200+ ના સ્ટ્રાઈક રેટ સાથે બેટિંગ કરવી હોય તો...' ધોનીએ યુવા ક્રિકેટરોને આપ્યો ગુરુમંત્ર
IPL 2025: IPL 2025 ચેન્નઈ સુપર કિંગ્સ અને મહેન્દ્ર સિંહ ધોની માટે ખૂબ જ ખરાબ રહી. 5 વખતની ચેમ્પિયન ટીમ IPL પોઈન્ટ ટેબલમાં છેલ્લા સ્થાને છે. મંગળવારે રાજસ્થાન રોયલ્સ સામેની મેચમાં તેને હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચમાં મહેન્દ્ર સિંહ ધોનીએ 17 બોલમાં 16 રન બનાવ્યા હતા. મેચ બાદ તેણે IPLમાં પોતાના પ્રદર્શનથી પ્રભાવિત કરનારા યુવા ભારતીય બેટ્સમેનોને 200+ ના સ્ટ્રાઈક રેટથી કેવી રીતે બેટિંગ કરવી તેનો ગુરુમંત્ર આપ્યો.
ધોનીએ યુવા ક્રિકેટરોને આપ્યો ગુરુમંત્ર
ધોનીએ વૈભવ સૂર્યવંશી અને આયુષ મ્હાત્રે સહિત તમામ યુવા બેટ્સમેનોને સલાહ આપી કે અપેક્ષાઓ વધવા પર પોતાના પર દબાણ ન લાવવું. થાલાએ દબાણ હેઠળ પણ સાતત્ય જાળવવા અને શાંત રહેવાના મહત્વ પર ભાર મૂક્યો. તેણે કહ્યું કે જો તમે તમારી સંપૂર્ણ ક્ષમતાનો અનુભવ કરવા માગતા હોય, તો તમારે આ કરવું પડશે.
આ પણ વાંચો: CSK vs RR : ચેન્નાઇ સુપર કિંગ્સનું ફરી ફ્લોપ પ્રદર્શન, રાજસ્થાન રોયલ્સની 6 વિકેટથી જીત
મેચ પછી CSKના કેપ્ટને કહ્યું કે, 'તમારે સાતત્ય માટે પ્રયાસ કરવો જોઈએ, પરંતુ જો તમે 200+ નો સ્ટ્રાઈક રેટ ઈચ્છતા હોવ તો સાતત્ય જાળવી રાખવું મુશ્કેલ બનશે.' તમારી પાસે કોઈપણ પરિસ્થિતિમાં છગ્ગા ફટકારવાની ક્ષમતા છે. જ્યારે તમારી પાસેથી અપેક્ષાઓ વધી જાય ત્યારે પ્રેશર ન લેવું. સિનિયર ખેલાડીઓ અને કોચિંગ સ્ટાફ પાસેથી શીખો, આ બધું ગેમને સમજવા સાથે જોડાયેલું છે. મારી આ તમામ યુવાનોને સલાહ છે જેમણે સારું પ્રદર્શન કર્યું છે.
ધોનીએ 13 મેચમાં 196 રન બનાવ્યા
43 વર્ષીય મહેન્દ્ર સિંહ ધોનીએ મંગળવારની મેચમાં 17 બોલમાં 16 રન બનાવ્યા હતા. આ નાની ઈનિંગમાં તેણે માત્ર એક જ બાઉન્ડ્રી ફટકારી હતી. ધોનીએ આ IPLમાં અત્યાર સુધી 13 મેચમાં 196 રન બનાવ્યા છે. તેનો સ્ટ્રાઈક રેટ 135.17 છે. મંગળવારની મેચમાં CSK એ નિર્ધારિત 20 ઓવરમાં 187 રન બનાવ્યા હતા. યુવા બેટ્સમેન આયુષ મ્હાત્રેએ 20 બોલમાં 43 રનની ઈનિંગ રમી. જવાબમાં રાજસ્થાને 18મી ઓવરમાં જ લક્ષ્ય હાંસલ કરી લીધું હતું. 14 વર્ષના વૈભવ સૂર્યવંશીએ 33 બોલમાં 57 રનની ઈનિંગ રમી.