રાહુલને ટીમમાં લાવીને પોતાની ટીમને બેલેન્સ કરવાની તૈયારી કરી રહ્યું છે. સવાલ એ છે કે શું દિલ્હી કેપિટલ્સ કેએલ રાહુલને રિલીઝ કરશે? હાલમાં આનો જવાબ કદાચ ના જ હશે.