IPL 2026, Gujarat Titans vs Delhi Capitals : આઈપીએલ-2026માં આજે દિલધડક રમાયેલી મેચમાં ગુજરાત ટાઈટન્સે દિલ્હી કેપિટલ્સને હરાવી પ્રથમ જીત મેળવી છે. આજે અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે રમાયેલી મેચમાં ગુજરાતે દિલ્હીને માત્ર 1 રનથી હરાવીને જીત નોંધાવી છે. ગુજરાતે પ્રથમ બેટિંગ કરીને 20 ઓવરમાં 4 વિકેટે 210 રન નોંધાવ્યા હતા. ગુજરાત તરફથી શુભમન ગિલ, વોશિંગ્ટન સુંદર અને જોશ બટલરે ફિફ્ટી ફટકારી હતી તો દિલ્હી તરફથી કે.એલ.રાહુલે ફિફ્ટી ફટકારી મહત્ત્વનું યોગદાન આપ્યું હતું. જોકે તેમ છતાં દિલ્હીનો માત્ર એક રને પરાજય થયો છે.
ગુજરાત તરફથી ગિલ, સુંદર અને બટલરની ફિફ્ટી
ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ગુજરાત ટાઇટન્સની શરૂઆત સામાન્ય રહી હતી. જોકે, કેપ્ટન શુભમન ગિલ (70 રન, 45 બોલ, 4 ફોર, 5 સિક્સ), વોશિંગ્ટન સુંદર (55 રન, 32 બોલ, 6 ફોર, 2 સિક્સ) અને જોસ બટલર (52 રન, 27 બોલ, 3 ફોર, 5 સિક્સ)ની શાનદાર ફિફ્ટીની મદદથી ગુજરાતે નિર્ધારિત 20 ઓવરમાં 4 વિકેટે 210 રનનો વિશાળ સ્કોર ખડક્યો હતો. દિલ્હી તરફથી મુકેશ કુમારે સૌથી વધુ 2 વિકેટ ઝડપી હતી.
છેલ્લી ઓવરમાં જોવા મળેલ દિલધડક બોલિંગનો VIDEO
રાહુલ અને મિલરની મહેનત એડે ગઈ
211 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી દિલ્હીની શરૂઆત નબળી રહી હતી, પરંતુ કેપ્ટન કેએલ રાહુલે દમદાર બેટિંગ કરીને 52 બોલમાં 11 ફોર અને 4 સિક્સ ફટકારી 92 રનની આક્રમક ઈનિંગ રમી હતી. અંતિમ ઓવરોમાં ડેવિડ મિલરે માત્ર 20 બોલમાં 41 રન ફટકારતા દિલ્હી જીતની નજીક પહોંચી ગયું હતું. જોકે છેલ્લી ઓવર દિલધડક મેચ તરફ પહોંચી ગઈ હતી, જેમાં ગુજરાતના બોલર પ્રસિદ્ધ ક્રિષ્નાએ લાઇન-લેન્થ જાળવી રાખતા દિલ્હી 20 ઓવરમાં 8 વિકેટે 209 રન જ બનાવી શક્યું અને માત્ર 1 રનથી મેચ હારી ગયું.
રાશિદ ખાનની ધારદાર બોલિંગ
ગુજરાતની જીતમાં લેગ સ્પિનર રાશિદ ખાન ગેમ ચેન્જર સાબિત થયો હતો. તેણે પોતાની 4 ઓવરમાં માત્ર 17 રન આપીને 3 મહત્વની વિકેટો ઝડપી દિલ્હીની બેટિંગ લાઇનઅપને રોકી રાખી હતી. આ ઉપરાંત પ્રસિદ્ધ કૃષ્ણાએ પણ 2 વિકેટ ઝડપી સાથ આપ્યો હતો. જ્યારે મોહમ્મદ શિરાજે એક વિકેટ ખેરવી હતી.


