વેસ્ટ ઈન્ડિઝ સામે ભારતે 2-0થી સીરિઝ જીતી વ્હાઈટવોશ કર્યું, કુલદીપ અને યશસ્વી જીતના હીરો

India vs West Indies: ભારતીય ક્રિકેટ ટીમે વેસ્ટ ઈન્ડિઝ સામેની બે મેચની ટેસ્ટ સીરિઝમાં શાનદાર પ્રદર્શન કરતાં 2-0થી ક્લિન સ્વીપ કર્યું છે. દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાયેલી બીજી અને અંતિમ ટેસ્ટ મેચ ભારતે સાત વિકેટથી જીતી લીધી છે. ભારતીય ટીમે રમતના પાંચમા અને અંતિમ દિવસ (14મી ઓક્ટોબર)ના પહેલા સત્રમાં જ જીત માટેનો 121 રનનો લક્ષ્યાંક આસાનીથી હાંસલ કરી લીધો હતો.
કુલદીપ-યશસ્વી જીતના હીરો
ભારતની જીતમાં યુવા ખેલાડીઓ કુલદીપ યાદવ અને યશસ્વી જયસ્વાલે મુખ્ય ભૂમિકા ભજવી હતી. કુલદીપ યાદવે મેચમાં કુલ 8 વિકેટ ઝડપીને વેસ્ટ ઈન્ડિઝના બેટિંગ ક્રમને ધ્વસ્ત કર્યો હતો. જ્યારે યુવા ઓપનર યશસ્વી જયસ્વાલે પહેલી ઇનિંગમાં 175 રનની શાનદાર સદી ફટકારીને ભારતને વિશાળ લીડ અપાવવામાં મદદ કરી હતી.
આ પણ વાંચો: ટીમમાં મોકો નહોતો મળતો, IPLમાં નબળો દેખાવ અને પછી અચાનક જ કુલદીપે બતાવી તાકાત
મેચનો ઘટનાક્રમ
દિલ્હી ટેસ્ટમાં વેસ્ટ ઈન્ડિઝે પહેલી ઈનિંગમાં 248 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ભારતીય ટીમે યશસ્વીની સદીની મદદથી 5 વિકેટે 518 રન બનાવીને ઈનિંગ ડિકલેર કરી હતી અને 270 રનની મજબૂત લીડ મેળવી હતી. ભારતે વેસ્ટ ઈન્ડિઝને ફોલો-ઓન આપ્યું હતું, જેમાં વેસ્ટ ઈન્ડિઝની ટીમ બીજી ઇનિંગમાં 390 રન બનાવી શકી હતી, જેના કારણે ભારતને જીતવા માટે 121 રનનો નાનો લક્ષ્યાંક મળ્યો હતો.
સતત 10મો ટેસ્ટ સીરિઝ વિજય
આ જીત સાથે, ભારતીય ટીમે વેસ્ટ ઈન્ડિઝ સામે ટેસ્ટ સીરિઝમાં જીતનો પોતાનો રેકોર્ડ જાળવી રાખ્યો છે. વેસ્ટ ઈન્ડિઝ સામે ભારતનો આ સતત 10મો ટેસ્ટ સીરિઝ વિજય છે. વેસ્ટ ઈન્ડિઝે છેલ્લે 2002માં ભારતને ટેસ્ટ સીરિઝમાં હરાવ્યું હતું. ત્યારથી, વેસ્ટ ઈન્ડિઝ ભારત સામે એક પણ ટેસ્ટ મેચ જીતી શક્યું નથી. નોંધનીય છે કે ભારતે સીરિઝની પહેલી ટેસ્ટ અમદાવાદમાં 140 રનના મોટા અંતરથી જીતી હતી.