Get The App

IND vs USA: 'હું ખૂબ ખુશ છું...' હાર બાદ USAના કેપ્ટનનું ચોંકાવનારું નિવેદન, ટીમ ઈન્ડિયા અંગે જુઓ શું બોલ્યો

Updated: Feb 8th, 2026

GS TEAM

Google News
Google News
IND vs USA: 'હું ખૂબ ખુશ છું...' હાર બાદ USAના કેપ્ટનનું ચોંકાવનારું નિવેદન, ટીમ ઈન્ડિયા અંગે જુઓ શું બોલ્યો 1 - image


IND vs USA: મુંબઈના ઐતિહાસિક વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલા ટી-20 વર્લ્ડ કપના રોમાંચક મુકાબલામાં ભારતે અમેરિકાને 29 રને હરાવીને ટૂર્નામેન્ટમાં શાનદાર શરૂઆત કરી છે. જોકે, આ પરાજય છતાં યુએસએ ટીમના કેપ્ટન મોનાંક પટેલે પોતાની ટીમના પ્રદર્શન પર સંતોષ વ્યક્ત કર્યો છે અને ભારતીય ટીમ પર દબાણ લાવવા બદલ ગૌરવની લાગણી અનુભવી છે.

મોનાંક પટેલનું મોટું નિવેદન

મેચ બાદ પ્રેઝન્ટેશન દરમિયાન અમેરિકન કેપ્ટન મોનાંક પટેલે જણાવ્યું હતું કે, 'અમે ભારત જેવી મજબૂત ટીમ સામે શાનદાર ક્રિકેટ રમ્યા. સૌથી વધુ ખુશી એ વાતની છે કે હજારો ભારતીય દર્શકોની હાજરીમાં અમે ટીમ ઈન્ડિયા પર દબાણ બનાવવામાં સફળ રહ્યા. અમારા બોલરોએ પાવરપ્લેમાં શાનદાર વિકેટો ઝડપી અને ભારતીય બેટર્સને રન બનાવતા રોકી રાખ્યા હતા.'


તેમણે વધુમાં ઉમેર્યું કે, 'એક સમયે અમને લાગતું હતું કે અમે ભારતને 130 રનના સ્કોર પર રોકી દઈશું, પરંતુ અધવચ્ચે અમુક કેચ છૂટ્યા જે અમને મોંઘા પડ્યા. અમારી બેટિંગમાં શરૂઆત ધીમી રહી, જે હારનું મુખ્ય કારણ બની. છતાં, આ મેચમાંથી અમને ઘણું શીખવા મળ્યું છે.'

ભારતની શાનદાર જીત

ભારતે પ્રથમ બેટિંગ કરતા નિર્ધારિત 20 ઓવરમાં 9 વિકેટના ભોગે 161 રન બનાવ્યા હતા. અમેરિકન બોલરોએ મધ્ય ઓવરોમાં ભારતીય બેટિંગ લાઇનઅપને મુશ્કેલીમાં મૂકી દીધી હતી. 162 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી યુએસએની ટીમ ભારતીય બોલિંગ આક્રમણ સામે ટકી શકી નહોતી. ટીમ 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને માત્ર 132 રન જ બનાવી શકી હતી. પરિણામે ભારતનો 29 રને ભવ્ય વિજય થયો હતો.

વર્લ્ડ કપની આ શરૂઆતની જીત બાદ ભારતીય ટીમનો આત્મવિશ્વાસ સાતમા આસમાને છે. હવે ભારતીય ટીમનો આગામી મુકાબલો 12 ફેબ્રુઆરીએ નામિબિયા સામે થશે. ચાહકોને આશા છે કે ભારત પોતાની વિજયકૂચ જાળવી રાખશે.