Hardik Pandya Dressing Room Speech : ઈન્ડિયન પ્રિમિયર લીગમાં પાંચ વખત ચેમ્પિયન બનેલી મુંબઈ ઈન્ડિયન્સ (MI)ની ટીમ આ વખતે (IPL-2026)માં ભારે મુશ્કેલીનો સામનો કરી રહી છે. આઈપીએલ-2026માં મુંબઈ અત્યાર સુધીમાં કુલ ચાર મેચ રમી છે, જેમાં છેલ્લી ત્રણ મેચમાં તેનો પરાજય થયો છે. આ કારણે મુંબઈ ટીમનો કેપ્ટન હાર્દિક પંડ્યા નારાજ થયો છે. તેણે ટીમના ખેલાડીઓ પર ગુસ્સો ઠાલવ્યો છે, જેનો વીડિયો પણ સામે આવ્યો છે.
હાર્દિકે ટીમના ખેલાડીઓને શું કહ્યું?
મુંબઈના શરમજનક પ્રદર્શન બાદ હાર્દિક પંડ્યા અત્યંત નિરાશ અને ગંભીર થયો છે. રવિવારે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) સામે માત્ર 18 રને હાર થયા બાદ હાર્દિકે ડ્રેસિંગ રૂમમાં આખી ટીમની ઝાટકણી કાઢી છે. તેણે સ્પષ્ટ કહ્યું છે કે, ‘આપણી પાસે માત્ર બે જ વિકલ્પ છે - કાં તો પોતપોતાના રૂમમાં જઈને એકલા બેસી રહો અથવા તો સાથે મળીને આ પરિસ્થિતિનો સામનો કરો. હારવું મુશ્કેલ છે, પણ આપણે આમાંથી શીખવાની જરૂર છે. ગાયબ થવાને બદલે આપણે સાથે મળીને રમીશું અને આ સમસ્યાનું નિરાકરણ લાવીશું.’ હાર્દિકના મતે, આ રમત જીતવા અથવા શીખવા માટે છે, હારવા માટે નહીં.
RCB સામે મુંબઈની માત્ર 18 રને હાર
આ મેચમાં RCBએ પ્રથમ બેટિંગ કરતા 240 રનનો વિશાળ સ્કોર ખડક્યો હતો. પહાડ જેવા લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી મુંબઈની ટીમ ક્યારેય લયમાં જણાતી નહોતી. માત્ર રધરફોર્ડ એવો ખેલાડી હતો જેણે RCBના બોલરો સામે લડત આપી હતી, પરંતુ તેની મહેનત ટીમને જીત અપાવવા માટે પૂરતી નહોતી. અંતે મુંબઈ 18 રનથી મેચ હારી ગયું હતું.
આ પણ વાંચો : IPLની મેચ દરમિયાન મોબાઈલ વાપરવો RRના મેનેજરને ભારે પડ્યો! BCCIએ કરી કડક કાર્યવાહી
હાર્દિક મુંબઈના બોલરો સામે નારાજ
હાર્દિકે મેચ બાદ સ્વીકાર્યું હતું કે, ટીમે ઘણા વધારે રન આપી દીધા છે. તેણે બોલિંગ યુનિટ સામે નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે, છેલ્લા કેટલાક મેચોમાં ટીમ રમત પર નિયંત્રણ મેળવવાને બદલે માત્ર રમતનો પીછો કરતી જોવા મળી રહી છે. આ પરિસ્થિતિને રોકવા માટે હવે ટીમમાં મોટા ફેરફારોની જરૂર પડી શકે છે તેવા સંકેત પણ તેણે આપ્યા હતા.
આ પણ વાંચો : પંડ્યા બ્રધર્સ વચ્ચે ઓલ ઈઝ નોટ વેલ? મેચ બાદ હાથ ન મિલાવ્યા, એગ્રેસિવ સેલિબ્રેશન વાઈરલ


