પહેલી ટેસ્ટમાં હારથી થયું ભારતને નુકસાન, WTCના પોઈન્ટ ટેબલમાં ચોથા નંબર પહોંચ્યું

| Image IANS |
ICC WTC 2025-27 Points Table Update : દક્ષિણ આફ્રિકા સામે કોલકાતા ટેસ્ટ હાર્યા બાદ ભારતીય ટીમને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ સ્ટેન્ડિંગમાં મોટો ઝટકો લાગ્યો છે. ટીમ સરકીને ચોથા સ્થાન પર આવી ગઈ છે. જ્યારે દક્ષિણ આફ્રિકા શ્રીલંકાને પાછળ મુકીને બીજા નંબર પર પહોંચી ગઈ છે. રવિવારે, ટેમ્બા બાવુમાની આગેવાની હેઠળના દક્ષિણ આફ્રિકાએ પ્રથમ ટેસ્ટમાં ભારતને 30 રનથી હરાવીને શાનદાર વાપસી કરતાં ભારતીય ટીમે પ્રથમ ઇનિંગમાં 30 રનની લીડ મેળવી હતી, પરંતુ દક્ષિણ આફ્રિકાએ તેમના બોલરોના દમ પર વાપસી કરી અને ભારતને હરાવીને બે મેચની સીરિઝમાં 1-0ની લીડ મેળવી.
આ પણ વાંચો: IND VS SA : પિચ કે બેટિંગ, કોલકાતા ટેસ્ટની હાર માટે કોણ જવાબદાર? જુઓ ગંભીરનો જવાબ
ચોથા સ્થાને સરકી ગયું ભારત
આ હાર પહેલા ભારતીય ટીમ પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને હતી. પરંતુ 15 વર્ષમાં પ્રથમ વખત દક્ષિણ આફ્રિકા સામે ઘરેલુ જમીન પર ટેસ્ટ મેચ હાર્યા બાદ ભારતીય ટીમ ચોથા સ્થાને સરકી ગઈ. આઠ મેચમાં આ તેમની ત્રીજી હાર હતી. તેમના ૫૨ પોઈન્ટ અને 54.17 પોઈન્ટ ટકાવારી છે. આ દરમિયાન દક્ષિણ આફ્રિકા 24 પોઈન્ટ અને 66.67 પોઈન્ટ ટકાવારી સાથે બીજા સ્થાને પહોંચી ગયું છે. 36 પોઈન્ટ અને 100 પોઈન્ટ ટકાવારી સાથે ઓસ્ટ્રેલિયા ટોચ પર છે. શ્રીલંકા (15 પોઈન્ટ અને 66.67 પોઈન્ટ ટકાવારી) ત્રીજા સ્થાને છે.
પૂરા બે સત્ર પણ ન ટકી શકી ભારતીય ટીમ
ત્રીજા દિવસે દક્ષિણ આફ્રિકાની બીજી ઈનિંગમાં 153 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી, અને તેમની પાસે 123 રનની લીડ હતી, જેથી ભારતને 124 રનનો લક્ષ્યાંક રાખ્યો હતો. ભારતની બેટિંગ બીજી ઇનિંગમાં ખૂબ જ નબળી હતી, અને ટીમ બીજા સત્રમાં જ 93 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારતની બેટિંગ એટલી નબળી હતી કે તેના છ બેટર બે આંકડા સુધી પહોંચી શક્યા ન હતા. ભારતીય ટીમના બેટરોએ સમગ્ર મેચ દરમિયાન સંઘર્ષ કરતાં જોવા મળ્યા હતા અને બે સંપૂર્ણ સત્રો સુધી બેટિંગ કરી શક્યા નહીં.

