IND vs WI: વિન્ડિઝ સામે ભારતનો ઐતિહાસિક વિજય... 5 સદી અને ગિલની બેવડી સદી સાથે સર્જાયા અગણિત મહારેકોર્ડ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

India Vs West Indies 2nd ODI Record : ગુવાહાટીના બરસાપારા ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રમાયેલી બીજી વન-ડે મેચ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ઇતિહાસની સૌથી રોમાંચક અને રેકોર્ડબ્રેક મેચ સાબિત થઈ છે. પ્રથમ બેટિંગ કરતાં વેસ્ટ ઈન્ડિઝે 50 ઓવરમાં 7 વિકેટે 405 રનનો વિશાળ સ્કોર ખડકીને ભારત સામે પોતાનો સર્વોચ્ચ વન-ડે સ્કોર બનાવ્યો હતો. જોકે, ભારતીય ટીમે 406 રનના વિશાળ લક્ષ્યાંક સામે વળતો પ્રહાર કરતાં માત્ર 43.3 ઓવરમાં 2 વિકેટના નુકસાને 406 રન બનાવી 8 વિકેટે યાદગાર અને ઐતિહાસિક વિજય મેળવી લીધો છે. કેપ્ટન શુભમન ગિલની અણનમ 223 રનની તોફાની બેવડી સદી અને રોહિત શર્માની શાનદાર સદીએ ભારતીય ટીમને વિજયની સીમારેખા પાર કરાવી દીધી હતી.
406 રનનો ઐતિહાસિક રન ચેઝ: ભારતનો ભવ્ય વિજય
વેસ્ટ ઈન્ડિઝના 406 રનના લક્ષ્યાંક સામે ઓપનર રોહિત શર્મા અને શુભમન ગિલે ભારતને તોફાની શરૂઆત અપાવીને પ્રથમ વિકેટ માટે 255 રનની વિશાળ ભાગીદારી નોંધાવી હતી. રોહિત શર્મા 75 બોલમાં 10 ચોગ્ગા અને 6 છગ્ગા સાથે 101 રન ફટકારી આઉટ થયો હતો. ત્યારબાદ આવેલા વિરાટ કોહલીએ 19 બોલમાં 3 ચોગ્ગા અને 1 છગ્ગા સાથે 29 રન ફટકાર્યા હતા. બીજી તરફ કેપ્ટન શુભમન ગિલે આક્રમક બેટિંગ ચાલુ રાખીને માત્ર 133 બોલમાં 26 ચોગ્ગા અને 8 છગ્ગાની રમઝટ સાથે અણનમ 223 રનની અદ્ભુત ઇનિંગ્સ રમી હતી. તેને મજબૂત સાથ આપતા ઋતુરાજ ગાયકવાડે 37 બોલમાં 2 ચોગ્ગા સાથે અણનમ 31 રન બનાવીને ભારતને 39 બોલ બાકી રહેતાં જ 43.3 ઓવરમાં જીત અપાવી દીધી હતી.
વન-ડે ક્રિકેટમાં સર્જાયો મહારેકોર્ડ: એક જ મેચમાં કુલ 5 સદી
ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રમાયેલી આ મેચમાં બંને ટીમો તરફથી કુલ 5 સદી નોંધાતા વન-ડે ક્રિકેટના ઇતિહાસમાં નવો રેકોર્ડ નોંધાયો છે. પ્રથમ બેટિંગ કરતાં વેસ્ટ ઈન્ડિઝ તરફથી જ્હોન કેમ્પબેલ, શાઈ હોપ અને અમીર જાંગૂએ સદી ફટકારી હતી, જેના જવાબમાં ભારત તરફથી રોહિત શર્મા અને શુભમન ગિલે સદી ફટકારી. આંતરરાષ્ટ્રીય વન-ડે ક્રિકેટમાં પ્રથમ વખત એક જ મેચમાં 5 સદીઓ જોવા મળી છે. અગાઉ એક જ વન-ડે મેચમાં મહત્તમ 4 સદી નોંધાયાની ઘટના માત્ર ત્રણ વખત (1998માં લાહોર ખાતે પાકિસ્તાન-ઓસ્ટ્રેલિયા, 2013માં નાગપુર ખાતે ભારત-ઓસ્ટ્રેલિયા અને 2023માં હૈદરાબાદ ખાતે પાકિસ્તાન-શ્રીલંકા) બની હતી.
ગિલે વન-ડે રન ચેઝમાં સૌથી મોટી ઇનિંગ્સ રમી
કેપ્ટન શુભમન ગિલે અણનમ 223 રન બનાવીને વન-ડે ઇતિહાસમાં ટાર્ગેટનો પીછો કરતી વખતે સર્વોચ્ચ વ્યક્તિગત સ્કોરનો વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. ગિલે ગ્લેન મેક્સવેલના અણનમ 201 રનના રેકોર્ડને પાછળ છોડી દીધો છે, જે તેણે 2023માં અફઘાનિસ્તાન સામે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં બનાવ્યો હતો.
ગિલે 117 બોલમાં ફટકારી સૌથી ઝડપી બેવડી સદી
શુભમન ગિલે વન-ડે કરિયરની પોતાની બીજી બેવડી સદી માત્ર 117 બોલમાં પૂરી કરીને વન-ડે ક્રિકેટમાં સૌથી ઝડપી ડબલ સેન્ચુરી ફટકારવાનો ઈશાન કિશનનો રેકોર્ડ તોડી નાખ્યો છે. ઈશાન કિશને 2022માં બાંગ્લાદેશ સામે 126 બોલમાં બેવડી સદી ફટકારી હતી. આ સાથે ગિલ રોહિત શર્મા પછી વન-ડેમાં એકથી વધુ બેવડી સદી ફટકારનારો વિશ્વનો માત્ર બીજો બેટર બની ગયો છે.
ભારતે વન-ડેમાં સૌથી ઝડપી 300 રન પૂરા કર્યા
ભારતીય ટીમે માત્ર 29.1 ઓવરમાં 300 રન પૂરા કરીને વન-ડે ક્રિકેટ ઇતિહાસમાં કોઈપણ ટીમ દ્વારા સૌથી ઝડપી 300 રન બનાવવાનો નવો વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કર્યો છે. અગાઉ આ રેકોર્ડ સાઉથ આફ્રિકાના નામે હતો, જેણે 2006માં ઓસ્ટ્રેલિયા સામે 32.2 ઓવરમાં 300 રન બનાવ્યા હતા.
ગિલે વન-ડેમાં સૌથી ઝડપી 150 રન બનાવ્યા
ગિલે માત્ર 89 બોલમાં પોતાના 150 રન પૂરા કર્યા હતા અને ભારત માટે વન-ડેમાં સૌથી ઝડપી 150 રન બનાવનારો બેટર બન્યો હતો. તેણે ઈશાન કિશનનો 103 બોલનો રેકોર્ડ તોડ્યો હતો. લૉવેસની ઓવરમાં ચોગ્ગો ફટકારીને ગિલે આ સીમાચિહ્ન સર કર્યું હતું.
ગિલે 68 ઇનિંગ્સમાં 3500 વન-ડે રન પૂરા કર્યા
શુભમન ગિલે પોતાની 68મી ઇનિંગ્સમાં 3500 વન-ડે રન પૂરા કરીને સાઉથ આફ્રિકાના હાસિમ આમલા (69 ઇનિંગ્સ)નો વર્લ્ડ રેકોર્ડ તોડી નાખ્યો છે. આ યાદીમાં બાબર આઝમે 75, વિવિયન રિચર્ડ્સ અને શાઈ હોપે 76-76, જ્યારે શિખર ધવન અને જો રૂટે 81-81 ઇનિંગ્સ લીધી હતી. આ ઉપરાંત ગિલે ભારતમાં પોતાના 2000 વન-ડે રન પણ પૂરા કર્યા છે.
ભારત માટે વન-ડેમાં બીજી સૌથી મોટી ઓપનિંગ પાર્ટનરશિપ
રોહિત શર્મા અને શુભમન ગિલે પ્રથમ વિકેટ માટે 255 રનની વિશાળ ભાગીદારી નોંધાવીને ભારત માટે વન-ડે ઇતિહાસમાં બીજી સૌથી મોટી ઓપનિંગ પાર્ટનરશિપનો રેકોર્ડ બનાવ્યો છે. ભારતીય ઓપનિંગ જોડીઓમાં 2001માં પાર્લ ખાતે તેંડુલકર-ગાંગુલીની 258 રનની ભાગીદારી બાદ આ સર્વોચ્ચ છે. આ ઉપરાંત બંનેએ માત્ર 21.1 ઓવરમાં ભારત માટે સૌથી ઝડપી 200 રન પૂરા કરવાનો નવો કીર્તિમાન પણ સ્થાપિત કર્યો હતો.
ગિલે વેસ્ટ ઇન્ડીઝ સામે સેહવાગનો રેકોર્ડ તોડ્યો
શુભમન ગિલે વેસ્ટ ઇન્ડીઝ સામે માત્ર 62 બોલમાં સદી પૂરી કરીને ભારતીય બેટર તરીકે સૌથી ઝડપી સદીનો વિરેન્દ્ર સેહવાગનો રેકોર્ડ તોડી નાખ્યો છે. સેહવાગે 2011માં ઇન્દોર ખાતે 69 બોલમાં સદી ફટકારી હતી. ગિલની વર્ષ 2026માં ભારતમાં આ સતત ત્રીજી અને ઓવરઓલ 11મી વન-ડે સદી છે.
રોહિત શર્માએ વન-ડે ક્રિકેટમાં પૂરા કર્યા 12000 રન
રોહિત શર્માએ રોસ્ટન ચેઝની ઓવરમાં સિંગલ લઈને વન-ડેમાં પોતાના 12000 રન પૂરા કર્યા હતા. રોહિતે આ સિદ્ધિ 282 ઇનિંગ્સ અને 12,973 બોલમાં હાંસલ કરી છે. તે સૌથી ઓછી ઇનિંગ્સમાં 12 હજાર રન બનાવનારા ભારતીય બેટર્સમાં વિરાટ કોહલી (242 ઇનિંગ્સ) પછી બીજા ક્રમે રહ્યો છે, જ્યારે સચિન તેંડુલકર અને કોહલી પછી આ મુકામ હાંસલ કરનાર તે ત્રીજો ભારતીય બન્યો છે.
રોહિત શર્મા એક દેશમાં 200 વન-ડે સિક્સ ફટકારનારો વિશ્વનો પ્રથમ ક્રિકેટર
રોહિત શર્મા એક જ દેશમાં 200 વન-ડે સિક્સ ફટકારનારો વિશ્વનો પ્રથમ બેટર બન્યો છે. ગુવાહાટીમાં પોતાની ઇનિંગ્સની ચોથી સિક્સ ફટકારતાંની સાથે જ તેણે ભારતમાં આ સિદ્ધિ મેળવી હતી. આ યાદીમાં વેસ્ટ ઈન્ડિઝમાં 147 સિક્સ સાથે ક્રિસ ગેલ બીજા અને ન્યૂઝીલેન્ડમાં 132 સિક્સ સાથે માર્ટિન ગુપ્ટિલ ત્રીજા સ્થાને છે.
વેસ્ટ ઈન્ડિઝે પ્રથમ ઇનિંગ્સમાં બનાવેલા મોટા રેકોર્ડ
- વેસ્ટ ઈન્ડિઝે ભારત સામેનો પોતાનો સર્વોચ્ચ ODI સ્કોર 405/7 બનાવીને 1983માં જમશેદપુર ખાતે બનાવેલા 333/8ના રેકોર્ડને તોડી નાખ્યો.
- વેસ્ટ ઈન્ડિઝના ઇતિહાસમાં સૌપ્રથમ વખત એક જ ઇનિંગ્સમાં 3 બેટર્સ (જ્હોન કેમ્પબેલ, શાઈ હોપ અને અમીર જાંગૂ)એ સદી ફટકારી, જે વિશ્વ ક્રિકેટમાં માત્ર છઠ્ઠી ઘટના છે.
- જ્હોન કેમ્પબેલે માત્ર 65 બોલમાં સદી ફટકારીને ભારત સામે વેસ્ટ ઈન્ડિઝ તરફથી સૌથી ઝડપી વન-ડે સદીનો રિકાર્ડો પોવેલનો 72 બોલનો રેકોર્ડ તોડ્યો.
- જ્હોન કેમ્પબેલે માત્ર 29 બોલમાં અડધી સદી પૂરી કરીને ક્રિસ ગેલના 30 બોલના રેકોર્ડને પાછળ છોડ્યો.
શાઈ હોપે પોતાની 20મી વન-ડે સદી પૂરી કરીને બ્રાયન લારાના 19 વન-ડે સદીના રેકોર્ડને તોડી નાખ્યો.
વેસ્ટ ઈન્ડિઝના બેટરોનું પ્રદર્શન
ઓપનર જ્હોન કેમ્પબેલે 68 બોલમાં 9 ચોગ્ગા અને 5 છગ્ગા સાથે 101 રન બનાવ્યા હતા. કીસી કાર્ટીએ 10 બોલમાં 2 ચોગ્ગા સાથે 9 રન કર્યા હતા. કેપ્ટન શાઈ હોપે 94 બોલમાં 8 ચોગ્ગા અને 3 છગ્ગા સાથે 104 રનનું યોગદાન આપ્યું હતું. અમીર જાંગૂએ 77 બોલમાં 13 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકારી 114 રન બનાવ્યા હતા. શેરફેન રધરફોર્ડ 1 બોલ રમીને શૂન્ય રને આઉટ થયો હતો. રોસ્ટન ચેઝે 25 બોલમાં 4 ચોગ્ગા સાથે અણનમ 29 રન જોડ્યા હતા. કીમો પોલે 8 બોલમાં 3 રન અને અલ્ઝારી જોસેફે 10 બોલમાં 8 રન કર્યા હતા. શમર જોસેફે 8 બોલમાં 1 ચોગ્ગો અને 1 છગ્ગો ફટકારી અણનમ 14 રન બનાવતાં વેસ્ટ ઈન્ડિઝનો સ્કોર 405/7 પર પહોંચ્યો હતો.
ભારતીય બોલરોની બોલિંગ વિગતો
પ્રસિદ્ધ કૃષ્ણાએ 5 ઓવરમાં 45 રન આપી 1 વિકેટ ઝડપી હતી. આકિબ નબીએ 8.5 ઓવરમાં 84 રન આપ્યા હતા. ગુરનૂર બ્રારે 10 ઓવરમાં 96 રન ખર્ચીને 2 વિકેટ મેળવી હતી. નમન ધીરે 6.1 ઓવરમાં 38 રન આપ્યા હતા. રવિન્દ્ર જાડેજાએ 10 ઓવરમાં 75 રન આપીને 2 વિકેટ અને કુલદીપ યાદવે 10 ઓવરમાં 65 રન આપીને 2 વિકેટ ઝડપી હતી.
ભારતના બેટરોનું પ્રદર્શન
રોહિત શર્માએ 75 બોલમાં 10 ચોગ્ગા અને 6 છગ્ગા સાથે 101 રન બનાવ્યા હતા. કેપ્ટન શુભમન ગિલે 133 બોલમાં 26 ચોગ્ગા અને 8 છગ્ગા સાથે અણનમ 223 રનની અદ્ભુત મેરેથોન ઇનિંગ્સ રમી હતી. વિરાટ કોહલીએ 19 બોલમાં 3 ચોગ્ગા અને 1 છગ્ગા સાથે 29 રન ફટકાર્યા હતા. ઋતુરાજ ગાયકવાડે 37 બોલમાં 2 ચોગ્ગા સાથે અણનમ 31 રન બનાવતાં ભારતે 43.3 ઓવરમાં 2 વિકેટે 406 રન બનાવી લીધા હતા.
વેસ્ટ ઈન્ડિઝના બોલરોની બોલિંગ વિગતો
જેડન સીલ્સે 8 ઓવરમાં 78 રન આપીને 1 વિકેટ ઝડપી હતી. અલ્ઝારી જોસેફે 8 ઓવરમાં 89 રન આપ્યા હતા. શમર જોસેફે 6 ઓવરમાં 52 રન આપી 1 વિકેટ મેળવી હતી. કીમો પોલે 3 ઓવરમાં 49 રન ખર્ચ્યા હતા. રોસ્ટન ચેઝે 8.3 ઓવરમાં 63 રન અને વિટેલ લૉઇસે 10 ઓવરમાં 73 રન આપ્યા હતા.




