ભારત સામે ફરી કારમા પરાજય બાદ પાકિસ્તાની કેપ્ટનની વ્યથા, કહ્યું - 'અમે 10-15 રન વધુ...'
IND vs PAK: એશિયા કપ 2025ના હાઇ-વોલ્ટેજ સુપર 4 મેચમાં ભારતીય ટીમે શાનદાર રીતે પાકિસ્તાનને 6 વિકેટથી હરાવ્યું હતું. ભારત સામેની હાર બાદ પાકિસ્તાનની ટીમના કેપ્ટન સલમાન અલી આગાએ જણાવ્યું હતું કે, 'અમે હજુ સુધી પરફેક્ટ મેચ રમી નથી, પરંતુ અમે તે દિશામાં આગળ વધી રહ્યા છીએ. ભારતે પાવરપ્લેમાં અમારી પાસેથી મેચ છીનવી લીધી. અમારે 10-15 વધુ રન બનાવવા જોઈતા હતા. ફખર, ફરહાન અને હરિસનું પ્રદર્શન સકારાત્મક હતું. હવે, અમે આગામી મેચની રાહ જોઈ રહ્યા છીએ.'
પાકિસ્તાન હવે શ્રીલંકા સામે ટકરાશે
અહેવાલો અનુસાર, પાકિસ્તાન હવે આગામી મેચમાં શ્રીલંકા સામે રમશે. આ મેચ 23મી સપ્ટેમ્બરે અબુ ધાબીના શેખ ઝાયેદ સ્ટેડિયમ ખાતે રમાશે. દરમિયાન ભારતીય ટીમ 24મી સપ્ટેમ્બરે બાંગ્લાદેશ સામે ટકરાશે. કઈ બે ટીમો ફાઇનલમાં પહોંચે છે તે જોવું રસપ્રદ રહેશે.
ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ કેવી રહી?
ટોસ હારીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી પાકિસ્તાનની ટીમે આક્રમક શરૂઆત કરી હતી. ફખર ઝમાન અને સાહિબઝાદા ફરહાન (58) એ પ્રથમ વિકેટ માટે 15 બોલમાં 21 રન ઉમેર્યા. હાર્દિક પંડ્યાએ આ ભાગીદારી તોડી ભારતને પહેલી સફળતા અપાવી. ત્યારબાદ સેમ અયુબ ફરહાન સાથે જોડાયો, તેણે 10 ઓવરમાં 91 રન બનાવ્યા. તે દરમિયાન એવું લાગતું હતું કે પાકિસ્તાન 200 સુધી પહોંચી શકે છે. પરંતુ ઈનિંગ્સના મધ્યમાં, શિવમ દુબેએ સેમ અયુબ અને સાહિબઝાદા ફરહાનના રૂપમાં બે મહત્ત્વપૂર્ણ વિકેટો લઈને પાકિસ્તાનની ગતિ અટકાવી. તેમને કુલદીપ યાદવનો પણ સાથ મળ્યો. પાકિસ્તાન 20 ઓવરમાં 171 રન બનાવવામાં સફળ રહ્યું.
આ પણ વાંચો: અભિષેક શર્માએ ઇતિહાસ રચ્યો, T20I માં છગ્ગાનો વર્લ્ડ રેકોર્ડ, યુવરાજ આ મામલે પાછળ
આ સ્કોરનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમે અભિષેક શર્મા (74) અને શુભમન ગિલ (47)ની જોડી સાથે શાનદાર શરૂઆત કરી. તેમણે 9.5 ઓવરમાં પહેલી વિકેટ માટે 105 રન ઉમેર્યા. ત્યારબાદ અન્ય બેટર માટે કાર્ય સરળ બન્યું. સૂર્યકુમાર યાદવે ભલે ખાતું ખોલાવ્યું ન હોય, પરંતુ તિલક વર્માએ 19 બોલમાં 30 રન બનાવીને ભારતને જીત અપાવી હતી.