India vs Pakistan T20 World Cup 2026: ICC T20 વર્લ્ડ કપની 27મી મેચમાં આજે(15 ફેબ્રુઆરી) ભારતે પાકિસ્તાનને કારમી હાર આપી છે. આ મહામુકાબલો શ્રીલંકાના કોલંબોના આર.પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાયો હતો. જ્યાં પાકિસ્તાને ટોસ જીતીને ભારતને પહેલા બેટિંગ આપી હતી. ભારતે પહેલા બેટિંગ કરતા 20 ઓવરમાં 7 વિકેટના નુકસાન પર 175 રન બનાવ્યા હતા. ભારતે પાકિસ્તાનને 176 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેના જવાબમાં પાકિસ્તાનની ટીમ 18 ઓવરમાં માત્ર 114 રન પર ઓલઆઉટ થઈ ગઈ. આમ, ભારતની 61 રનથી ભવ્ય જીત થઈ છે. આ જીત સાથે જ ભારતીય ટીમ સુપર-8માં પણ ક્વોલિફાય કરી ગઈ છે. 77 રન ફટકારનારો ઈશાન કિશન મેન ઓફ ધ મેચ બન્યો છે.
IND vs PAK Match Updates
ટીમ ઈન્ડિયાનું સ્કોરકાર્ડ (175/7 | 20 ઓવર)
- ઈશાન કિશન - 77 રન
- અભિષેક શર્મા - શૂન્ય
- તિલક વર્મા - 25 રન
- સૂર્યકુમાર યાદવ - 32 રન
- હાર્દિક પંડ્યા - શૂન્ય
- શિવમ દુબે - 27 રન
- રિંકુ સિંહ - 11 રન
- અક્ષર પટેલ - શૂન્ય
પાકિસ્તાની ટીમનું સ્કોરકાર્ડ (114/10 | 18 ઓવર)
- સાહિબઝાદા ફરહાન - શૂન્ય
- સૈમ અયૂબ - 6 રન
- સલમાન આગા - 4 રન
- બાબર આઝમ - 5 રન
- ઉસ્માન ખાન - 44 રન
- શાદાબ ખાન - 14 રન
- મોહમ્મદ નવાઝ - 4 રન
- ફહીમ અશરફ - 10 રન
- શાહીન આફરિદિ - 23 રન
- અબરાર અહેમદ - શૂન્ય
- ઉસ્માન તારિક - શૂન્ય
ભારતીય બોલરોનું પ્રદર્શન
- હાર્દિક પંડ્યા - 2 વિકેટ
- જસપ્રીત બુમરાહ - 2 વિકેટ
- અક્ષર પટેલ - 2 વિકેટ
- વરુણ ચક્રવર્તી - 2 વિકેટ
- કુલદીપ યાદવ - 1 વિકેટ
- તિલક વર્મા - 1 વિકેટ
- રિંકુ સિંહ - 1 વિકેટ
પાકિસ્તાનની ઈનિંગ
ભારતનો ભવ્ય વિજય, ઈશાન કિશનના 77 રન
ભારતે T20 વર્લ્ડ કપમાં પાકિસ્તાનને રેકોર્ડ 8મી વખત હરાવી દીધું છે. ભારતની 61 રનથી ભવ્ય જીત થઈ છે. ભારતીય બેટર ઈશાન કિશને તોફાની 77 રનની ઈનિંગ રમી હતી. જેને લઈને તેને મેન ઓફ ધ મેચનો ખિતાબ મળ્યો છે. ભારતીય બોલરોએ પણ શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે.
પાકિસ્તાન ઓલઆઉટ, ઉસ્માન તારિક આઉટ
પાકિસ્તાનની 10મી વિકેટ રૂપે ઉસ્માન તારિક આઉટ થયો છે. તે 3 બોલમાં એક પણ રન બનાવ્યા વગર પેવેલિયન પરત ફર્યો છે.
પાકિસ્તાનની નવમી વિકેટ પડી, અબરાર અહેમદ આઉટ
1 બોલમાં શૂન્ય રને અબરાર અહેમદ આઉટ થયો છે. પાકિસ્તાનનો સ્કોર 15.5 ઓવરમાં 9 વિકેટના નુકસાન પર 97 રન છે.
પાકિસ્તાનની આઠમી વિકેટ પડી, ફહીમ અશરફ આઉટ
14 બોલમાં 10 રન બનાવીને ફહીમ અશરફ આઉટ થયો છે. પાકિસ્તાનનો સ્કોર 15.4 ઓવરમાં 8 વિકેટના નુકસાન પર 97 રન છે.
પાકિસ્તાનની સાતમી વિકેટ પડી, શાદાબ ખાન આઉટ
15 બોલમાં 14 રન બનાવીને શાદાબ ખાન આઉટ થયો છે. પાકિસ્તાનનો સ્કોર 12.2 ઓવરમાં 7 વિકેટના નુકસાન પર 79 રન છે. હાલ, ફહીમ અશરફ અને શાહીન આફરીદી ક્રીઝ પર છે.
પાકિસ્તાનની છઠ્ઠી વિકેટ પડી, ઉસ્માન બાદ મોહમ્મદ નવાઝ આઉટ
ઉસ્માન ખાન બાદ 5 બોલમાં 4 રન બનાવીને મોહમ્મદ નવાઝ પણ આઉટ થયો છે. પાકિસ્તાનનો સ્કોર 12 ઓવરમાં 6 વિકેટના નુકસાન પર 78 રન છે.
પાકિસ્તાનની પાંચમી વિકેટ પડી, ઉસ્માન ખાન આઉટ
34 બોલમાં 44 રન બનાવીને ઉસ્માન ખાન આઉટ થયો. અક્ષર પટેલની બોલિંગ પર ઉસ્માન બોલ્ડ થયો છે. પાકિસ્તાનનો સ્કોર 10.4 ઓવરમાં 5 વિકેટના નુકસાન પર 73 રન છે. હાલ, શાદાબ ખાન અને મોહમ્મદ નવાઝ ક્રીઝ પર છે.
પાકિસ્તાનની ચોથી વિકેટ પડી, બાબર આઝમ આઉટ
7 બોલમાં 5 રન બનાવીને અક્ષર પટેલના બોલ પર બાબર આઝમ આઉટ થયો છે. હાલ, ઉસ્માન ખાન અને શાદાબ ખાન ક્રીઝ પર છે. પાકિસ્તાનનો સ્કોર 4.4 ઓવરમાં 4 વિકેટના નુકસાન પર 34 રન પર છે.
પાકિસ્તાનની ત્રીજી વિકેટ પડી, કેપ્ટન સલમાન અલી આગા આઉટ
જસપ્રીત બુમરાહે બીજી ઓવરના છેલ્લા બોલ પર પાકિસ્તાનને ત્રીજો ઝટકો આપ્યો. પાકિસ્તાને માત્ર 13 રનો પર 3 વિકેટ ગુમાવી દીધી છે. સલમાન અલી આગા 4 બોલમાં 4 રન બનાવીને આઉટ થયો. મેચ સંપૂર્ણ ભારતના હાથમાં છે.
પાકિસ્તાનની બીજી વિકેટ પડી, સૈમ અયૂબ આઉટ
જસપ્રીત બુમરાહે બીજી ઓવરના બીજા બોલ પર પાકિસ્તાનને બીજો ઝટકો આપ્યો. પાકિસ્તાને 6 રનો પર બીજી વિકેટ ગુમાવી. સૈમ અયૂબ 6 રન બનાવીને પેવેલિયન ભેગો થયો. પાકિસ્તાનના બંને ઓપનર્સ પેવેલિયન પરત ફરી ચૂક્યા છે.
પાકિસ્તાનની પહેલી વિકેટ પડી, સાહિબજાદા આઉટ
હાર્દિક પંડ્યાએ પહેલી ઓવરમાં જ સાહિબજાદા ફરહાનને આઉટ કરી દીધો છે. તે ખાતુ ખોલ્યા વિના આઉટ થયો. પાકિસ્તાને શૂન્ય પર વિકેટ ગુમાવી. હાર્દિકે પહેલી ઓવરમાં કોઈ રન ન આપ્યો.
ભારતીય ટીમની ઈનિંગ
ટીમ ઈન્ડિયાએ પહેલા બેટિંગ કરતા 20 ઓવરમાં 7 વિકેટના નુકસાન પર 175 રન બનાવ્યા છે. ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનને 176 રનનો ટાર્ગેટ આપ્યો છે.
ટીમ ઈન્ડિયાને સાતમો ઝટકો, અક્ષર પટેલ શૂન્ય પર આઉટ
શિવમ દુબે બાદ અક્ષર પટેલ પણ આઉટ થયો છે. શાહીન આફરીદીના બોલ પર સૈમ અયૂબના હાથે અક્ષર પટેલ કેચ આઉટ થયો છે.
ટીમ ઈન્ડિયાને છઠ્ઠો ઝટકો, શિવમ દુબે રન આઉટ
શિવમ દુબે 17 બોલમાં 27 રન બનાવીને રન આઉટ થયો છે.
ટીમ ઈન્ડિયાને પાંચમો ઝટકો, કેપ્ટન સૂર્યકુમાર આઉટ
ટીમ ઈન્ડિયાનો કેપ્ટન સૂર્યકુમાર યાદવ 29 બોલમાં 32 રન બનાવીને આઉટ થયો છે. તે સૈમ અયૂબના બોલ પર કેચ આઉટ થયો છે. હાલ, શિવમ દુબે અને રિંકુ સિંહ ક્રીઝ પર છે.
ભારતનો સ્કોર 153-4
18 ઓવરમાં ભારતનો સ્કોર 4 વિકેટના નુકસાન પર 153 રન પર પહોંચ્યો છે. હાલ, સૂર્યકુમાર અને શિવમ દુબે ક્રીઝ પર છે.
ટીમ ઈન્ડિયાને ડબલ ઝટકા, તિલક બાદ હાર્દિક પંડ્યા આઉટ
સૈમ અયૂબે 15મી ઓવરમાં ભારતની બે વિકેટ ઝડપી. ટીમ ઈન્ડિયાએ સતત 2 બોલ પર 2 વિકેટ ગુમાવી છે. પહેલા તિલક વર્મા(25 રન) આઉટ થયો અને પછી હાર્દિક પંડ્યા(શૂન્ય) પહેલા બોલ પર છગ્ગો ફટકારવાના પ્રયાસમાં કેચ આઉટ થયો. ભારતે 14.4 ઓવરમાં 126 રન પર 4 વિકેટ ગુમાવી દીધી છે. હાલ સૂર્યકુમાર અને શિવમ દુબે ક્રીઝ પર છે.
ટીમ ઈન્ડિયાનો સ્કોર 100ને પાર
ભારતીય ટીમ તરફથી સૂર્યકુમાર અને તિલક વર્મા તાબડતોબ રન બનાવી રહ્યા છે. હાલ ટીમ ઈન્ડિયાનો સ્કોર 100ને પર થયો છે.
ટીમ ઈન્ડિયાને બીજો ઝટકો, ઈશાન કિશન આઉટ
તોફાની ઈનિંગ રમનાર ઈશાન કિશન સૈમ અયૂબના બોલ પર આઉટ થયો છે. તેણે 40 બોલમાં 77 રન ફટકાર્યા છે. ભારતનો સ્કોર 8.4 ઓવરમાં 2 વિકેટ પર 88 રન પર છે. હાલ, સૂર્યકુમાર યાદવ અને તિલક વર્મા ક્રીઝ પર છે.
ઈશાન કિશનની ફિફ્ટી
અભિષેક શર્મા આઉટ, પણ ઈશાન કિશને રનનો વરસાદ કર્યો છે. તેણે 27 બોલમાં 50 રન ફટકાર્યા છે.
6 ઓવરમાં 50ને પાર
પાવરપ્લે(6 ઓવર)માં ભારતીય ટીમનો સ્કોર એક વિકટ પર 52 રન છે. હાલ, ઈશાન કિશન(42 રન) અને તિલક વર્મા(10 રન) સાથે ક્રીઝ પર છે.
ટીમ ઈન્ડિયાને પહેલો ઝટકો, અભિષેક શર્મા આઉટ
પાકિસ્તાન તરફથી બોલિંગની શરૂઆત કેપ્ટન સલમાન અલી આગાએ કરી. પહેલી ઓવરમાં સ્પિનર જોઈને સૌ ચોંકી ગયા. સલમાને પહેલી ઓવરના છેલ્લા બોલ પર અભિષેક શર્માને આઉટ કર્યો. ભારતે એક રન પર પહેલી વિકેટ ગુમાવી. અભિષેક શર્મા ખાતુ ખોલ્યા વિના પેવેલિયન પરત ફર્યો. હાલ, ઈશાન કિશન અને તિલક વર્મા ક્રીઝ પર છે.
ભારત-પાકિસ્તાન વચ્ચે મહામુકાબલો શરૂ
સાંજે 6:30 વાગ્યે ટોસ બાદ ભારતીય સમય મુજબ, રાત્રે 7:00 વાગ્યે મેચ શરૂ થઈ. ઈશાન કિશન અને અભિષેક શર્મા મેદાનમાં ઉતર્યા
ભારતની પ્લેઈંગ 11
અભિષેક શર્મા, ઈશાન કિશન(વિકેટકીપર), તિલક વર્મા, સૂર્યકુમાર યાદવ(કેપ્ટન), હાર્દિક પંડ્યા, શિવમ દુબે, રિંકુ સિંહ, અક્ષર પટેલ, વરૂણ ચક્રવર્તી, જસપ્રીત બુમરાહ અને કુલદીપ યાદવ. જણાવી દઈએ કે, આજની મેચમાંથી અર્શદીપ સિંહને બહાર કરાયો છે, તેની જગ્યાએ કુલદીપ યાદવને મોકો અપાયો છે. બીજી તરફ અભિષેક શર્માની વાપસી થઈ ચૂકી છે. અભિષેક ગત મેચમાં બીમાર હતો જેને લઈને રમતો ન હતો, પરંતુ હવે તે ફિટ થઈ ગયો છે.
પાકિસ્તાનની પ્લેઈંગ 11
સૈમ અયૂબ, સાહિબજાદા ફરહાન, સલમાન અલી આગા(કેપ્ટન), બાબર આઝમ, ઉસ્માન ખાન(વિકેટકીપર), શાદાબ ખાન, મોહમ્મદ નવાઝ, ફહીમ અશરફ, શાહીન આફરીદી, ઉસ્માન તારિક અને અબરાર અહમદ.
પાકિસ્તાને ટોસી જીતીને બોલિંગ પસંદ કરી, ભારતને આપી બેટિંગ
શ્રીલંકાના કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમમાં પાકિસ્તાનના કેપ્ટન સલમાન આગાએ ભારત સામે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો. પાકિસ્તાને ભારતને પહેલા બેટિંગ માટે આમંત્રણ આપ્યું છે.
સૂર્યકુમારે પાકિસ્તાની કેપ્ટન સાથે હાથ ન મિલાવ્યો
ટોસ બાદ ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે પાકિસ્તાની કેપ્ટન સલમાન અલી આગા સાથે હાથ ન મિલાવ્યો. જેને લઈને ચર્ચાઈ રહ્યું છે કે, ટીમ ઈન્ડિયાની 'નો હેન્ડશેક' પોલિસી યથાવત્ છે.
રોહિત શર્મા પ્રેમદાસા સ્ટેડિયમ પહોંચ્યો, ટીમ ઈન્ડિયા સાથે કરી મુલાકાત
પાકિસ્તાન સામેની મેચ પહેલા પૂર્વ કેપ્ટન રોહિત શર્મા કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમ પહોંચ્યા. રોહિતે ટીમ ઈન્ડિયા સાથે મુલાકાત પણ કરી.
ભારત અને પાકિસ્તાનની ટીમ સ્ટેડિયમ પહોંચી
થોડીવારમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ શરૂ થવાની છે. ત્યારે બંને ટીમો કોલંબો સ્ટેડિયમ પહોંચી ચૂકી છે.
આપણી ત્રિપુટી આજે ધમાલ મચાવશે: ચાહક
ભારતીય ક્રિકેટ ટીમના એક ચાહકે કહ્યું, 'ટીમ ઈન્ડિયા જીતવાની છે. અભિષેક શર્મા, સૂર્યકુમાર યાદવ, ઈશાન કિશનની આપણી ત્રિપુટી આજે ધમાલ મચાવશે અને બુમરાહ અને વરુણ ચક્રવર્તી ચક્રવ્યૂહ બનાવશે...આજે આ સ્ટેડિયમમાં ભારતનો ધ્વજ ઊંચો લહેરાશે, આપણે જીતીશું..."
મોહસિન નકવી સ્ટેડિયમ પહોંચ્યા
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) ના અધ્યક્ષ મોહસિન નકવી કોલંબોના આર. પ્રેમદાસા સ્ટેડિયમ પહોંચ્યા.
મોટી સંખ્યામાં મેચ નિહાળવા પહોંચ્યા દર્શકો
શ્રીલંકાના કોલંબોના આર. પ્રેમદાસા સ્ટેડિયમમાં ભારત પાકિસ્તાન વચ્ચે મેચ રમાવા જઈ રહી છે. ત્યારે આ મોટી મેચ નિહાળવા માટે મોટી સંખ્યામાં દર્શકો પહોંચ્યા છે. બંને ટીમના ફેન્સ અનેરા ઉત્સાહમાં જોવા મળી રહ્યા છે.
![]() |
અર્શદીપ સિંહ પાકિસ્તાન સામેની મેચમાં નહીં રમે
મેચ પહેલા ભારતીય ટીમને લઈને મહત્ત્વની માહિતી સામે આવી રહી છે. દાવો કરાઈ રહ્યો છે કે, અર્શદીપ સિંહ આ મેચમાં નહીં રમે. તેની જગ્યાએ ભારતીય ટીમ કુલદીપ યાદવને મોકો આપવાની છે. કોલંબોની સ્પિન ફ્રેન્ડલી કંડિશન્સને જોયા બાદ ભારતીય ટીમે કુલદીપ યાદવને મોકો આપવાનો નિર્ણય લીધો છે. જોકે, હજુ સત્તાવાર માહિતી સામે નથી આવી.
અભિષેક શર્માની થશે વાપસી!
પ્લેઈંગ ઇલેવનમાં વધુ એક ફેરફાર થવા જઈ રહ્યો છે. અભિષેક શર્માને સંજૂ સેમસનની જગ્યાએ મોકો મળવાનો છે. અભિષેક ગત મેચમાં બીમાર હતો જેને લઈને રમતો ન હતો, પરંતુ હવે તે ફિટ થઈ ગયો છે.
ટીમ ઈન્ડિયામાં પ્લેઈંગ-11માં ત્રણ સ્પિનર્સ જોવા મળી શકે
આર. પ્રેમદાસા સ્ટેડિયની પિચ સ્પિનર્સ ફ્રેન્ડલી છે. તેવામાં ભારતીય ટીમ કુલદીપ યાદવને પણ આ મેચમાં ઉતારી શકે છે. આમ, પ્લેઈંગ-11માં ત્રણ સ્પિનર્સ જોવા મળી શકે છે. જો કુલદીપ રમે છે તો ડાબા હાથના ફાસ્ટ બોલર અર્શદીપ સિંહને બહાર બેસવું પડશે. જ્યારે જસપ્રિત બુમરાહ સાથે હાર્દિક પંડ્યા બોલિંગ કરી શકે છે. આ સાથે ભારત પાસે પેસ બોલિંગ ડિપાર્ટમેન્ટમાં શિવમ દુબેનો ઓપ્શન પણ છે.
આ ખેલાડીઓ પર રહેશે નજર
ભારત અને પાકિસ્તાનની મેચમાં બાબર આઝમ, સાહિબજાદા ફરહાન, અભિષેક શર્મા, હાર્દિક પંડ્યા, સૂર્યકુમાર યાદવ, જસપ્રીત બુમરાહ અને અબરાર અહમદ જેવા ખેલાડીઓ પર સૌને નજર ટકેલી રહેવાની છે. આ એવા ખેલાડીઓ છે, જેઓ પોતાના દમ પર મેચ પલટી શકે છે.
પિચ રિપોર્ટ
આર. પ્રેમદાસા સ્ટેડિયમમાં સ્પિનર્સ માટે મદદ રહે છે, પરંતુ આજે હવામાન ફાસ્ટ બોલરોની મદદ પણ કરી શકે છે. શરૂઆતમાં અહીં ફાસ્ટ બોલરોને સ્વિંગ મળવાની સંભાવના છે, તેવામાં ભારત માટે જસપ્રીત બુમરાહ અને પાકિસ્તાન માટે શાહીન શાહ આફરીદીનો રોલ મોટો થઈ જશે. પહેલા બેટિંગ કરનારી ટીમ જો 200થી વધુ રન બનાવી લે છે તો ટાર્ગેટનો પીછો કરનારી ટીમ માટે મુશ્કેલ થઈ જશે. બોલ અહીં વધુ ટર્ન થાય છે, તેવામાં વરુણ ચક્રવર્તી, અક્ષર પટેલ મહત્ત્વપૂર્ણ રોલ નિભાવી શકે છે. ટોસ જીતીને અહીં પહેલા બોલિંગ કરવાનો નિર્ણય યોગ્ય રહેશે.
વરસાદ અંગે શ્રીલંકાએ આપી લેટેસ્ટ અપડેટ
આઈસીસી મેન્સ ટી20 વર્લ્ડ કપ 2026માં રવિવારે (15 ફેબ્રુઆરી) રમાનારી ભારત-પાકિસ્તાન મેચ માટે હવામાનને લઈને નવી વિગતો સામે આવી છે. અત્યારે કોલંબોમાં વાદળછાયું વાતાવરણ છે, પરંતુ રાહતની વાત એ છે કે વરસાદ પડી રહ્યો નથી. શ્રીલંકાના હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દિવસ દરમિયાન કોલંબોમાં વરસાદની શક્યતા ઓછી છે. જોકે, દક્ષિણ અને પૂર્વી પ્રાંતોમાં ભારે વરસાદની આગાહી છે, પણ કોલંબો પશ્ચિમ પ્રાંતમાં હોવાથી ત્યાં વાતાવરણ શુષ્ક રહેવાની ધારણા છે.
જો મેચ ધોવાઈ જાય તો શું?
ગ્રૂપ સ્ટેજની આ મેચ માટે કોઈ 'રિઝર્વ ડે' રાખવામાં આવ્યો નથી. મેચનું પરિણામ લાવવા માટે બંને ટીમોએ ઓછામાં ઓછી 5-5 ઓવર રમવી અનિવાર્ય છે. જો મેચ રદ થાય, તો બંને ટીમોને 1-1 પોઈન્ટ વહેંચી દેવામાં આવશે. આ સ્થિતિમાં ભારત અને પાકિસ્તાન બંનેના 5-5 પોઈન્ટ થઈ જશે અને રવિવારે જ બંને ટીમો સત્તાવાર રીતે સુપર-8 માં પહોંચી જશે.
ટીમ ઈન્ડિયાની 'નો હેન્ડશેક' પોલિસી પર ભડક્યા પૂર્વ ભારતીય ક્રિકેટર સંજય માંજરેકર
સંજય માંજરેકરે પોતાના X પ્લેટફોર્મ પર પોસ્ટ કરતાં લખ્યું કે, 'ભારતે હાથ ન મળવવાનો નિયમ જે શરૂ કર્યો છે તે ખૂબ જ મૂર્ખતાપૂર્ણ છે. આપણા જેવા દેશને તે શોભા આપતું નથી. ખેલ ભાવના પ્રમાણે કાં તો સાચી રીતે રમો અથવા તો રમશો જ નહીં.', માંજરેકરનું સાફ માનવું છે કે જો બંને ટીમો એક બીજા સામે મેદાનમાં ઉતરી રહી છે તો બંને ટીમોએ ખેલ પરંપરાઓનું સન્માન કરવું જોઈએ.
પાકિસ્તાન સાથે નો હેંડશેક પોલિસી!
ભારતની પુરુષ અને મહિલા ક્રિકેટ ટીમે ગયા મહિનાઓમાં જ પાકિસ્તાન સાથે નો હેંડશેક પોલિસી અપનાવી છે. જેને કારણે પુરુષ એશિયા કપ 2025માં મોટો હલ્લાબોલ થયો હતો. આ નિર્ણય જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ભારતીય સેના દ્વારા ચલાવવામાં આવેલા ઓપરેશન સિંદૂરના સમર્થનમાં લેવામાં આવેલો હતો. પાકિસ્તાન પ્રેરિત પહેલગામ આતંકવાદી હુમલામાં 26 નિર્દોષ નાગરિકોનો જીવ ચાલ્યો ગયો હતો.
બંને ટીમોના કેપ્ટને શું કહ્યું?
ગઈકાલે શનિવારે પ્રેકિટસ સેશન દરમિયાન યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં બંને ટીમોના કેપ્ટનને હેંડશેક અંગે સવાલ કરવામાં આવ્યો હતો, જેના જવાબમાં ભારતીય કેપ્ટન સૂર્યકુમારે કહ્યું હતું કે 24 કલાકની રાહ જુઓ અમે ક્રિકેટ રમવા આવ્યા છીએ, આ નિવેદન બાદ એ પણ સ્પષ્ટ થાય છે કે ભારતીય ટીમ પાકિસ્તાન સાથે હેંડશેક કરશે કે નહીં તે મેચપૂર્ણ થશે ત્યારે જ ખબર પડશે.
બીજી તરફ પાકિસ્તાનના કેપ્ટન સલમાન અલી આગાએ કહ્યું હતું કે, 'ક્રિકેટને સાચી ભાવનાની સાથે રમવું જોઈએ, તેમની ટીમ પારંપરિક હેંડશેક માટે તૈયાર છે. નિર્ણય તેમના (ભારત)ના હાથમાં છે'. બીજી તરફ એ પણ છે કે હમેંશાથી ભારત પાકિસ્તાનની મેચ એક બીજા દેશોના નાગરિકો, ક્રિકેટ ચાહકો અને ખેલાડીઓની ભાવના સાથે પણ જોડાયેલી છે. તેવામાં જોવું રહેશે કે આ વખતે પરંપરા નિભાવવામાં આવશે કે પછી નો હેંડશેક નીતિ યથાવત રહેશે.



