India vs South Africa 1st T20I: ભારતે સાઉથ આફ્રિકાને પહેલી T20માં 101 રનથી હરાવીને સિરીઝમાં 1-0ની લીડ મેળવી છે. તમામ ભારતીય બોલરનું પ્રદર્શન જોરદાર રહ્યું, હાર્દિકના શાનદાર ઓલરાઉન્ડર દેખાવના કારણે ભારતે આસાનીની 176 રનનો પીછો કરતી મહેમાન ટીમને 74 રનમાં ઓલઆઉટ કરી દીધી હતી. હાર્દિક પંડ્યા બે મહિના બાદ ઈન્ટરનેશનલ ક્રિકેટના મેદાનમાં પરત ફર્યો અને આવતાની સાથે જ ધમાકેદાર ઈનિંગ રમી હતી. હાર્દિક T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં 100+ છગ્ગા ફટકારનાર ચોથો ભારતીય બન્યો છે. તો બીજી તરફ બુમરાહ T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં 100 વિકેટ લેનારો બીજો બોલર બની ગયો છે.
હાર્દિક T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં 100+ છગ્ગા ફટકારનાર ચોથો ભારતીય બેટર બન્યો
અનુભવી ભારતીય ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ સાઉથ આફ્રિકા સામે રંગ જમાવી દીધો. હાર્દિકે બેટિંગમાં પોતાનું કૌશલ્ય બતાવી અણનમ અડધી સદી ફટકારી હતી, ભારતને 175 રન સુધી પહોંચાડ્યું હતું. આ સાથે ટીમ ઇન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ કમાલ કરી દીધી છે. મેચમાં હાર્દિકે 4 છગ્ગા અને 6 ચોગ્ગા સાથે 28 બોલમાં અણનમ 59 રનની શાનદાર ઇનિંગ રમી હતી. આ સાથે જ હાર્દિકે ટી-20 ઇન્ટરનેશનલમાં 100 છગ્ગા પૂરા કર્યા છે અને આવું કરનારો તે ચોથો ભારતીય ખેલાડી બની ગયો છે. હાર્દિક અગાઉ ભારત માટે રોહિત શર્મા, સૂર્યકુમાર યાદવ અને વિરાટ કોહલી 100થી વધુ છગ્ગા ફટકારી ચૂક્યા છે.
100 કે તેથી વધુ છગ્ગા ફટકારનારા ભારતીય ખેલાડી
- રોહિત શર્મા - 205 છગ્ગા
- *સૂર્યકુમાર યાદવ - 155 છગ્ગા
- વિરાટ કોહલી - 124 છગ્ગા
- *હાર્દિક પંડ્યા - 100 છગ્ગા
જસપ્રીત બુમરાહે સાઉથ આફ્રિકાની 2 વિકેટ ઝડપી 2 રેકોર્ડ સર્જ્યા
1. ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં 100 કે તેથી વધુ વિકેટ લેનારો પ્રથમ ભારતીય બોલર
2. T20 ઇન્ટરનેશનલમાં 100 કે તેથી વધુ વિકેટ લેનારો બીજો ભારતીય બોલર
ભારતીય ટીમના અનુભવી ઝડપી બોલર જસપ્રીત બુમરાહે સાઉથ આફ્રિકા સામેની પ્રથમ T20 મેચ દરમિયાન એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે. બુમરાહ T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં 100 વિકેટ પૂર્ણ કરીને ભારત માટે T20 આંતરરાષ્ટ્રીય મેચમાં 100 વિકેટ લેનાર બીજો બોલર બન્યો. તેણે આ રેકોર્ડમાં અર્શદીપ સિંહની બરાબરી કરી. અત્યાર સુધીમાં ફક્ત બુમરાહ અને અર્શદીપે જ ભારત માટે સૌથી ટૂંકા ફોર્મેટમાં 100+ વિકેટ લીધી છે. બુમરાહે T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં તેનો 100મો શિકાર ડેવાલ્ડ બ્રેવિસને આઉટ કર્યો. બ્રેવિસ 14 બોલમાં 22 રન બનાવીને આઉટ થયો, જેમાં ત્રણ ચોગ્ગા અને એક છગ્ગાનો સમાવેશ થાય છે.
ટીમ ભારત
સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), શુભમન ગિલ, અભિષેક શર્મા, તિલક વર્મા, હાર્દિક પંડ્યા, શિવમ દુબે, અક્ષર પટેલ, જીતેશ શર્મા (વિકેટકીપર), વરુણ ચક્રવર્તી, અર્શદીપ સિંહ અને જસપ્રીત બુમરાહ.
ટીમ સાઉથ આફ્રિકા
એડન માર્કરમ (કેપ્ટન), ક્વિન્ટન ડીકોક (વિકેટકીપર), ડેવિડ મિલર, ટ્રિસ્ટન સ્ટબ્સ, ડેવાલ્ડ બ્રેવિસ, ડોનોવન ફરેરા, માર્કો યાનસન, કેશવ મહારાજ, લુથો સિપામેલા, લુન્ગી એનગીડી અને એનરિક નોર્ત્યા.


