CSK vs RR : ચેન્નાઇ સુપર કિંગ્સનું ફરી ફ્લોપ પ્રદર્શન, રાજસ્થાન રોયલ્સની 6 વિકેટથી જીત
IPL 2025 CSK vs RR : આઇપીએલ 2025ની 62મી મેચ આજે ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) અને રાજસ્થાન રોયલ્સ (RR) વચ્ચે રમાઈ હતી. આ મેચ રાજસ્થાન રોયલ્સ 6 વિકેટથી જીતી હતી. ટોસ જીત્યા બાદ રાજસ્થાને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો. જે પછી પહેલા બેટિંગ કરતા ચેન્નાઈએ 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 187 રન બનાવ્યા હતા. જેના જવાબમાં રાજસ્થાને 4 વિકેટ ગુમાવી 17.1 ઓવરમાં 188 રન બનાવીને ટાર્ગેટ ચેઝ કર્યો હતો.
મેચમાં રાજસ્થાનનું પ્રદર્શન
CSK અને RR બંને ટીમો પ્લેઓફની રેસમાંથી બહાર થઇ ગઇ હતી. જો કે, બંને ટીમોએ IPLની ઔપચારિક મેચ રમી હતી. મેચમાં 188 રનના ટાર્ગેટના જવાબમાં રાજસ્થાનની શરૂઆત ખૂબ જ મજબૂત રહી હતી. યશસ્વી જયસ્વાલે 19 બોલમાં 36 રન બનાવ્યા. વૈભવ સૂર્યવંશીએ 33 બોલમાં 57 રન અને સંજુ સેમસને 31 બોલમાં 41 રન બનાવ્યા હતા. આ સિવાય ધ્રુવ જુરેલે પણ 12 બોલમાં અણનમ 31 રન બનાવીને સારી બેટિંગ કરી હતી.
બોલિંગની વાત કરીએ તો, રાજસ્થાનના બોલર્સે આજની મેચમાં ખૂબ સારી બોલિંગ કરી હતી. યુધવીર સિંહ અને આકાશ મધવાલે 3-3 વિકેટ ઝડપી હતી. આ સિવાય તુષાર દેશપાંડે 1 અને વાનિંદુ હસરંગાએ 1 વિકેટ ઝડપી હતી. આકાશ મધવાલે બોલિંગ કરતા 4-0-29-3ની સારી સ્પેલ આપી હતી.
ચેન્નાઈનું ફ્લોપ પ્રદર્શન
પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ચેન્નાઈની શરૂઆત સારી રહી નહોતી. ટીમનો ઓપનર બેટર ડેવોન કોનવે બીજી જ ઓવરમાં 8 બોલમાં 10 રન બનાવીને આઉટ થઇ ગયો હતો. જો કે, આયુષ મ્હાત્રેએ સારી બેટિંગ કરીને 20 બોલમાં 43 રનની ઇનિંગ રમી. આ સિવાય મિડલ ઓર્ડર કંઇ ખાસ કમાલ કરી શક્યો નહોતો. છઠ્ઠા ક્રમે આવેલા ડેવાલ્ડ બ્રેવિસે 25 બોલમાં 45 રન અને સાતમા ક્રમે આવેલા શિવમ દુબેએ 32 બોલમાં 39 રન બનાવ્યા હતા. આ સિવાય આઠમાં ક્રમે આવેલો કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની 17 બોલમાં 16 રન બનાવીને આઉટ થઇ ગયો હતો.
ચેન્નાઇ સુપર કિંગ્સની બોલિંગ તરફ નજર કરતા, ટીમના બોલર્સ આજે કંઇ ખાસ કમાલ કરી શક્યા નહોતા. મેચમાં રિવચંદ્રન અશ્વિને 2 વિકેટ ઝડપી. આ સિવાય અંશુલ કમ્બોજ અને મથિષા પથિરાનાએ 1-1 વિકેટ લીધી હતી. જો કે, આ બોલર્સ સિવાય અન્ય કોઇ બોલર વિકેટ લઇ શક્યો નહોતો. આ જ કારણે, રાજસ્થાનના બેટર્સે 188 રનનો ટાર્ગેટ 17.1 ઓવરમાં જ હાંસલ કરી લીધો હતો.
વૈભવ ધોનીને પગે લાગ્યો
આ સિઝનમાં રાજસ્થાનનું પ્રદર્શન કદાચ સારું ન રહ્યું હોય. પરંતુ વૈભવ સૂર્યવંશી અને યશસ્વી જયસ્વાલે સૌના દિલ જીતી લીધા હતા. આ સિઝનમાં વૈભવે પણ સદી ફટકારી હતી. આ મેચમાં પણ વૈભવે ફિફ્ટી ફટકારી અને તેણે અશ્વિન અને જાડેજા જેવા બોલરોને પછાડ્યા. વૈભવે 4 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા. મેચ પછી તેણે ધોનીના પગ સ્પર્શ્યા અને બંનેએ વાતચીત પણ કરી.