BCCIએ ફરી ચોંકાવ્યા, શ્રેયસ અય્યરને ઈન્ડિયા-એ ટીમનો કેપ્ટન બનાવ્યો, ધ્રૂવ જુરૈલને મોટી જવાબદારી
India A Team Captain Shreyas Iyer: એશિયા કપ 2025 માટે ભારતીય ટીમમાં શ્રેયસ ઐયરને સામેલ કરવામાં આવ્યો નથી. તેને સ્ટેન્ડબાય ખેલાડીઓમાં પણ સ્થાન મળ્યું નથી, જેથી કેટલાક ફેન્સ અને ક્રિકેટ નિષ્ણાતો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. શ્રેયસે ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025માં પંજાબ કિંગ્સ માટે શાનદાર પ્રદર્શન કર્યું, 17 મેચમાં 604 રન બનાવ્યા. આવી સ્થિતિમાં એશિયા કપમાં તેને સ્થાન મળી શકે તેમ હતું.
ઈન્ડિયા-એ અને ઓસ્ટ્રેલિયા-એ ટીમ વચ્ચે 2 ફર્સ્ટ ક્લાસ મેચ રમાશે
હવે શ્રેયસ ઐયરને ઓસ્ટ્રેલિયા-એ સામે 2 ફર્સ્ટ ક્લાસ મેચ (ચાર દિવસીય મેચ) માટે ઈન્ડિયા-એ ટીમના કેપ્ટન બનાવવામાં આવ્યા છે. જ્યારે વિકેટકીપર અને બેટર ધ્રુવ જુરેલને વાઈસ-કેપ્ટન તરીકે પસંદ કરવામાં આવ્યો છે. ટીમમાં અભિમન્યુ ઈશ્વરન, પ્રસિધ કૃષ્ણ, સાઈ સુદર્શન, નીતિશ રેડ્ડી જેવા સ્ટાર ખેલાડીઓનો પણ સમાવેશ થાય છે. ઓપનર કે.એલ. રાહુલ અને ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ બીજી મેચ માટે ટીમમાં જોડાશે.
નોંધનીય છે કે, ઓસ્ટ્રેલિયા-એ ટીમે ઈન્ડિયા-એ સામે બે ચાર દિવસીય મેચ તેમજ ત્રણ વનડે મેચ રમશે. આ મેચ લખનઉ અને કાનપુરમાં રમવાની છે. હાલમાં શ્રેયસ ઐયર દુલીપ ટ્રોફીમાં વેસ્ટ ઝોન તરફથી રમી રહ્યો છે. શાર્દુલ ઠાકુર દુલીપ ટ્રોફીમાં વેસ્ટ ઝોન તરફથી કેપ્ટનશીપ કરી રહ્યો છે.
આ પણ વાંચો: ટીમ ઈન્ડિયાને ગાવસ્કરની મહત્ત્વની સલાહ, કહ્યું - 'સંજુ સેમસનને રિઝર્વમાં ન રાખી શકાય'
ઓસ્ટ્રેલિયા-એ અને ઈન્ડિયા-એ વચ્ચેની મેચનું શેડ્યૂલ
પહેલી 4-દિવસીય મેચ: 16મીથી 19મી સપ્ટેમ્બર સુધી લખનઉમાં રમાશે.
બીજી 4-દિવસીય મેચ: 23મીથી 26મી સપ્ટેમ્બર સુધી લખનઉમાં રમાશે.
પહેલી ODI: 30મી સપ્ટેમ્બરે કાનપુરમાં રમાશે.
બીજી ODI: ત્રીજી ઓક્ટોબર કાનપુરમાં રમાશે.
ત્રીજી ODI: પાંચમી ઓક્ટોબરે કાનપુરમાં રમાશે.