IPL-2025 : દિલ્હી-હૈદરાબાદની મેચ વરસાદમાં ધોવાઈ, બંને ટીમેને 1-1 પોઈન્ટ, SRH પ્લેઓફની રેસમાંથી બહાર
IPL 2025 SRH vs DC : IPL 2025 માં આજે સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) અને દિલ્હી કેપિટલ્સ (DC) વચ્ચેની મેચ વરસાદને કારણે રદ કરવામાં આવી હતી. રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં પ્રથમ બેટિંગ કરતા દિલ્હી કેપિટલ્સે 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 133 રન બનાવ્યા હતા. જે પછી વરસાદને કારણે સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ બેટિંગ કરવા માટે મેદાનમાં આવી શકી નહીં અને મેચ રદ જાહેર કરવામાં આવી. આ સાથે, હૈદરાબાદની ટીમ પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગઈ છે.
મેચમાં દિલ્હીનું ફ્લોપ પ્રદર્શન
પહેલા બેટિંગ કરવા ઉતરેલી દિલ્હી કેપિટલ્સ ટીમની શરૂઆત ખરાબ રહી. ટીમે પાવર પ્લેમાં જ ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. સ્ટાર બેટર કરુણ નાયર ખાતું ખોલાવી શક્યો નહોતો. ફાફ ડુ પ્લેસિસ ત્રણ રન જ્યારે અભિષેક પોરેલ 10 બોલમાં ફક્ત 8 રન જ બનાવી શક્યો હતો. કેપ્ટન અક્ષર પટેલે 7 બોલમાં 6 રન અને કેએલ રાહુલ 10 રન બનાવીને આઉટ થયા હતા. દિલ્હી તરફથી સૌથી વધુ ટ્રિસ્ટન સ્ટબસે અણનમ 41 રન અને આશુતોષ શર્માએ 26 બોલમાં 41 રન બનાવ્યા હતા.
આ પણ વાંચોઃ તું નીડર થઈને રમે છે, શૈલી બદલવાની જરૂર નથી: સૌરવ ગાંગુલીએ વૈભવ સૂર્યવંશીની પીઠ થાબડી
હૈદરાબાદની ટીમ માટે વરસાદ બન્યું વિલેન
આજની મેચમાં હૈદરાબાદની ટીમ માટે વરસાદ વિલેન સાબિત થયું છે. પ્લેઓફ્સની રેસમાં પોતાને બનાવી રાખવા માટે હૈદરાબાદની ટીમને આજની મેચમાં જીતની જરૂર હતી. એમ પોતાને રેસમાં બનાવી રાખવા માટે SRHના ખેલાડીઓએ આજે સારું પ્રદર્શન કર્યું હતું. દિલ્હી કેપિટલ્સ ટીમે પાવર પ્લેમાં જ ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. આ ત્રણેય વિકેટ પેટ કમિન્સે લીધી હતી. દિલ્હીની ટીમનું બેટિંગ લાઇનઅપ હૈદરાબાદની બોલિંગ સામે નિષ્ફળ ગયું હતું. દિલ્હીની ટીમ 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 133 રન જ બનાવી શકી હતી. જે હૈદરાબાદની ટીમ માટે સરળ ટાર્ગેટ સાબિત થયું હોત. જો કે, વરસાદે હૈદરાબાદની બાજી બગાડી દીધી હતી.