Get The App

GT vs DC : ગુજરાત ટાઇટન્સની 10 વિકેટથી ભવ્ય જીત, GT, PBKS અને RCB પ્લેઓફમાં ક્વોલિફાઇ

Updated: May 18th, 2025

GS TEAM


Google News
Google News
GT vs DC : ગુજરાત ટાઇટન્સની 10 વિકેટથી ભવ્ય જીત, GT, PBKS અને RCB પ્લેઓફમાં ક્વોલિફાઇ 1 - image


IPL 2025 GT vs DC : આજે ગુજરાત ટાઇટન્સ (GT) અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાયેલી મેચમાં ગુજરાત ટાઇટન્સની 10 વિકેટથી ભવ્ય જીત થઇ. પહેલા બેટિંગ કરી DCએ 20 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 199 રન બનાવ્યા હતા. જેના જવાબમાં GT તરફથી સાંઇ સુદર્શને 61 બોલમાં અણનમ 101 રન અને શુભમન ગિલે 53 બોલમાં અણનમ 93 રન બનાવીને ગુજરાતને ભવ્ય જીત અપાવી. આ જીત સાથે જ ગુજરાત ટાઇટન્સ પોઇન્ટ ટેબલ પર ટોચ પર આવી ગઇ છે. આ ઉપરાંત GT, RCB અને PBKSની ટીમ પ્લેઓફમાં ક્વોલિફાઇ થઇ ગઇ છે.

GTની શાનદાર જીત

મેચમાં ગુજરાત ટાઇટન્સની શાનદાર જીત થઇ હતી. IPL ઇતિહાસમાં આવું પહેલી વાર બન્યું છે જ્યારે કોઇ હાઇસ્કોરિંગ મેચમાં કોઇ ટીમ એક પણ વિકેટ ગુમાવ્યા વગર સરળતાથી જીતી ગઇ હોય. ગુજરાત તરફથી ટીમના કેપ્ટન શુભમન ગિલ અને સાંઇ સુદર્શને શાનદાર બેટિંગ કરી હતી. શુભમન ગિલે 53 બોલમાં અણનમ 93 રન અને સાંઇ સુદર્શને 61 બોલમાં અણનમ 101 રન બનાવ્યા હતા. આ બે બેટરની ઇનિંગના સહારે ગુજરાત ટાઇટન્સે માત્ર 19 ઓવરમાં 10 વિકેટ સાથે ભવ્ય જીત હાંસલ કરી હતી. 

લોકેશ રાહુલની મહેનત એળે ગઇ

દિલ્હી કેપિટલ્સના પ્રદર્શનની વાત કરીએ તો, મેચમાં દિલ્હીના બોલર્સ સદંતર નિષ્ફળ સાબિત થયા હતા. જો કે, બેટિંગ તરફ નજર કરીએ તો, કે.એલ. રાહુલે શાનદાર બેટિંગ કરી હતી. તેણે 65 બોલમાં અણનમ 112 રન બનાવીને તેની IPL કારકિર્દીની પાચમી સદી ફટકારી હતી. આ સાથે જ રાહુલ IPLમાં વિરાટ કોહલી પછી સૌથી વધુ સદી ફટકારનારો બીજો ભારતીય ખેલાડી બની ગયો છે. રાહુલ સિવાય દિલ્હીના અન્ય બેટર્સ પણ નિષ્ફળ સાબિત થયા હતા. રાહુલની 112 રનની ઇનિંગના સહારે જ દિલ્હીની ટીમ ગુજરાતને 200 રનનું વિશાળ ટાર્ગેટ આપી શકી હતી. જો કે, શુભમન ગિલ અને સાંઇ સુદર્શનના તોફાનમાં રાહુલની મહેનત એળે ગઇ હતી. 

RCB, GT અને PBKS પ્લેઓફમાં ક્વોલિફાઇ

આ હાઇસ્કોરિંગ મેચમાં ગુજરાતની ભવ્ય જીત સાથે ગુજરાત ટાઇટન્સ (GT)ની ટીમ પોઇન્ટ ટેબલ પર ટોચ પર પહોંચી ગઇ છે. આ મેચમાં ગુજરાતની જીત થતા રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) અને પંજાબ કિંગ્સ (PBKS)ની ટીમ પણ પ્લેઓફમાં ક્વોલિફાઇ થઇ ગઇ છે. હવે ક્વોલિફાઇમાં બાકી એક સ્થાન પર પોતાનું સ્થાન નક્કી કરવા માટે મુંબઇ ઇન્ડિયન્સ (MI) અને દિલ્હી કેપિટલ્સ (DC) વચ્ચે મુકાબલો છે.

Tags :