2031 સુધી ઇંગ્લેન્ડમાં જ રમાશે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ, ICCએ BCCIને આપ્યો ઝટકો
ICC Big Decision Regarding WTC: ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)ને લઈને મોટો નિર્ણય લીધો છે. જેમાં આ ટૂર્નામેન્ટના આગામી ત્રણ એડિશનની ફાઈનલ મેચ ક્યાં દેશમાં રમાશે તેનો ખુલાસો કર્યો છે. સિંગાપુરમાં મળેલી ICC બેઠક બાદ ICCએ એક પ્રેસ રિલીઝ જાહેર કરીને આ મામલે જાણકારી આપી છે. જેમાં ખાસ વાત એ છે કે, WTCની ફાઈનલ મેચ ઇંગ્લેન્ડમાં રમાશે.
WTC ફાઈનલને લઈને ICCનો મોટો નિર્ણય
ICC મુજબ, આગામી વર્ષ 2027, 2029 અને 2031માં થનારી WTCની ફાઈનલ મેચ માટે યજમાન ઇંગ્લેન્ડ રહેશે. WTC ફાઇનલનું આયોજન કરવા માટે ઇંગ્લેન્ડને પસંદ કરવાના ઘણા કારણો છે. ઇંગ્લેન્ડને ક્રિકેટનો ગઢ માનવામાં આવે છે. અત્યાર સુધીમાં ત્રણ WTC ફાઇનલ રમાઈ ચૂકી છે અને ત્રણેય મેચ ઇંગ્લેન્ડમાં રમાઈ છે. 2021માં પ્રથમ WTC ફાઇનલ ન્યૂઝીલેન્ડ અને ભારત વચ્ચે સાઉથેમ્પ્ટનમાં રમાઈ હતી અને 2023માં ફાઇનલ ઓવલ ખાતે યોજાઈ હતી. આ વખતે મેચ લોર્ડ્સ જેવા ઐતિહાસિક મેદાન પર રમાઈ હતી.
ICCએ જણાવ્યું હતું કે, 'બોર્ડે તાજેતરમાં ફાઈનલમાં યજમાનની સફળતાને ધ્યાને રાખીને ઇંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડને 2027, 2029 અને 2031 એમ ત્રણ એડિશનની ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ યજમાન કરવાનો અધિકાર આપ્યો છે.'
આ પણ વાંચો: ભારતીય ટીમને બીજો મોટો ઝટકો, ઈંગ્લેન્ડના બેટરોનો પરસેવો છોડાવનાર ઝડપી બોલર ઈજાગ્રસ્ત
WTCની શરૂઆત 2019માં ટેસ્ટ ક્રિકેટને ઊંચાઈ પર લઈ જવા માટે કરવામાં આવી હતી. આ ટૂર્નામેન્ટ ટેસ્ટ ફોર્મેટને પ્રોત્સાહન આપવા અને T20 અને વન ડે વચ્ચે આ ફોર્મેટને શરૂ રાખવા માટેનો એક પ્રયાસ છે. દર બે વર્ષે યોજાતી આ ફાઇનલ વિશ્વની બે શ્રેષ્ઠ ટેસ્ટ ટીમો વચ્ચે થાય છે. અત્યાર સુધી ન્યુઝીલેન્ડ (2021), ઓસ્ટ્રેલિયા (2023) અને દક્ષિણ આફ્રિકા (2025) એ આ ખિતાબ જીત્યો છે.