આજથી ફરી IPLનો રોમાંચ શરૂ, RCB સામે KKR માટે કરો યા મરોની સ્થિતિ
IPL 2025 Resumption: ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ અને લશ્કરી હુમલાના કારણે મુલતવી રાખવામાં આવેલી ઇન્ડિયન પ્રીમિયર લીગ 2025 નો રોમાંચ આજથી ફરી શરૂ થશે. રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને કોલકાતા નાઈટ રાઈડર્સ 17 મેના રોજ એટલે કે આજે એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમ, બેંગલુરુ ખાતે આમને-સામને થશે. આ મેચની સૌથી ખાસ વાત ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીની વાપસી હશે, જેમણે તાજેતરમાં ટેસ્ટ ક્રિકેટને અલવિદા કહ્યું હતું. ફરી એકવાર, ફેન્સની નજર તેના પ્રદર્શન પર ટકેલી રહેશે.
હાલ પ્લેઓફમાં બંને ટીમનું આ છે સ્થાન
લગભગ 10 દિવસ પછી, બંને ટીમો ટુર્નામેન્ટમાં પોતાની સંપૂર્ણ તાકાત લગાવશે. RCB એ અત્યાર સુધી 11 મેચમાં 16 પોઈન્ટ મેળવ્યા છે અને પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને છે. આ મેચની જીત તેમને પ્લેઓફમાં સ્થાન અપાવી દેશે. તેમજ ડિફેન્ડિંગ ચેમ્પિયન KKR માટે, આ મેચ કરો યા મરોની સ્થિતિ જેવી છે. 12 મેચમાં 11 પોઈન્ટ મેળવનાર આ ટીમ હાલમાં છઠ્ઠા સ્થાને છે અને બીજી હાર તેમની પ્લેઓફની આશાઓ પર પાણી ફેરવી શકે છે.
RCB vs KKR વચ્ચે મુકાબલો
IPLમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને કોલકાતા નાઈટ રાઈડર્સ (RCB vs KKR) 35 વખત એકબીજા સામે રમી ચૂક્યા છે. જેમાં કોલકાતાનો હાથ ઉપર રહ્યો છે. કારણ કે કોલકાતા નાઈટ રાઈડર્સે બેંગલુરુ સામે 20 મેચ જીતી છે. જ્યારે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ કોલકાતા સામે 15 મેચ જીતી છે.