Get The App

ટેસ્ટ ક્રિકેટના નવા યુગની 'શુભ' શરૂઆત! જાડેજા-સિરાજ સહિત આ 5 ખેલાડીઓ છે જીતના હીરો

Updated: Oct 14th, 2025

GS TEAM

Google News
Google News
ટેસ્ટ ક્રિકેટના નવા યુગની 'શુભ' શરૂઆત! જાડેજા-સિરાજ સહિત આ 5 ખેલાડીઓ છે જીતના હીરો 1 - image


India vs West Indies: ભારતીય ક્રિકેટ ટીમે વેસ્ટ ઈન્ડિઝ સામેની બે મેચની ટેસ્ટ સીરિઝમાં પ્રભાવશાળી પ્રદર્શન સાથે 2-0થી ક્લીન સ્વીપ કરીને ટેસ્ટ ક્રિકેટના નવા યુગની શાનદાર શરૂઆત કરી છે. દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે રમાયેલી બીજી અને અંતિમ ટેસ્ટમાં ભારતે વેસ્ટ ઈન્ડિઝને 7 વિકેટે હરાવીને જીતનો સિલસિલો જાળવી રાખ્યો હતો. ભારતે પહેલી ટેસ્ટ એક ઈનિંગ્સ અને 140 રનથી જીતી હતી.

મેચના પાંચમા દિવસે ભારતે 121 રનનો લક્ષ્યાંક માત્ર ત્રણ વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો, જેમાં કે.એલ. રાહુલ 58 રન બનાવીને અણનમ રહ્યો હતો અને સાઈ સુદર્શને 39 રનનું યોગદાન આપ્યું હતું. આ સીરિઝ વિજયમાં ભારતના પાંચ મુખ્ય ખેલાડીઓનું પ્રદર્શન નિર્ણાયક રહ્યું, જેઓ જીતના અસલી હીરો બનીને ઉભર્યાં છે.

વેસ્ટ ઈન્ડિઝ સામેની જીતના મુખ્ય હીરો

કુલદીપ યાદવ 

કુલદીપ યાદવ માટે દિલ્હી ટેસ્ટ યાદગાર રહી. તેણે મેચમાં કુલ 8 વિકેટ ઝડપી, જેમાં વેસ્ટ ઈન્ડિઝને ફોલોઓન બાદ આઉટ કરવામાં તેની ભૂમિકા મહત્ત્વની હતી. તે આખી ટેસ્ટ સીરિઝમાં 12 વિકેટ સાથે સૌથી વધુ વિકેટ લેનારો બોલર રહ્યો. પોતાની કારકિર્દીની માત્ર 15 ટેસ્ટમાં 68 વિકેટ સાથે કુલદીપે સાબિત કર્યું છે કે તે ભારતનો એક મહત્ત્વનો સ્પિનર છે.

શુભમન ગિલ

કેપ્ટન તરીકે શુભમન ગિલનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. તેણે કેપ્ટન તરીકે માત્ર 12 ઇનિંગ્સમાં પાંચ ટેસ્ટ સદી ફટકારીને ડોન બ્રેડમેનને પાછળ છોડી દીધા છે, જે એક મોટો રેકોર્ડ છે. ગિલે દિલ્હી ટેસ્ટમાં 129 રનની અણનમ સદી ફટકારીને બેટ સાથેનું પોતાનું પ્રભુત્વ સાબિત કર્યું. તેણે આ સીરિઝમાં કુલ 179 રન બનાવ્યા.

યશસ્વી જયસ્વાલ

યશસ્વી જયસ્વાલે ફરી એકવાર વિશ્વ ક્રિકેટના સ્ટાર તરીકેની પોતાની છાપ છોડી. તેણે દિલ્હી ટેસ્ટની પહેલી ઇનિંગમાં 175 રન બનાવીને ભારતને 518ના વિશાળ સ્કોર સુધી પહોંચાડવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી. યશસ્વાલે સીરિઝની ત્રણ ઇનિંગ્સમાં કુલ 219 રન બનાવ્યા.

આ પણ વાંચો: વેસ્ટઈન્ડિઝ સામે ભારતે 2-0થી સીરિઝ જીતી વ્હાઈટવોશ કર્યું, કુલદીપ અને યશસ્વી જીતના હીરો

રવિન્દ્ર જાડેજા 

ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ સાબિત કર્યું કે તેમને વિશ્વના શ્રેષ્ઠ ઓલરાઉન્ડર શા માટે ગણવામાં આવે છે. તેણે આ સીરિઝમાં કુલ 8 વિકેટ લીધી અને 124 રન બનાવ્યા, જેમાં એક સદીનો પણ સમાવેશ થાય છે. દિલ્હી ટેસ્ટમાં પણ તેણે ચાર વિકેટ લીધી હતી, અને પહેલી ટેસ્ટમાં પણ ચાર વિકેટ લીધી હતી.

મોહમ્મદ સિરાજ

મોહમ્મદ સિરાજ પણ આ સીરિઝની જીતમાં એક મહત્ત્વનો હીરો રહ્યો. દિલ્હી ટેસ્ટની બીજી ઈનિંગમાં જ્યારે વેસ્ટ ઈન્ડિઝના બેટરોનો લડત આપી રહ્યા હતા, ત્યારે સિરાજે 103 રન બનાવીને સેટ થયેલા શાઈ હોપને આઉટ કરીને ભારતને મોટી સફળતા અપાવી હતી. તેણે દિલ્હી ટેસ્ટમાં ત્રણ અને આખી સીરિઝમાં કુલ 10 વિકેટ લીધી. સિરાજે નિર્ણાયક સમયે બ્રેકથ્રુ મેળવી આપવાની પોતાની ક્ષમતા સાબિત કરી.

Tags :