IND vs SA: ભારતીય ટીમ સામે દક્ષિણ આફ્રિકા ઘૂંટણિયે, પહેલી ઈનિંગ 159 રનમાં સમેટાઈ

IND vs SA 1st Test: ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે કોલકાતાના ઐતિહાસિક ઇડન ગાર્ડન્સ ખાતે સીરિઝની પહેલી ટેસ્ટ મેચ રમાઈ રહી છે. ત્યારે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી દક્ષિણ આફ્રિકાની ટીમ 159 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારતીય ટીમ તરફથી જસપ્રીત બુમરાહે પાંચ વિકેટ લીધી હતી. જ્યારે કુલદીપ યાદવ અને મોહમ્મદ સિરાજે પણ બે-બે વિકેટ લીધી હતી. આ દક્ષિણ આફ્રિકાનો ઈડન ગાર્ડન્સ ખાતે પહેલી ઈનિંગનો સૌથી ઓછો સ્કોર છે. અગાઉ ઈડન ગાર્ડન્સ ખાતે દક્ષિણ આફ્રિકાની પહેલી ઈનિંગનો સૌથી ઓછો સ્કોર 222 હતો.
એડન માર્કરમ અને રાયન રિકલ્ટને દક્ષિણ આફ્રિકાને મજબૂત શરૂઆત અપાવી, જેમાં તેમણે 57 રનની ભાગીદારી કરી. ત્યારબાદ વિકેટો પડવાની શરૂઆત થઈ. માર્કરમ 31 અને રિકલ્ટન 23 રન બનાવીને આઉટ થયો હતો. કેપ્ટન ટેમ્બા બાવુમા માત્ર 3 રન બનાવીને આઉટ થયો. ટોની ડી જોરજીએ પણ સારી શરૂઆત કરી, પરંતુ તેની ઈનિંગ્સ 55 બોલમાં 24 રન પર સમાપ્ત થઈ.
વિદેશી ટીમનો ત્રીજો સૌથી ઓછો સ્કોર
ઈડન ગાર્ડન્સ ખાતે વિદેશી ટીમ દ્વારા પહેલી ઈનિંગનો આ ત્રીજો સૌથી ઓછો સ્કોર છે. અહીં વિદેશી ટીમ દ્વારા પહેલી ઇનિંગનો સૌથી ઓછો સ્કોર બાંગ્લાદેશની ટીમનો છે, જે 2019માં ફક્ત 106 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. બીજો સૌથી ઓછો સ્કોર વેસ્ટ ઇન્ડીઝનો છે, જે 2011 માં 153 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. દક્ષિણ આફ્રિકા હવે 159ના સ્કોર સાથે યાદીમાં ત્રીજા સ્થાને છે.
આ પણ વાંચો: IPL 2026 પહેલા મુંબઈ ઈન્ડિયન્સમાં સામેલ થયો સ્ટાર ખેલાડી, 2 કરોડમાં નક્કી થઈ ડીલ
જસપ્રીત બુમરાહનો પંજો
જસપ્રીત બુમરાહએ આ ઈનિંગમાં 14 ઓવર ફેંકી હતી, જેમાં માત્ર 27 રન આપીને 5 વિકેટ લીધી હતી. આ દરમિયાન તેણે 5 મેડન ઓવર પણ ફેંકી હતી. બુમરાહનો આ કારકિર્દીનો 16મો 5 વિકેટનો રેકોર્ડ હતો. જસપ્રીત બુમરાહ ઈશાંત શર્મા પછી ટેસ્ટ મેચના પહેલા દિવસે 5 વિકેટ લેનાર પ્રથમ ભારતીય બોલર પણ બન્યો હતો. ઈશાંતે 2019માં બાંગ્લાદેશ સામે આ જ મેદાન પર આ સિદ્ધિ મેળવી હતી. કુલદીપ યાદવ અને મોહમ્મદ સિરાજે બે-બે વિકેટ લીધી હતી, જ્યારે અક્ષર પટેલે પણ એક વિકેટ લેવામાં સફળ રહ્યા હતા.

