એશિયા કપમાં ફરી ભારત-પાકિસ્તાન વચ્ચે ટક્કર, જાણો ક્યારે થશે મહામુકાબલો
Asia Cup 2025: પાકિસ્તાન અને યુએઈ વચ્ચે બુધવારે (17મી સપ્ટેમ્બર) રમાયેલી એશિયા કપની 10મી મેચમાં પાકિસ્તાને 41 રનથી જીત મેળવી હતી. આ જીત સાથે પાકિસ્તાન સુપર ફોર માટે ક્વોલિફાય થઈ ગયું છે, જ્યારે યુએઈની સફર હવે પૂરી થઈ ગઈ છે. ભારતીય ટીમ અને પાકિસ્તાન ગ્રુપ Aમાંથી ક્વોલિફાય થઈ ગયા છે. આનાથી ભારત અને પાકિસ્તાન વચ્ચે બીજી ટક્કરનો માર્ગ મોકળો થઈ ગયો છે. બંને ટીમો વચ્ચે આગામી મેચ રવિવાર (21મી સપ્ટેમ્બર)ના રોજ દુબઈમાં રમાશે.
ભારત અને પાકિસ્તાન વચ્ચે ફરી ટક્કર
આ વખતે એશિયા કપમાં આઠ ટીમોએ ભાગ લીધો હતો. આ ટીમોને બે અલગ-અલગ ગ્રુપમાં વહેંચવામાં આવી હતી. દરેક ગ્રુપમાંથી કુલ ચાર ટીમોને સુપર ફોર માટે પસંદ કરવાની હતી. ગ્રુપ Aમાં ભારત, પાકિસ્તાન, યુએઈ અને ઓમાનનો સમાવેશ થતો હતો. ભારત તેની બંને શરૂઆતની મેચ જીતીને સુપર ફોર માટે ક્વોલિફાય થઈ ગયું હતું. ઓમાન પહેલાથી જ બહાર થઈ ગયું છે. પાકિસ્તાન અને યુએઈ પ્લેઓફ માટે જોરદાર સ્પર્ધામાં હતા. જોકે, પાકિસ્તાન આ મેચ જીતી ગયું છે અને હવે તેનો સામનો ભારત સાથે થશે.
આ પણ વાંચો: પાકિસ્તાને યુએઈને હરાવી સુપર-4માં કરી એન્ટ્રી, હવે 21મીએ ભારત સામે ટકરાશે
ભારત અને પાકિસ્તાન વચ્ચની સફર
એશિયા કપ 2025માં ભારત અને પાકિસ્તાનની સફર પર નજર કરીએ તો ભારતીય ટીમે યુએઈ સામે પોતાના અભિયાનની શરૂઆત કરી હતી. સૂર્ય કુમારની આગેવાની હેઠળ આ મેચ મોટા અંતરથી જીતી હતી. બીજી મેચમાં ભારતે પાકિસ્તાનને 7 વિકેટથી હરાવ્યું હતું. ભારતીય ટીમ શુક્રવારે ઓમાન સામે પોતાનો અંતિમ ગ્રુપ સ્ટેજ મેચ રમશે.
બીજી તરફ પાકિસ્તાને ઓમાન સામેની મેચ જીતીને પોતાના અભિયાનની શરૂઆત કરી હતી. પાકિસ્તાન બીજી મેચ હારી ગયું હતું, જ્યારે પાકિસ્તાને યુએઈ સામે ત્રીજી મેચ જીતી હતી. આ દરમિયાન યુએઈને આ ટુર્નામેન્ટમાં બે હાર અને એક જીત મળી છે, જ્યારે ઓમાન અત્યાર સુધી બંને મેચ હારી ગયું છે.