IPL ફાઇનલ: મોદી સ્ટેડિયમમાં કરાશે ઓપરેશન સિંદૂરની ઉજવણી, સેનાના સન્માન માટે BCCIની ખાસ તૈયારી
IPL 2025 Closing Ceremony: આ વખતે IPLની કલોઝિંગ સેરેમની ખાસ રહેવાની છે. કલોઝિંગ સેરેમનીમાં BCCI એ ઓપરેશન સિંદૂરની જીતની ઉજવણી કરવા માટે અને સેનાની બહાદુરીને સલામ કરવા માટે ખાસ તૈયારી કરી છે.
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ IPL 2025 ની ફાઇનલ મેચ દરમિયાન ભારતીય સેનાને વિશેષ સન્માન આપવાનો નિર્ણય લીધો છે. આ કાર્યક્રમ 3 જૂને અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે કલોઝિંગ સેરેમનીમાં યોજાશે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સિંદૂરની સફળતા ખૂબ જ ઉત્સાહથી ઉજવવામાં આવશે.
BCCIની ખાસ તૈયારી
BCCIએ આ ઓપરેશન સિંદૂરની સફળતાને આઈપીએલના પ્લેટફોર્મ પર ઉજવવાનું નક્કી કર્યું છે. બીસીસીઆઈના સચિવ દેવજીત સૈકિયાએ આ અંગે જણાવ્યું હતું કે, 'આ વખતે કલોઝિંગ સેરેમની સંપૂર્ણપણે ભારતીય સશસ્ત્ર દળોને સમર્પિત રહેશે. આ માટે સેના, નેવી અને એરફોર્સના વડાઓને પણ ખાસ આમંત્રણ આપવામાં આવ્યું છે. અમે આપણા સશસ્ત્ર દળોની બહાદુરી અને સેવાને સલામ કરીએ છીએ. તેથી જ અમે આ સેરેમની સંપૂર્ણપણે તેમને સમર્પિત કરવાનું નક્કી કર્યું છે.'
ઓપરેશન સિંદૂર: આતંકવાદ પર એક મોટો હુમલો
ઓપરેશન સિંદૂર 7 મેના રોજ શરૂ થયું. તેનો ઉદ્દેશ્ય પાકિસ્તાન અને પીઓકેમાં જૈશ-એ-મોહમ્મદ, લશ્કર-એ-તૈયબા, હિઝબુલ મુજાહિદ્દીન જેવા આતંકવાદી સંગઠનોના ઠેકાણાઓને નષ્ટ કરવાનો હતો. આ કાર્યવાહી એપ્રિલ 2025 માં પહલગામ આતંકવાદી હુમલાના જવાબમાં કરવામાં આવી હતી, જેમાં 26 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા હતા. આતંકવાદ સામે દેશનું રક્ષણ કરવામાં ઓપરેશન સિંદૂરએ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.