IND vs SA 5th T20: ભારતીય ટીમે શાનદાર રમતનું પ્રદર્શન કરતા દક્ષિણ આફ્રિકા સામેની પાંચ મેચની ટી20 સીરિઝ કબજે કરી લીધી છે. આજે(19 ડિસેમ્બર) સીરિઝની અંતિમ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ હતી. આ મહત્ત્વની મેચમાં ભારતે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 5 વિકેટના નુકસાને 231 રનનો પહાડ જેવો સ્કોર ખડક્યો હતો, જેના જવાબમાં દક્ષિણ આફ્રિકાની ટીમ 20 ઓવરમાં 8 વિકેટે 201 રન જ બનાવી શકી હતી. જેને લઈને ભારતે આજની મેચમાં 30 રનથી ભવ્ય વિજય મેળવ્યો છે. આ સાથે ભારતે 3-1થી સીરિઝ જીતી છે. ભારત તરફથી બેટિંગમાં તિલક વર્માએ સૌથી વધુ 73 રન અને હાર્દિક પંડ્યાએ આક્રમક 63 રન નોંધાવ્યા હતા, જ્યારે બોલિંગમાં વરુણ ચક્રવર્તીએ 4 વિકેટ ઝડપી જીતમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.
ત્રણ બેટર્સની અડધી સદી
ભારતની ઇનિંગમાં હાર્દિક પંડ્યાએ સૌથી વિસ્ફોટક બેટિંગ કરી હતી. તિલક વર્માએ માત્ર 42 બોલમાં 10 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી શાનદાર 73 રન બનાવ્યા હતા. બીજી તરફ હાર્દિક પંડ્યાએ વિસ્ફોટક બેટિંગ કરતા માત્ર 25 બોલમાં 5 ચોગ્ગા અને 5 છગ્ગા ફટકારીને 63 રન બનાવ્યા હતા. હાર્દિક પંડ્યા ઈન્ટરનેશનલ T20 ક્રિકેટ ઇતિહાસમાં ભારત માટે બીજી સૌથી ઝડપી ફિફ્ટી ફટકારવાનો રેકોર્ડ પોતાના નામે કર્યો છે.
ભારતીય ટીમે બનાવ્યા હતા 231 રન
ભારતે 20 ઓવરમાં 5 વિકેટે 231 રન કર્યા હતા. સંજુ સેમસન: 22 બોલમાં 37 રન, અભિષેક શર્મા: 21 બોલમાં 34 રન, તિલક વર્મા: 42 બોલમાં 73 રન સૂર્યકુમાર યાદવ: 7 બોલમાં 5 રન હાર્દિક પંડ્યા: 25 બોલમાં 63 રન, શિવમ દુબે: 3 બોલમાં અણનમ 10 રન...
દક્ષિણ આફ્રિકાની ટીમ માત્ર 201 રન બનાવી શકી
લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી દક્ષિણ આફ્રિકાની ટીમ 201 રન બનાવી શકી હતી. ઓપનર ક્વિન્ટન ડી કોકે 35 બોલમાં 65 રન ફટકારી સારી શરૂઆત આપી હતી. આ ઉપરાંત ડેવાલ્ડ બ્રેવિસે 17 બોલમાં 31 રન, ડેવિડ મિલરે 14 બોલમાં 18 રન, રીઝા હેન્ડ્રિક્સે 12 બોલમાં 13 રન અને માર્કો જેન્સેને 5 બોલમાં 14 રન નોંધાવ્યા હતા. એડન માર્કરામ માત્ર 6 રન બનાવી શક્યો હતો.
વરુણ ચક્રવર્તીની ચાર વિકેટ
ભારતીય બોલરોએ દક્ષિણ આફ્રિકાના બેટર્સ પર દબાણ જાળવી રાખ્યું હતું. વરુણ ચક્રવર્તીએ 4 ઓવરમાં 53 રન આપીને સૌથી વધુ 4 વિકેટ ઝડપી હતી. જસપ્રિત બુમરાહે અત્યંત કરકસરયુક્ત બોલિંગ કરતા 4 ઓવરમાં માત્ર 17 રન આપી 2 વિકેટ લીધી હતી. અર્શદીપ સિંહે 4 ઓવરમાં 47 રન આપી 1 વિકેટ અને હાર્દિક પંડ્યાએ 3 ઓવરમાં 41 રન આપી 1 વિકેટ મેળવી હતી. વોશિંગ્ટન સુંદરે 4 ઓવરમાં 30 રન આપ્યા હતા પરંતુ તેને કોઈ સફળતા મળી નહોતી.
દક્ષિણ આફ્રિકાએ ટેસ્ટ સીરિઝ તો ભારતે વન-ડે અને T20 સીરિઝ જીતી
દક્ષિણ આફ્રિકાએ ટેસ્ટ સીરિઝ જીતી, ભારતનો કારમો પરાજય: ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાયેલી ટેસ્ટ સીરિઝમાં ભારતીય ટીમનું પ્રદર્શન અત્યંત નિરાશાજનક રહ્યું હતું. પ્રથમ ટેસ્ટમાં એડન ગાર્ડન્સ ખાતે દક્ષિણ આફ્રિકાએ ભારતને જીતવા માટે માત્ર 124 રનનો લક્ષ્યાંક આપ્યો હતો, પરંતુ ભારતીય બેટર્સ બીજી ઇનિંગમાં માત્ર 93 રનમાં ઓલઆઉટ થઈ જતાં 30 રનથી પરાજય થયો હતો. ત્યારબાદ ગુવાહાટી ખાતે રમાયેલી બીજી ટેસ્ટમાં દક્ષિણ આફ્રિકાએ શાનદાર રમત બતાવી ભારતને 408 રનના વિશાળ અંતરથી હરાવી સીરિઝમાં પોતાનું પ્રભુત્વ સાબિત કર્યું હતું.
ભારતે વન-ડે સીરિઝ જીતી: વન-ડે સીરિઝમાં બંને ટીમો વચ્ચે કાંટે કી ટક્કર જોવા મળી હતી. રાંચીમાં રમાયેલી પ્રથમ વન-ડેમાં ભારતે 349 રન બનાવી 17 રનથી વિજય મેળવ્યો હતો, જ્યારે રાયપુરમાં રમાયેલી બીજી મેચમાં દક્ષિણ આફ્રિકાએ 359 રનનો લક્ષ્યાંક છેલ્લા ઓવરમાં પાર પાડીને 4 વિકેટે જીત મેળવી હતી. જોકે, વિશાખાપટ્ટનમમાં રમાયેલી ત્રીજી અને નિર્ણાયક મેચમાં ભારતીય ટીમે જોરદાર વાપસી કરી હતી. દક્ષિણ આફ્રિકાના 270 રનના સ્કોર સામે ભારતે માત્ર 1 વિકેટ ગુમાવીને 271 રન બનાવી લીધા હતા અને 9 વિકેટે ભવ્ય વિજય મેળવ્યો હતો.
ભારતે ટી20 સીરિઝ જીતી: ટી20 સીરિઝમાં પણ ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રસાકસી જારી રહી હતી. કટકમાં રમાયેલી પ્રથમ ટી20માં ભારતે 101 રનથી મોટી જીત મેળવી હતી, જ્યારે બીજી મેચમાં દક્ષિણ આફ્રિકાએ 213 રનનો પહાડ જેવો સ્કોર બનાવી ભારતને 51 રનથી હરાવ્યું હતું. ધર્મશાળામાં રમાયેલી ત્રીજી મેચમાં ભારતે શાનદાર બોલિંગના જોરે દક્ષિણ આફ્રિકાને 117 રનમાં રોકી દીધું હતું અને 7 વિકેટે મેચ જીતી લીધી હતી. લખનઉમાં રમાનારી સીરિઝની ચોથી અને અંતિમ ટી20 મેચ વરસાદના કારણે એક પણ બોલ ફેંકાયા વગર રદ કરવામાં આવી હતી. જ્યારે પાંચમી ટી20માં ભારતનો ભવ્ય વિજય થયો છે. આ સાથે ભારતને પાંચ ટી20 મેચોની સિરીઝ 3-0થી જીતી લીધી છે.
બંને ટીમોની પ્લેઈંગ 11
ભારતની પ્લેઈંગ 11: અભિષેક શર્મા, સંજૂ સેમસન, તિલક વર્મા, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), હાર્દિક પંડ્યા, શિવમ દુબે, જિતેશ શર્મા (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, વરુણ ચક્રવર્તી, જસપ્રીત બુમરાહ, અર્શદીપ સિંહ.
દક્ષિણ આફ્રિકાની પ્લેઈંગ 11: ક્વિન્ટન ડી કૉક, રીઝા હેન્ડ્રિક્સ, એડેન માર્કરામ (કેપ્ટન), ડેવાલ્ડ બ્રેવિસ, ડેવિડ મિલર, ડોનોવન ફરેરા, જોર્જ લિંડે, માર્કો યાન્સેન, કોર્બિન બોશ, લુંગી એનગિડી, ઓટનીલ બાર્ટમેન.


