ભારતીય સેનાના ઋણી રહીશું...: વિરાટ કોહલી અને જસપ્રીત બુમરાહની ભાવુક પોસ્ટ
Virat Kohli and Jaspreet Bumrah on India Army: ભારત અને પાકિસ્તાન વચ્ચે વધી રહેલા લશ્કરી તણાવ વચ્ચે, ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કૅપ્ટન અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર(RCB)ના સ્ટાર બેટર વિરાટ કોહલીએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક ભાવુક પોસ્ટ શેર કરીને દેશના સૈનિકોને સલામ કરી છે. આ સાથે જ જસપ્રીત બુમરાહે પણ ભારતીય સેનાની હિંમત અને સાહસને સલામ કર્યા હતા.
ભારતીય સેનાના ઋણી રહીશું: કોહલી
વિરાટ કોહલીએ પોસ્ટ કરીને લખ્યું, 'આપણે આપણી સેના સાથે એકતામાં ઊભા છીએ અને આ મુશ્કેલ સમયમાં આપણા દેશનું રક્ષણ કરવા બદલ તેમને સલામ કરીએ છીએ. આપણે આપણા હિરોની અતૂટ બહાદુરી માટે હંમેશા ઋણી રહીશું અને આપણા દેશ માટે તેમના અને તેમના પરિવારો દ્વારા આપવામાં આવેલા બલિદાન માટે હૃદયપૂર્વક કૃતજ્ઞતા વ્યક્ત કરીએ છીએ.'
જસપ્રીત બુમરાહની ભાવુક પોસ્ટ
આ સાથે જ ભારતીય સ્ટાર બોલર જસપ્રીત બુમરાહે પણ ભારતીય સેનાના સાહસની પ્રસંશા કરતી X પર એક ટ્વિટ શેર કરી હતી, જેમાં લખ્યું હતું કે, 'હું આપણા સશસ્ત્ર દળોનો હિંમત અને બહાદુરી બદલ આભારી છું. તેમને સલામ અને આપણને સુરક્ષિત રાખવા માટે તેઓ જે કંઈ કરે છે તેના માટે હંમેશા તેમના ઋણી રહીશું.'
આ પણ વાંચો: ભારત-પાકિસ્તાનમાં સંઘર્ષની સ્થિતિ વચ્ચે IPL મોકૂફ રાખવાનો નિર્ણય લીધા બાદ નવી અપડેટ
ભારત-પાકિસ્તાન વચ્ચે વધ્યું ઘર્ષણ
પહલગામ આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે ઘર્ષણ વધ્યું છે, ત્યારે પાકિસ્તાને ગુરુવારે (8 મે, 2025) જમ્મુ, પઠાણકોટ અને ઉધમપુરમાં સેના સ્ટેશનો પર મિસાઇલ-ડ્રોન વડે હુમલો કરવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. જેમાં ભારતીય એર ડિફેન્સ સિસ્ટમ દ્વારા તમામ પાકિસ્તાની મિસાઇલ અને ડ્રોનને આકાશમાં જ તોડી પાડવામાં આવ્યા હતા. જો કે આ હુમલામાં કોઈ પણ પ્રકારે ભારતને નુકસાન ન થયું હોવાનું સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું. ભારત પોતાની સાર્વભૌમત્વની રક્ષા કરવા અને લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે તેવું જણાવવામાં આવ્યું હતું.