Get The App

1 રનથી રોમાંચક જીત છતાં દંડાયો કેપ્ટન શુભમન ગિલ, IPL આચાર સંહિતાનો ભંગ થતાં કાર્યવાહી

Updated: Apr 9th, 2026

GS TEAM

Google News
Google News
1 રનથી રોમાંચક જીત છતાં દંડાયો કેપ્ટન શુભમન ગિલ, IPL આચાર સંહિતાનો ભંગ થતાં કાર્યવાહી 1 - image

Shubman Gill Penalty: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026માં ગુજરાત ટાઇટન્સે આખરે જીતનું ખાતું ખોલી લીધું છે, પરંતુ આ જીતની સાથે ટીમ અને કેપ્ટન શુભમન ગિલ માટે એક મોટી મુશ્કેલી પણ ઉભી થઈ ગઈ છે. 8 એપ્રિલના રોજ દિલ્હી કેપિટલ્સ સામે રમાયેલી અત્યંત રોમાંચક મેચમાં ગુજરાતે 1 રનથી જીત મેળવી હતી, પરંતુ સ્લો ઓવર રેટના કારણે કેપ્ટન ગિલને સજા ભોગવવાનો વારો આવ્યો છે.

12 લાખ રૂપિયાનો દંડ

મેચ  દરમિયાન ગુજરાતની ટીમ પર સ્લો ઓવર રેટની અસર પડી. નિયમો મુજબ 30-યાર્ડ સર્કલની અંદર એક વધારાનો ફિલ્ડર રાખવો પડ્યો, જેના કારણે દબાણ વધી ગયું. એટલું જ નહીં, IPL આચાર સંહિતાના આર્ટિકલ 2.22 હેઠળ કેપ્ટન શુભમન ગિલ પર 12 લાખ રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. આ સિઝનમાં આ પ્રથમ વખત હતું જ્યારે ગુજરાતે સ્લો ઓવર રેટનું ઉલ્લંઘન કર્યું હતું.

છેલ્લા 2 બોલમાં પલટાઈ મેચ

211 રનના લક્ષ્યાંકનો પીછો કરતા દિલ્હી તરફથી કેએલ રાહુલે શાનદાર 52 બોલમાં 92 રનની ઇનિંગ રમી હતી, જેમાં 11 ચોગ્ગા અને 4 છગ્ગા સામેલ હતા. પાથુમ નિસાંકાએ 24 બોલમાં 41 રન બનાવ્યા હતા. આ ઇનિંગ દરમિયાન ડેવિડ મિલર ઈજાના કારણે રિટાયર્ડ હર્ટ થયો હતો, પરંતુ તેણે વાપસી કરી અને દિલ્હીની હારેલી મેચને ખૂબ જ નજીક લઈ ગયો હતો. તેણે 20 બોલમાં 41 રનની વિસ્ફોટક ઇનિંગ રમી હતી, પરંતુ દિલ્હીની ટીમ જીતથી માત્ર 1 રન દૂર રહી ગઈ હતી.

2 બોલમાં 2 રન અને મેચમાં ટર્નિંગ પોઈન્ટ

દિલ્હીને છેલ્લી 2 બોલમાં 2 રનની જરૂર હતી. પરંતુ 20મી ઓવરના પાંચમા બોલે ડેવિડ મિલરે 1 રન લેવાની ના પાડી દીધી, જે ટીમને ભારે પડી. હકીકતમાં, તે લયમાં હતો, તેથી તેણે સ્ટ્રાઈક પોતાની પાસે જ રાખી અને છેલ્લા બોલે 2 રન બનાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ મેચનો છેલ્લો બોલ તે ડોટ રમી ગયો. જેના કારણે ગુજરાતે આ મુકાબલો 1 રને પોતાના નામે કરી લીધો. ગુજરાતની આ સિઝનની પ્રથમ જીત છે, જ્યારે દિલ્હીને પ્રથમ હારનો સામનો કરવો પડ્યો છે.

IPL 2026માં ક્યારે કોના પર લાગ્યો દંડ?

3 એપ્રિલે શ્રેયસ પર લાગ્યો દંડ

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) માં 3 એપ્રિલના રોજ જીત છતાં પંજાબ કિંગ્સ (PBKS)ના કેપ્ટન શ્રેયસ અય્યર પર ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ તેમની ટીમ સાથે મોટો દંડ લગાવ્યો હતો. PBKS એ સતત બીજી મેચમાં નિર્ધારિત સમય કરતાં વધુ સમય લેતા 20 ઓવર પૂરી કરી હતી. આ કારણે કેપ્ટન શ્રેયસ અય્યર પર 24 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. જ્યારે પ્લેઈંગ ઈલેવન અને ઈમ્પેક્ટ પ્લેયર પર 6 લાખ રૂપિયા અથવા મેચ ફીના 25 ટકા (જે ઓછું હોય તે) ફાઈન કરવામાં આવ્યો હતો. હકીકતમાં, ચેન્નાઈ સુપર કિંગ્સ સામે એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ (ચેપોક) માં PBKSની બોલિંગ ઘણી મોંઘી સાબિત થઈ હતી. ટીમે કુલ 15 વાઈડ અને 1 નો-બોલ ફેંક્યો હતો, જેનાથી સમય અને રન બંનેનું નુકસાન થયું હતું.

2 એપ્રિલે અભિષેક શર્મા દંડાયો

કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે 2 એપ્રિલે KKR સામે રમાયેલી મેચમાં અભિષેક શર્માએ 48 રનની મહત્વની ઈનિંગ રમી હતી અને ટીમની જીતમાં મોટી ભૂમિકા ભજવી હતી. જોકે મેચ દરમિયાન તેના વર્તને તેને મુશ્કેલીમાં મૂકી દીધો હતો. BCCI એ તેને IPL કોડ ઓફ કંડક્ટના આર્ટિકલ 2.3 ના ઉલ્લંઘન માટે દોષિત માન્યો હતો, જે અપમાનજનક અથવા અશ્લીલ ભાષાના ઉપયોગ સાથે જોડાયેલ હતું. આ ભૂલ માટે તેના પર મેચ ફીના 25 ટકા દંડ ફટકારવામાં આવ્યો હતો, અને તેના ખાતામાં એક ડિમેરિટ પોઈન્ટ પણ ઉમેરવામાં આવ્યો હતો.

31 માર્ચે શ્રેયસ પર લાગ્યો દંડ

પંજાબ કિંગ્સના કેપ્ટન શ્રેયસ અય્યરને પણ 31 માર્ચના રોજ ગુજરાત ટાઇટન્સ સામે રમાયેલી મેચમાં સ્લો ઓવર રેટના કારણે 12 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો.

સ્લો ઓવર રેટ પર શું છે જોગવાઈ?

સ્લો ઓવર રેટના કિસ્સામાં પ્રથમ ભૂલ પર 12 લાખ રૂપિયાનો દંડ લાગે છે. બીજી વખત ભૂલનું પુનરાવર્તન થાય તો 24 લાખ રૂપિયાનો દંડ લાગે છે અને ટીમના ખેલાડીઓ પર પણ આર્થિક દંડ લાદવામાં આવે છે. અગાઉ ત્રીજી વખત સ્લો ઓવર રેટ માટે દોષિત ઠરવા પર પ્રતિબંધની વાત હતી. ત્યારે કેપ્ટન પર એક મેચ માટે પ્રતિબંધ મૂકી શકાતો હતો, પરંતુ હવે આ નિયમને હટાવી દેવામાં આવ્યો છે.

આ પણ વાંચો: VIDEO: 2 બોલ 2 રન..ડેવિડ મિલરના એક નિર્ણયે દિલ્હીને જીતેલી બાજી હરાવી, IPLમાં મોટો અપસેટ

IPL 2025માં  નવો ડિમેરિટ પોઈન્ટ સિસ્ટમ લાગુ કરવામાં આવ્યો હતો, જે ICCના નિયમો જેવો છે. હવે મેચ રેફરી જે પણ સજા આપશે, તેની સાથે ખેલાડી અથવા ટીમ ઓફિશિયલને ડિમેરિટ પોઈન્ટ મળશે. ઉદાહરણ તરીકે, જો કોઈને મેચ ફીના 25% દંડ લાગે છે, તો તેને 1 ડિમેરિટ પોઈન્ટ મળશે. આ પોઈન્ટ 36 મહિના સુધી રેકોર્ડમાં રહેશે અને વધતા રહેશે, અને વધુ પોઈન્ટ થવા પર સસ્પેન્શન પણ થઈ શકે છે. આ ઉપરાંત, લેવલ 2 અથવા લેવલ 3 ની ભૂલ પર ખેલાડી, ટીમ ઓફિશિયલ અથવા ફ્રેન્ચાઈઝી BCCIના ઓમ્બડ્સમેન પાસે અપીલ કરી શકે છે, પરંતુ આ માટે 90 લાખ રૂપિયા ફી ચૂકવવી પડશે, જે અપીલ સંપૂર્ણપણે સાચી સાબિત થાય તો જ પરત મળશે.