PBKS vs LSG : આયુષ બદોનીની મહેનત એળે ગઇ, પંજાબ કિંગ્સે લખનઉ સુપર જાયન્ટ્સને 37 રનથી મ્હાત આપી
IPL 2025 PBKS vs LSG : IPL 2025ની 54મી મેચ પંજાબ કિંગ્સ (PBKS) અને લખનઉ સુપર જાયન્ટ્સ (LSG) વચ્ચે ધર્મશાલાના એચસીપીએ સ્ટેડિયમમાં રમાઇ હતી. મેચમાં પંજાબ કિંગ્સે લખનઉ સુપર જાયન્ટ્સને 37 રનથી મ્હાત આપી છે. LSGએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જે પછી પહેલા બેટિંગ કરીને PBKSએ 20 ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને 237 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેની સામે LSGની ટીમે 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 199 રન બનાવ્યા હતા.
મેચમાં પંજાબનું પ્રદર્શન
પહેલા બેટિંગ કરવા ઉતરેલી પંજાબના ઓપનર બેટર પ્રભસિમરન સિંહે શાનદાર બેટિંગ કરી હતી. પ્રભસિમરને 48 બોલમાં 91 રન બનાવ્યા હતા. તે માત્ર 9 રનથી સદી ચૂક્યો હતો. પ્રભસિમરન સિવાય કેપ્ટન શ્રેયસ ઐયરે 25 બોલમાં 45 રન બનાવ્યા હતા. આ સિવાય શશાંક સિંહ અને જોશ ઇંગ્લિશની મદદરૂપ ઇનિંગથી પંજાબે લખનઉને 237 રનનો ટાર્ગેટ આપ્યો હતો. બોલિંગ કરતી વખતે અર્શદીપ સિંહે 4 ઓવરમાં 16 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. અઝમતુલ્લાહ ઓમરઝઇએ 3 ઓવરમાં 21 રન આપીને 2 વિકેટ ઝડપી હતી. આ સિવાય માર્કો જાન્સન અને યુઝવેન્દ્ર ચહલે 1-1 વિકેટ ઝડપી હતી.
મેચમાં લખનઉનું પ્રદર્શન
પંજાબ કિંગ્સે આપેલા 237 રનનો ટાર્ગેટ ચેઝ કરવા ઉતરેલી લખનઉ સુપર જાયન્ટ્સની ટીમની શરૂઆત ખરાબ રહી હતી. મેચમાં લખનઉનો ટોપ બેટિંગ ઓર્ડર નિષ્ફળ ગયો હતો. પાંચમા ક્રમે બેટિંગ કરવા આવેલો આયુષ બદોની જ આ મેચમાં લખનઉ તરફથી સારી બેટિંગ કરી શક્યો હતો. આયુષ બદોનીએ મેચમાં 40 બોલમાં 74 રન બનાવ્યા હતા. આ સિવાય સાતમા ક્રમે આવેલા અબ્દુલ સમદે 24 બોલમાં 45 રન બનાવ્યા હતા. બોલિંગની વાત કરીએ તો આકાશ સિંહ અને દિગ્વેશ રાઠીએ 2-2 વિકેટ ઝડપી હતી. જ્યારે પ્રિન્સ યાદવે 1 વિકેટ લીધી હતી.
પોઇન્ટ ટેબલ પર એક નજર
આ મેચમાં જીત સાથે પંજાબ કિંગ્સની ટીમ 15 પોઇન્ટ સાથે બીજા ક્રમે આવી ગઇ છે. પંજાબ કિંગ્સે આ સિઝનમાં 11 મેચમાંથી 7 મેચ જીતી છે, જ્યારે 3 મેચમાં હાર અને એક મેચ રદ થઇ હતી. બીજી બાજુ લખનઉની ટીમ 10 પોઇન્ટ સાથે સાતમા ક્રમે છે. LSGએ આ સિઝનમાં 11માંથી 5 મેચ જીતી હતી, જ્યારે 6 મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. પોઇન્ટ ટેબલમાં ટોપ-4માં પહેલા ક્રમે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ છે, બીજા ક્રમે પંજાબ કિંગ્સ, ત્રીજા ક્રમે મુંબઇ ઇન્ડિયન્સ અને ચોથા ક્રમે ગુજરાત ટાઇટન્સ છે. આ ચાર ટીમો સિવાય દિલ્હી કેપિટલ્સની ટીમ પણ હજુ ક્વોલિફાઇ થવાની રેસમાં સારી સ્થિતિમાં છે.