Get The App

IPLની મેચ દરમિયાન મોબાઈલ વાપરવો RRના મેનેજરને ભારે પડ્યો! BCCIએ કરી કડક કાર્યવાહી

Updated: Apr 13th, 2026

GS TEAM

Google News
Google News
IPLની મેચ દરમિયાન મોબાઈલ વાપરવો RRના મેનેજરને ભારે પડ્યો! BCCIએ કરી કડક કાર્યવાહી 1 - image

IPL 2026: રાજસ્થાન રોયલ્સના મેનેજરનો મેચ દરમિયાન ડગઆઉટમાં બેસીને મોબાઈલ ફોન વાપરવાનો મામલો વિવાદે ચઢ્યા બાદ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ એક્શન લીધા છે. રિપોર્ટ મુજબ, BCCIએ રોયલ્સના ટીમ મેનેજર રોમી ભિન્ડરને નોટિસ મોકલીને ફોનના ઉપયોગ માટે જવાબ માંગ્યો છે. આ નોટિસ તેમને બોર્ડની એન્ટી કરપ્શન એન્ડ સિક્યુરિટી યુનિટ (ACSU) તરફથી મોકલવામાં આવી છે.

વૈભવ સૂર્યવંશી પણ હતો સાથે

ગુવાહાટીમાં ગત 10 એપ્રિલે રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચેની મેચ દરમિયાન આ ઘટના સામે આવી હતી. રાજસ્થાનની બેટિંગ દરમિયાન ટીમ મેનેજર ભિન્ડર ડગઆઉટ પાસે બેસીને પોતાનો મોબાઈલ ફોન ચલાવી રહ્યા હતા. આ દરમિયાન તેમની બાજુમાં જ ટીમના યુવા બેટ્સમેન વૈભવ સૂર્યવંશી પણ બેઠો હતો, જે તેમની સાથે ફોન જોઈ રહ્યો હતો. મેચના થોડા સમય બાદ જ તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો હતો, જેના પછી BCCI સચિવ દેવજિત સૈકિયાએ ઘટના પર ઉચિત કાર્યવાહી કરવાની વાત કહી હતી.

કેમ ભિન્ડરને મળી નોટિસ?

ક્રિકબઝના રિપોર્ટ મુજબ, BCCIએ સોમવાર 13 એપ્રિલે ભિન્ડરને નોટિસ મોકલીને આ ઘટના માટે જવાબ માંગ્યો છે. એન્ટી કરપ્શન યુનિટ દ્વારા મોકલવામાં આવેલી આ નોટિસમાં ભિન્ડર પાસે 48 કલાકની અંદર જવાબ માંગવામાં આવ્યો છે કે તેમણે ડગઆઉટ પાસે બેસીને કેમ મોબાઈલ ફોનનો ઉપયોગ કર્યો. જો કે વીડિયોમાં એ સ્પષ્ટ છે કે તેઓ ફોન પર કોઈની સાથે વાત કરતા દેખાઈ રહ્યા ન હતા.

શું છે નિયમ?

પરંતુ તેમ છતાં ફોનનો ઉપયોગ PMOA (પ્લેયર્સ એન્ડ મેચ ઓફિશિયલ્સ એરિયા) ગાઈડલાઈન્સનું ઉલ્લંઘન છે અને તેથી તેમની પાસે આ જવાબ માંગવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે IPL માટે PMOA હેઠળ માત્ર ટીમ મેનેજર અને સિક્યુરિટી મેનેજરને ફોન રાખવાની પરવાનગી હોય છે. પરંતુ આ પરવાનગી માત્ર ડ્રેસિંગ રૂમ સુધી મર્યાદિત હોય છે. ડગઆઉટમાં ફોનનો ઉપયોગ કરી શકાતો નથી. તેને એન્ટી-કરપ્શન કોડનું ઉલ્લંઘન માનવામાં આવે છે.

આ પણ વાંચો: રૂ.3000 કરોડની કમાણી સાથે ભારતની સૌથી સફળ ફ્રેન્ચાઈઝી બની ધુરંધર! રણવીર સિંહે રચ્યો ઈતિહાસ

સ્વાસ્થ્યના કારણોસર ભિન્ડરને છૂટ

જો કે રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ભિન્ડરે થોડા સમય પહેલા જ પોતાની સાથે ડગઆઉટમાં ફોન રાખવાની છૂટ BCCI પાસેથી લીધી હતી. તેનું કારણ તેમનું સ્વાસ્થ્ય છે. હકીકતમાં IPL શરૂ થતા પહેલા ભિન્ડર ખૂબ જ બીમાર હતા. તેઓ ફેફસાની બીમારી સામે ઝઝૂમી રહ્યા હતા અને તેમની હાલત ગંભીર હતી, જેના કારણે તેઓ લાંબો સમય ICUમાં રહ્યા હતા. તેમાંથી સાજા થયા પછી તેઓ ફરીથી રાજસ્થાન સાથે જોડાયા હતા. તેમણે આ આધારે છૂટ લીધી હતી કે સ્વાસ્થ્યના કારણોસર તેઓ વારંવાર ફોન માટે ડગઆઉટથી ડ્રેસિંગ રૂમ જઈ શકે તેમ ન હતા. તેમને આ છૂટ મળી પણ હતી. પરંતુ તેઓ ફોનનો ઉપયોગ કઈ રીતે કરી રહ્યા હતા અને શું તે કાયદાનું ઉલ્લંઘન હતું, હવે તેમને જ પોતાના જવાબમાં જણાવવાનું છે અને તેના આધારે જ આગળનો નિર્ણય લેવાશે.