શ્રીકાંતે કરી પાકિસ્તાનની ફજેતી, કહ્યું - IND vs PAKની મેચમાં પહેલા જેવી વાત નહીં રહી
IND vs PAK Match: એશિયા કપ 2025માં રવિવાર (21મી સપ્ટેમ્બર) ભારત અને પાકિસ્તાન બીજી વખત ટકરાશે. ગ્રુપ સ્ટેજમાં 14મી સપ્ટેમ્બરના રોજ ભારત અને પાકિસ્તાન વચ્ચે પહેલી મેચ રમાઈ હતી. આ એકતરફી મેચમાં સૂર્યકુમાર યાદવની આગેવાની હેઠળની ભારતીય ટીમે 7 વિકેટથી જીત મેળવી હતી. આ દરમિયાન ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન અને પસંદગીકાર કૃષ્ણમાચારી શ્રીકાંત માને છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ હવે પહેલા જેવી રહી નથી અને પાકિસ્તાને મુખ્ય ટીમને બદલે એસોસિયેટ ટીમો સાથે રમવું જોઈએ.
ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ અંગે કૃષ્ણમાચારી શ્રીકાંતે શું કહ્યું...
સોશિયલ મીડિયા પર કૃષ્ણમાચારી શ્રીકાંતે જણાવ્યું હતું કે, 'આગળ વધતાં, પાકિસ્તાને મુખ્ય ટીમો સાથે ન રમવું જોઈએ. તેમને એસોસિયેટ રાષ્ટ્રો સાથે રાખો અને તેમની જગ્યાએ અન્ય ટીમોને લાવો. પાકિસ્તાન માટે એ એક સૌભાગ્યની વાત છે કે તે આવી પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટનો ભાગ પણ છે.'
દાવો કરતા કૃષ્ણમાચારી શ્રીકાંતે જણાવ્યું હતું કે, 'ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ હવે પહેલા જેવી રહી નથી. આ મેચો હવે દર્શકોને આકર્ષશે નહીં. આ પાકિસ્તાની ટીમમાં ડરાવવા જેવું કંઈ નથી. તે ચેન્નાઈ લીગની સાતમી ડિવિઝન ટીમ જેવી છે.'
આ પણ વાંચો: મિથુન મન્હાસ બની શકે BCCI અધ્યક્ષ, RP સિંહને મોટી જવાબદારી સોંપવાની તૈયારી
પાકિસ્તાનના મુખ્ય કોચ માઈક હેસન પર પણ નિશાન સાધતા શ્રીકાંતે કહ્યું કે, 'માઈક હેસનના નેતૃત્વમાં પાકિસ્તાન ખોટા રસ્તે ચાલી રહ્યું છે.' નોંધનીય છે કે, માઈક હેસનને મે 2025માં પાકિસ્તાનના મુખ્ય કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેમણે અગાઉ IPLમાં ન્યુઝીલેન્ડ અને RCB ને કોચિંગ આપ્યું છે.