IND vs ENG: સચિન તેંડુલકરે દિલ જીત્યું, ભારત-ઈંગ્લેન્ડ ટેસ્ટ સીરિઝમાં નહીં ભૂલાય પટૌડીનું નામ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

India Vs England Test Series: ભારતીય ક્રિકેટ ટીમ 20 જૂનથી ઈંગ્લેન્ડ સામે પાંચ મેચની ટેસ્ટ સીરિઝ રમવા જઈ રહી છે. આ સીરિઝમાં શુભમન ગિલ ભારતીય કેપ્ટન તરીકે ટેસ્ટ ક્રિકેટમાં પોતાની પ્રથમ ઇનિંગ શરૂ કરશે. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ સીરિઝ પહેલાં નવા કેપ્ટનની સાથે વધુ એક મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. જો કે, આ ફેરફારનો ઈનકાર કરતાં દિગ્ગજ ખેલાડી સચિન તેંડુલકરે ફરી એકવાર ચાહકોનું દિલ જીતી લીધુ છે.
આ બંને દેશો વચ્ચે રમાનારી ટેસ્ટ સીરિઝનું નામ બદલીને 'તેંડુલકર-એન્ડરસન ટ્રોફી' કરવામાં આવ્યું છે. આ ટ્રોફીનું નામ ક્રિકેટ જગતના બે દિગ્ગજ ખેલાડીઓ સચિન તેંડુલકર અને જેમ્સ એન્ડરસનના નામ પર રાખવામાં આવ્યું છે. જો કે, અગાઉ આ ટેસ્ટ સીરિઝ 'પટૌડી ટ્રોફી'ના નામ પર આયોજિત કરવામાં આવતી હતી. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ ક્રિકેટના 75 વર્ષ પૂર્ણ થયાની યાદમાં સૌપ્રથમ 2007માં 'પટૌડી ટ્રોફી' શરૂ કરવામાં આવી હતી. આ ટ્રોફીનું નામ પટૌડી પરિવારના નામ પર રાખવામાં આવ્યું હતું, જેણે ભારતીય ક્રિકેટને બે કેપ્ટન ઇફ્તિખાર અલી ખાન પટૌડી અને મન્સૂર અલી ખાન પટૌડી આપ્યા હતા.
સીરીઝના નામથી ચાહકો નારાજ
ભારત-ઈંગ્લેન્ડ વચ્ચેની આ ટેસ્ટ સીરિઝનું નામ બદલવાથી ચાહકો નારાજ થયા છે, સાથે સાથે પટૌડી પરિવાર પણ ગુસ્સે થયો હતો. વિવાદ વધતા સચિન તેંડુલકરે આ મામલે દખલગીરી કરવી પડી હતી. તેણે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ને પટૌડીના વારસાને જાળવી રાખવા અપીલ કરી છે. મીડિયા રિપોર્ટ અનુસાર, તેંડુલકર બીસીસીઆઈ ઉપરાંત ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ (ECB)ના અધિકારીઓ સાથે વાતચીત કરી હતી. તેંડુલકર માને છે કે ભારત અને ઈંગ્લેન્ડ ક્રિકેટમાં ઈફ્તિખાર અલી પટૌડીનું યોગદાન ભૂંસી નાખવું યોગ્ય નથી.
આ પણ વાંચોઃ વિરાટ કોહલી અને રોહિત શર્મા પાસેથી શું શીખ્યો ગિલ? કહ્યું- 'તે ગાળો પણ આપશે તો...'
તેંડુલકરની વાત સાથે સહમત
સચિન તેંડુલકરની અરજી સ્વીકારવામાં આવી છે. BCCI અને ECB એ સંમતિ આપી છે કે, આ ટેસ્ટ સીરિઝમાં પટૌડીનો વારસો કોઈને કોઈ સ્વરૂપમાં અકબંધ રાખવામાં આવશે. તે કેવી રીતે કરશે, તે હજુ નક્કી થયુ નથી, પરંતુ એવું બની શકે છે કે સીરિઝના શ્રેષ્ઠ ખેલાડીને પટૌડી મેડલ આપવામાં આવશે અથવા વિજેતા ટીમના કેપ્ટનને પટૌડી એવોર્ડ મળશે.
ટ્રોફીનું અનાવરણ મુલતવી રાખ્યું
ઉલ્લેખનીય છે, તેંડુલકર-એન્ડરસન ટ્રોફીનું લોન્ચિંગ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) 2023-25 ફાઇનલ દરમિયાન થવાનું હતું, પરંતુ અમદાવાદમાં બનેલી દુ:ખદ વિમાન દુર્ઘટનાને કારણે 14 જૂને યોજાનારી આ ઇવેન્ટ મુલતવી રાખવામાં આવી હતી. ECBના એક અધિકારીએ જણાવ્યું હતું કે, 'ભારતમાં આ દુર્ઘટનાને કારણે અમે ટ્રોફીનું અનાવરણ થોડા સમય માટે મુલતવી રાખીએ છીએ. આ પીડિત પરિવારો પ્રત્યે સન્માનનું પ્રતીક છે.' અનાવરણ સંબંધિત નવી તારીખ હવે યોગ્ય સમયે જાહેર કરવામાં આવશે.
ભારત Vs ઈંગ્લેન્ડ ટેસ્ટ સીરિઝનું શિડ્યુલ
- પહેલી ટેસ્ટ: 20-24 જૂન, 2025 - હેડિંગ્લી, લીડ્સ
- બીજી ટેસ્ટ: 2-6 જુલાઈ, 2025 - એજબેસ્ટન, બર્મિંગહામ
- ત્રીજી ટેસ્ટ: 10-14 જુલાઈ, 2025 - લોર્ડ્સ, લંડન
- ચોથી ટેસ્ટ: 23-27 જુલાઈ, 2025 - ઓલ્ડ ટ્રેફોર્ડ, માન્ચેસ્ટર
- પાંચમી ટેસ્ટ: 31 જુલાઈ-4 ઓગસ્ટ, 2025 - ધ ઓવલ, લંડન









