ફાઈનલ અગાઉ IPLમાં પંજાબ કિંગ્સના માલિકો વચ્ચે વિવાદ, પ્રિટી ઝિન્ટાએ કોર્ટમાં કરી ફરિયાદ
Preity Zinta Legal Case: પંજાબ કિંગ્સે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025 માં શાનદાર પ્રદર્શન કરીને 11 વર્ષ બાદ પ્લેઓફમાં જગ્યા બનાવી છે. હવે તે ટોપ 2 માં રહેવાનો પ્રયાસ કરી રહી છે. જેથી તેને પ્લેઓફમાં તેનો લાભ મળી શકે. આ દરમિયાન, ફ્રેન્ચાઇઝીમાં હોબાળો મચી ગયો છે. ટીમની સહ-માલિક અને બોલિવૂડ અભિનેત્રી પ્રિટી ઝિન્ટાએ ઉદ્યોગપતિ મોહિત બર્મન અને નેસ વાડિયા વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે.
પંજાબ ટીમ KPH ડ્રીમ ક્રિકેટ પ્રાઇવેટ લિમિટેડ હેઠળ આવે છે.
પ્રિટી ઝિન્ટા, મોહિત બર્મન અને નેસ વાડિયા પંજાબ કિંગ્સ ટીમના સહ-માલિકો છે. વર્ષ 2008માં પંજાબ કિંગ્સ ટીમ KPH ડ્રીમ ક્રિકેટ પ્રાઇવેટ લિમિટેડ હેઠળ શરુ કરવામાં આવી હતી. તેનો 48% હિસ્સો મોહિત બર્મન પાસે છે. પ્રિટી ઝિન્ટા પાસે 23% અને નેસ વાડિયા પાસે 23% શેર છે. આ ઉપરાંત, કરણ પોલ પાસે પણ કેટલાક શેર છે.
શું છે વિવાદ?
આ વિવાદ 21 એપ્રિલ 2025 ના રોજ યોજાયેલી એક્સ્ટ્રા-ઓર્ડિનરી જનરલ મીટિંગ (EGM) ને લગતો છે. પ્રિટી ઝિન્ટાનો આરોપ છે કે આ મીટિંગ યોગ્ય કાનૂની પ્રક્રિયા વિના અને કંપનીઝ એક્ટ, 2013 ની જોગવાઈઓ વિરુદ્ધ યોજાઈ હતી. પ્રિટી ઝિન્ટાએ 10 એપ્રિલના રોજ ઈમેલ દ્વારા મીટિંગ સામે વાંધો ઉઠાવ્યો હતો, પરંતુ તેને અવગણવામાં આવ્યો હતો. તેમજ પ્રિટીનો આરોપ છે કે, મોહિત બર્મન અને નેસ વાડિયાના સમર્થનથી આ મીટિંગ કરવામાં આવી હતી.
બોર્ડમાં ડિરેક્ટર તરીકે મુનિશ ખન્નાની નિમણૂકનો વિરોધ
પ્રિટી ઝિન્ટા અને કરણ પોલ મીટિંગમાં હાજર રહ્યા હોવા છતાં, તેમણે કોર્ટને તેને ગેરકાયદેસર જાહેર કરવા વિનંતી કરી છે. આ મીટિંગમાં મુનિશ ખન્નાની ડિરેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવી હતી, આથી પ્રિટી ઝિન્ટા કોર્ટને મુનિશ ખન્નાને ડિરેક્ટર તરીકે કામ કરવાથી રોકવા અને કંપનીને તે મીટિંગમાં લેવાયેલા કોઈપણ નિર્ણયને લાગુ કરવાથી રોકવાની કોર્ટને વિનંતી કરી છે.
પંજાબ કિંગ્સ ટીમ વિશે વાત કરીએ તો, તે પહેલા કિંગ્સ ઇલેવન પંજાબ તરીકે જાણીતી હતી. તેને 2008માં મોહિત બર્મન, નેસ વાડિયા, પ્રિટી ઝિન્ટા અને કરણ પોલે લગભગ 304 કરોડ રૂપિયા (લગભગ $76 મિલિયન)માં ખરીદી હતી. પંજાબની ટીમ અત્યાર સુધીમાં ફક્ત એક જ વાર IPL ફાઇનલમાં પહોંચી છે.