Get The App

RCB vs LSG : હાઇ સ્કોરિંગ મેચમાં બેંગલુરુની 6 વિકેટથી જીત, પંતની મહેનત એળે ગઇ, ટોપ-2માં પહોંચી RCB

Updated: May 27th, 2025

GS TEAM


Google News
Google News
RCB


IPL 2025 RCB vs LSG : IPL 2025 ની છેલ્લી લીગ મેચ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) અને લખનઉ સુપર જાયન્ટ્સ (LSG) વચ્ચે રમાઇ હતી. આ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની 6 વિકેટથી જીત થઇ હતી. પહેલા બેટિંગ કરતા લખનઉ સુપર જાયન્ટ્સે પંતની અણનમ 118 રનની ઇનિંગના સહારે 20 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 227 રન બનાવ્યા હતા. જેના જવાબમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ 18.4 ઓવરમાં 4 વિકેટ ગુમાવી આ વિશાળ ટાર્ગેટ ચેઝ કર્યો હતો. આ મેચના પરિણામ સાથે જ હવે પ્લેઓફની મેચોની સ્થિતિ પણ સ્પષ્ટ થઇ ગઇ છે. 

મેચમાં બેંગલુરુનું પ્રદર્શન

આજની મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. રિષભ પંત અને મિચેલ માર્શના તોફાનમાં RCBના બોલર્સ કંઇ ખાસ કમાલ કરી શક્યા નહોતા. નુવાન તુષારા, ભુવનેશ્વર કુમાર અને રુમારિયો શેફર્ડે મેચમાં 1-1 વિકેટ લીધી હતી. જો કે, બેટિંગની વાત કરીએ તો, RCBના બેટર્સે લખનઉના બોલરોની ભારે ધોલાઇ કરી હતી. જિતેશ શર્માએ 33 બોલમાં અણનમ 85 રનની શાનદાર ઇનિંગ રમી હતી. વિરાટ કોહલીએ 30 બોલમાં 54 રન બનાવ્યા હતા. ફિલ સોલ્ટે 19 બોલમાં 30 રન અને મયંક અગ્રવાલે 23 બોલમાં અણનમ 41 રન બનાવીને મદદરૂપ બેટિંગ કરી હતી. 

પંતની મહેનત એળે ગઇ

IPL 2025 ની આખી સિઝનમાં રન માટે સંઘર્ષ કરી રહેલા LSG ના કેપ્ટન રિષભ પંતે ટીમની છેલ્લી મેચમાં ધમાકેદાર બેટિંગ કરી હતી. RCB સામે તેણે 61 બોલમાં અણનમ 118 રન બનાવ્યા. તેણે પોતાની ઇનિંગમાં 11 ચોગ્ગા અને 8 છગ્ગા ફટકાર્યા. પંતે 54 બોલમાં પોતાની સદી પૂર્ણ કરી. પંતની વિસ્ફોટક બેટિંગના કારણે જ LSG RCBને 228 રનનો વિશાળ ટાર્ગેટ આપી શકી હતી. પંત સિવાય મિચેલ માર્શે 37 બોલમાં 67 રન બનાવ્યા, જેમાં ચાર ચોગ્ગા અને પાંચ છગ્ગાનો સમાવેશ થાય છે. 

લખનઉની બોલિંગની વાત કરીએ તો, મજબૂત સ્થિતિમાં હોવા છતાં લખનઉના બોલર્સ ખાસ કમાલ કરી શક્યા નહોતા. મેચમાં વિલ ઓ'રુર્કે 2 વિકેટ લીધી હતી. આ સિવાય આકાશ સિંહ અને આવેશ ખાને 1-1 વિકેટ લીધી હતી. આમ છતાં ખરાબ ફિલ્ડીંગ અને બોલર્સના નબળા પ્રદર્શનના કારણે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની ટીમ 228 રનનો વિશાળ ટાર્ગેટ ચેઝ કરી શકી હતી. 

પંતે વિવિધ રેકોર્ડ સર્જ્યા

27 વર્ષીય રિષભ પંતે આ સદી સાથે ઘણા રેકોર્ડ બનાવ્યા છે. તે IPLમાં લખનઉના મેદાન પર સદી ફટકારનારો પ્રથમ ખેલાડી બની ગયો છે. તે LSG માટે સદી ફટકારનાર સૌથી ઝડપી ખેલાડી પણ બની ગયો છે. પંતની આઈપીએલ કારકિર્દીમાં આ બીજી સદી છે, તે IPLમાં વિકેટકીપર તરીકે સદી ફટકારનારો ચોથો ખેલાડી બની ગયો છે. તે LSG માટે સદી ફટકારનાર પાંચમો ખેલાડી છે. પંત ત્રીજા કે તેનાથી નીચેના નંબર પર બે કે તેથી વધુ સદી ફટકારનારો પાંચમો ખેલાડી છે. પંતે IPLમાં 3500 રન પણ પૂરા કર્યા છે.

પ્લેઓફની સ્થિતિ સ્પષ્ટ

IPL 2025ની છેલ્લી લીગ મેચના પરિણામ બાદ પ્લેઓફની મેચની સ્થિતિ સ્પષ્ટ થઇ ગઇ છે. હવે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને પંજાબ કિંગ્સ વચ્ચે ક્વોલિફાયર-1 રમાશે. આ મેચમાં જે ટીમની હાર થશે તે ક્વોલિફાયર-2 રમશે. મુંબઇ ઇન્ડિયન્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે એલિમિનેટર મેચ રમાશે. એ મેચમાં જે ટીમ જીતશે તે ક્વોલિફાયર-1માં હારેલી ટીમ સાથે ક્વોલિફાયર-2માં ટકરાશે. ત્યાર પછી ક્વોલિફાયર-1 અને ક્વોલિફાયર-2ની વિજેતા ટીમો વચ્ચે IPL 2025ની ફાઇનલ મેચ રમાશે. 

Tags :