હંમેશા 'ગંભીર' રહેતો કોચ ગૌતમ પણ ખુશીથી ઝૂમી ઉઠ્યો, ઓવલમાં ભારતની જીત બાદ ડ્રેસિંગ રૂમમાં સર્જાયા ભાવુક દ્રશ્યો
IND vs ENG: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ સીરિઝ ખૂબ જ રોમાંચક રીતે સમાપ્ત થઈ હતી. ઓવલ ટેસ્ટના છેલ્લા દિવસે જે થયું તેની ખૂબ ઓછા લોકોએ આશા રાખી હશે. ભારતીય ટીમને જીત માટે ઈંગ્લેન્ડની 4 વિકેટ લેવાની હતી. બીજી તરફ ઈંગ્લેન્ડને જીત માટે માત્ર 35 રન બનાવવાના હતા. પહેલા બે બોલ પર બે ચોગ્ગા બાદ ઈંગ્લેન્ડને માત્ર 27 રનની જરૂર હતી. અહીંથી વાપસી કરતા ભારતે મેચ 6 રનથી પોતાના નામે કરી લીધી. ફાસ્ટ બોલર સિરાજ જીતનો હીરો રહ્યો. હવે BCCIએ ડ્રેસિંગ રૂમનું સેલિબ્રેશન શેર કર્યું છે.
ગૌતમ ગંભીર ખુશીથી ઝૂમી ઉઠ્યો
BCCIએ મેચની છેલ્લી ક્ષણોનો ડ્રેસિંગ રૂમનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. ઓવલમાં ભારતની જીત બાદ ડ્રેસિંગ રૂમમાં ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. આ વીડિયોમાં જોઈ શકાય છે કે, પહેલા માહોલ કેટલો ટેન્શ હતો. સપોર્ટ સ્ટાફના લગભગ બધા સભ્યો ઉભા રહીને મેચ જોઈ રહ્યા હતા. જ્યારે મોહમ્મદ સિરાજે ગુસ એટકિન્સનને બોલ્ડ કર્યો ત્યારે બધા ખુશીથી ઝૂમી ઉઠ્યા. હંમેશા 'ગંભીર' રહેતા કોચ ગૌતમ ગંભીર પણ ખુશીથી ઝૂમી ઉઠ્યો, તેને કંટ્રોલ કરવું મુશ્કેલ થઈ રહ્યું હતું. તે બોલિંગ કોચ મોર્ને મોર્કેલના ખોળામાં ચઢી ગયો.
ટેસ્ટમાં ગંભીરની કોચિંગમાં ખરાબ રેકોર્ડ
ભારતીય ટીમના હેડ કોચના રૂપમાં ટેસ્ટમાં ગૌતમ ગંભીરનો રેકોર્ડ ખૂબ જ નિરાશાજનક રહ્યો છે. ટીમને ન્યુઝીલેન્ડ સામે ઘરેલૂ ટેસ્ટમાં હાર મળી. 2012 બાદ પહેલી વાર ભારત ગત વર્ષે ઘર આંગણે સીરિઝ હારી ગયુ હતું. ન્યુઝીલેન્ડે ભારતીય ટીમને કોઈ તક ન આપી. ત્યારબાદ ઓસ્ટ્રેલિયામાં બોર્ડર ગાવસ્કર ટ્રોફી પણ ટીમ ઈન્ડિયા 3-1થી હારી ગઈ. તેના કારણે ભારતને વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં પહેલી વાર સ્થાન મળ્યું.
આ પણ વાંચો: IND vs ENG : 6 રેકોર્ડ તૂટ્યા, ગિલે રચ્યો ઈતિહાસ, સિરાજે પણ બુમરાહની બરાબરી કરી
ગૌતમ ગંભીરને ટેસ્ટ ટીમના મુખ્ય કોચ પદેથી હટાવવાની પણ ચર્ચા થવા લાગી હતી. જો ભારતીય ટીમ આ મેચ હારી ગઈ હોત તો ગંભીરની મુશ્કેલીઓમાં વધારો થવાનું નક્કી હતું. સીરિઝની પહેલી મેચમાં ભારતીય ટીમ 350થી વધુનો ટાર્ગેટ ડિફેન્ડ નહોતી કરી શકી. ત્યારબાદ ત્રીજી મેચમાં તે 192 રન ચેઝ કરવામાં નિષ્ફળ ગઈ. જોકે, 300 રનમાં 3 વિકેટ હોવા છતાં પણ છેલ્લી ટેસ્ટમાં ઈંગ્લેન્ડને 374 રન બનાવવાથી અટકાવી દીધું.