નામ બડે દર્શન છોટે! IPL 2025માં ફ્લોપ રહ્યા 5 કરોડપતિ ભારતીય ખેલાડીઓ, ટીમને પણ ડૂબાડી
IPL 2025 Flop Indian Players: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025માં પ્લેઓફ મેચનો સમય ધીમે ધીમે નજીક આવી રહ્યો છે. ગુજરાત ટાઇટન્સ, રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ, પંજાબ કિંગ્સ અને મુંબઈ ઇન્ડિયન્સએ પ્લેઓફમાં પ્રવેશ કર્યો છે. IPL 2025 ની ફાઇનલ 3 જૂને અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાશે. એવામાં કેટલાક સ્ટાર ખેલાડીઓ તેમની મોટી કિંમતને યોગ્ય ઠેરવવામાં નિષ્ફળ ગયા અને તેમની ટીમ પ્લેઓફમાંથી પણ બહાર થઈ ગઈ. જાણીએ એવા 5 ખેલાડીઓ કોણ છે.
1. રિષભ પંત (27 કરોડ)
IPL 2025માં બધાની નજર લખનઉ સુપર જાયન્ટ્સ (LSG) ના કેપ્ટન રિષભ પંત પર હતી, પરંતુ તેની બેટિંગે ફેન્સને નિરાશ કર્યા. રિષભે 13 મેચમાં માત્ર 151 રન બનાવ્યા છે. આ સમયગાળા દરમિયાન તેનો સ્ટ્રાઇક રેટ 107.09 રહ્યો છે, જે ખૂબ જ આશ્ચર્યજનક છે. રિષભની કેપ્ટનશીપ પણ નબળી રહી અને સારી શરૂઆત છતાં તેની ટીમ પ્લેઓફમાં સ્થાન મેળવી શકી નહીં.
2. વેંકટેશ ઐયર (23.75 કરોડ)
મિડલ ઓર્ડર બેટર વેંકટેશ ઐયરને કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) એ 23.75 કરોડ રૂપિયાની મોટી કિંમતે રિટેન કર્યો હતો. પરંતુ આ સિઝનમાં વેંકટેશ ઐયરનું બેટ સંપૂર્ણપણે શાંત રહ્યું. વેંકટેશે 7 ઇનિંગ્સમાં 139.21 ના સ્ટ્રાઇક રેટથી 142 રન બનાવ્યા. તેના સ્કોર્સ 6, 3, 60, 45, 7, 14 અને 7 હતા.
3.ઈશાન કિશન (11.25 કરોડ)
વિકેટકીપર-બેટર ઈશાન કિશને સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) માટે પોતાની ડેબ્યૂ મેચમાં અણનમ 106 રન બનાવ્યા. પછી એવું લાગતું હતું કે આ સિઝન ઇશાન કિશનના નામે રહેવાની છે, પરંતુ તે સદીની ઇનિંગ પછી, તેનું ફોર્મ પાટા પરથી ઉતરી ગયું. ઇશાન વર્તમાન સિઝનમાં 12 મેચમાં માત્ર 231 રન જ બનાવી શક્યો છે. આ સમયગાળા દરમિયાન તેમનો સ્ટ્રાઇક રેટ 140.85 રહ્યો છે.
આ પણ વાંચો: ફાઈનલ અગાઉ IPLમાં પંજાબ કિંગ્સના માલિકો વચ્ચે વિવાદ, પ્રિટી ઝિન્ટાએ કોર્ટમાં કરી ફરિયાદ
4. મોહમ્મદ શમી (10 કરોડ)
સનરાઇઝર્સ હૈદરાબાદના ફાસ્ટ બોલર મોહમ્મદ શમીનું IPL 2025માં સારું પ્રદર્શન રહ્યું નથી. આગામી ઇંગ્લેન્ડ પ્રવાસને ધ્યાનમાં રાખીને ભારતીય ટીમ માટે પણ આ ચિંતાનો વિષય છે. શમીએ વર્તમાન IPL સીઝનમાં 9 મેચમાં અત્યાર સુધી 11.23 ના નબળા ઇકોનોમી રેટથી માત્ર 6 વિકેટ લીધી છે. ખરાબ પ્રદર્શનને કારણે, શમીને છેલ્લા કેટલાક મેચોમાં પ્લેઇંગ-11માંથી બહાર બેસવું પડ્યું છે.
5. રવિચંદ્રન અશ્વિન (9.75 કરોડ)
અનુભવી સ્પિનર રવિચંદ્રન અશ્વિન 10 વર્ષ પછી ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) માં પાછો ફર્યો. આવી સ્થિતિમાં, ચેન્નાઈ સુપર કિંગ્સના ફેન્સને આશા હતી કે તે IPL 2025 માં શાનદાર પ્રદર્શન કરશે, પરંતુ આ સિઝનમાં તે ફોર્મમાં ન હોય તેવું લાગતું હતું. અશ્વિન 9 મેચમાં ફક્ત 7 વિકેટ લઈ શક્યો છે.