ભારત-પાકિસ્તાનમાં સંઘર્ષની સ્થિતિ વચ્ચે IPL મોકૂફ રાખવાનો નિર્ણય લીધા બાદ નવી અપડેટ
IPL 2025 Suspended: ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતાં તણાવ વચ્ચે 8 મેના રોજ ધર્મશાલામાં પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાઈ રહેલી આઇપીએલ મેચ રદ કરી દેવાઈ હતી. ત્યારબાદ આજે બીસીસીઆઇએ મોટો નિર્ણય લેતા ઇન્ડિયન પ્રીમિયર લીગ(IPL)ની વર્તમાન સિઝન અનિશ્ચિત સમય માટે મોકૂફ કરવાની જાહેરાત કરી હતી પરંતુ પછીથી બીસીસીઆઈના અધિકારી રાજીવ શુક્લાએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે હાલ આઈપીએલ ફક્ત અઠવાડિયા માટે અટકાવવામાં આવી છે અને પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે સંઘર્ષની સ્થિતિ કેવી રહી છે તેને આધારે નવો નિર્ણય લેવામાં આવશે.
આજથી હાલ અઠવાડિયા માટે કોઈ મેચ નહીં રમાય
ઉલ્લેખનીય છે કે પહેલા અનિશ્ચિતકાળ માટે આઈપીએલ સ્થગિત કરવાનો મોટો નિર્ણય 9 મેના રોજ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ(BCCI) દ્વારા જ લેવામાં આવ્યો હતો. તેમાં કહેવાયું હતું હતું કે આજથી કોઈ મેચ નહીં હોય. જોકે પછીથી આ મામલે ખુલાસો કરતા BCCIએ લેટેસ્ટ અપડેટ આપી હતી. BCCIની હાલમાં પહેલી પ્રાથમિકતા વિદેશી ખેલાડીઓને ઘરે મોકલવાની છે. બીસીસીઆઇ ટૂંક સમયમાં નવી તારીખોની જાહેરાત કરશે.
અગાઉ પંજાબ અને દિલ્હીની મેચ રદ થઇ હતી
ઉલ્લેખનીય છે કે ગઈકાલે ધર્મશાલામાં પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચેની મેચ વરસાદને કારણે મોડી શરુ થઈ હતી. ટોસ રાત્રે 8:30 વાગ્યે થયો. પંજાબ કિંગ્સે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો. મેચમાં ફક્ત 10.1 ઓવર જ રમાઈ હતી. આ પછી, ફ્લડ લાઇટ્સમાં સમસ્યાને કારણે મેચમાં વિક્ષેપ પડ્યો હોવાના અહેવાલો મળ્યા હતા. ત્યારબાદ જમ્મુ અને પઠાણકોટના પડોશી શહેરોમાં હવાઈ હુમલાની ચેતવણીને કારણે મેચ અધવચ્ચે જ રદ કરવામાં આવી હતી.