IND vs SA: ભારતે દક્ષિણ આફ્રિકાને 7 વિકેટથી હરાવ્યું, સીરિઝમાં 2-1થી લીડ મેળવી

India vs South Africa 3rd T20 2025: ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે આજે(14 ડિસેમ્બર) પાંચ મેચોની T20 સીરિઝની ત્રીજી મેચ ધર્મશાળામાં રમાઈ હતી, જેમાં ભારતે 7 વિકેટથી શાનદાર જીત હાંસલ કરી છે. આ જીત સાથે ભારતે સીરિઝમાં 2-1થી લીડ મેળવી લીધી છે. ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે દક્ષિણ આફ્રિકા વિરૂદ્ધ ત્રીજી T20માં ટોસ જીતીને પહેલા બોલિંગનો નિર્ણય લીધો હતો. દક્ષિણ આફ્રિકાની ટીમ 20 ઓવરમાં 117 રન પર ઓલઆઉટ થઈ હતી. જેના જવાબમાં ભારતે 15.5 ઓવરમાં 3 વિકેટના નુકસાન પર 120 રન બનાવીને ભવ્ય જીત મેળવી છે.
ભારતીય ટીમની ઈનિંગ
ભારત માટે અભિષેક શર્માએ સૌથી વધુ રન બનાવ્યા. અભિષેકે 18 બોલમાં ત્રણ ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી 35 રન બનાવ્યા હતા. લક્ષ્યાંકનો પીછો કરતા અભિષેક અને શુભમન ગિલે ઝડપી શરૂઆત અપાવી. બંને બેટર્સે પહેલી વિકેટ માટે 60 રન બનાવ્યા. ભારતે ફરી એકવાર પ્રયોગ કર્યો અને ત્રીજા નંબરે સૂર્યકુમારની જગ્યાએ તિલક વર્માને મોકલ્યો. તિલક અને ગિલે બીજી વિકેટ માટે 32 રનની ભાગીદારી કરી, પરંકુ માર્કો યાનસેને ગિલને બોલ્ડ કરી દીધો. ગિલ 28 બોલ પર 5 ચોગ્ગાની મદદથી 28 રન બનાવીને આઉટ થયો.
કેપ્ટન સૂર્યકુમાર યાદવ ફરી એકવાર અસફળ રહ્યા અને 12 રન બનાવીને આઉટ થયા. ત્યારબાદ તિલક અને શિવમ દુબેએ ભારતને જીત સુધી લઈ ગયા તિલક 34 બોલમાં ત્રણ ચોગ્ગાની મદદથી અણનમ 25 રન અને શિવમ ચાર બોલ પર એક ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 10 રન બનાવીને અણનમ રહ્યા. દક્ષિણ આફ્રિકા માટે લુંગી એડગિની, માર્કો યાનસેન અને કૉર્બિન બોશને એક-એક વિકેટ મળી.
ક્રિકેટ ઈતિહાસમાં હાર્દિક પંડ્યાના નામે મોટો રેકોર્ડ
આ મેચમાં હાર્દિક પંડ્યાએ ટ્રિસ્ટન સ્ટબ્સની વિકેટ ઝડપીને T20I ક્રિકેટમાં 100 વિકેટ અને 1000 રન બનાવનાર વિશ્વનો પ્રથમ ફાસ્ટ-બોલિંગ ઓલરાઉન્ડર બનવાનો રેકોર્ડ પણ બનાવ્યો હતો.
ભારતના તમામ બોલર્સને મળી સફળતા
રસપ્રદ વાત એ રહી કે આ મેચમાં ભારતના તમામ બોલર્સને સફળતા મળી. ભારત તરફથી વરૂણ ચક્રવર્તી, અર્શદીપ સિંહ, હર્ષિત રાણા અને કુલદીપ યાદવને 2-2 વિકેટ મળી. હાર્દિક પંડ્યા અને શિવમ દુબેને એક-એક સફળતા મળી.
ભારતે પ્લેઈંગ 11માં કર્યા 2 ફેરફાર
ભારતે આ મેચ માટે પ્લેઈંગ-11માં 2 ફેરફાર કર્યા હતા. જેમાં અક્ષર પટેલ અને જસપ્રીત બુમરાહ રમ્યા ન હતા. કેપ્ટન સૂર્યકુમારે ટોસ દરમિયાન જણાવ્યું કે, અક્ષર પટેલની તબિયત બરાબર નથી એટલા માટે તેઓ મેચ નહીં રમે, જ્યારે બુમરાહને અંગત કારણોથી ઘરે જવું પડ્યું છે. અક્ષર અને બુમરાહની જગ્યાએ આ મેચમાં કુલદીપ યાદવ અને હર્ષિત રાણાને ટીમમાં સામેલ કરાયા હતા.
બંને ટીમોની પ્લેઈંગ 11
• ભારત: અભિષેક શર્મા, શુભમન ગિલ, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), તિલક વર્મા, હાર્દિક પંડ્યા, શિવમ દુબે, જિતેશ શર્મા (વિકેટકીપર), હર્ષિત રાણા, અર્શદીપ સિંહ, કુલદીપ યાદવ, વરુણ ચક્રવર્તી.
• દક્ષિણ આફ્રિકા: રીઝા હેન્ડ્રીક્સ, ક્વિન્ટન ડીકોક (વિકેટકીપર), એડન માર્કરમ (કેપ્ટન), ડેવાલ્ડ બ્રેવિસ, ટ્રિસ્ટન સ્ટબ્સ, ડોનોવન ફેરેરા, માર્કો યાનસેન, કોર્બિન બોશ, એનરિચ નોર્ટજે, લુંગી એનડિગી, ઓટેનિલ બાર્ટમેન.

