શું ઈજાગ્રસ્ત ક્રિસ વૉક્સ ઓવલ ટેસ્ટમાં બેટિંગ કરી શકશે? જાણો ICCનો નિયમ
Image Source: Twitter
IND vs ENG: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે લંડનના ઓવલ ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાઈ રહેલી મેચ ખૂબ જ રોમાંચક સ્થિતિમાં છે. ચોથા દિવસે ઈંગ્લેન્ડે પોતાની બીજી ઈનિંગમાં 6 વિકેટ પર 339 રન બનાવ્યા હતા. ઈંગ્લેન્ડની ટીમ જીતથી 35 રન દૂર છે. બીજી તરફ જો ભારતીય ટીમે આ મેચ જીતીને પાંચ મેચોની ટેસ્ટ સીરિઝમાં 2-2થી બરાબરી કરવી હોય તો બાકીની વિકેટ લેવી પડશે.
ઓવલ ટેસ્ટ મેચના પાંચમા દિવસે જરૂર પડ્યે ઈંગ્લિશ ખેલાડી ક્રિસ વૉક્સ બેટિંગ કરવા ઉતરશે કે નહીં તે જોવું રસપ્રદ રહેશે. રમતના પહેલા દિવસે ફિલ્ડિંગ કરતી વખતે ફાસ્ટ બોલર ક્રિસ વૉક્સને ડાબા ખભામાં ઈજા થઈ હતી. વૉક્સના ખભામાં ફ્રેક્ચર થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ઈજાગ્રસ્ત થતા પહેલા તેણે પહેલી ઈનિંગમાં 14 ઓવર બોલિંગ કરી હતી. ઈંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડ (ECB) એ કહ્યું હતું કે, ક્રિસ વૉક્સ હવે આ મેચમાં ભાગ નહીં લેશે.
ત્યારબાદ ક્રિસ વૉક્સ ઈંગ્લેન્ડની પહેલી ઈનિંગમાં બેટિંગ કરવા આવ્યો ન હતો. જેના કારણે ઈંગ્લેન્ડની પ્રથમ ઈનિંગ 247/9 સુધી મર્યાદિત રહી હતી. ત્યારબાદ ક્રિસ વૉક્સે ભારતની બીજી ઈનિંગમાં બિલકુલ બોલિંગ નહોતી કરી. યજમાન ઈંગ્લેન્ડને બીજી ઈનિંગમાં ક્રિસ વૉક્સની ખોટ સ્પષ્ટ વર્તાઈ. ક્રિસ વૉક્સની ગેરહાજરીમાં અન્ય ફાસ્ટ બોલરો ગુસ એટકિન્સન, જોશ ટોંગ અને જેમી ઓવરટનને વધુ બોલિંગ કરવી પડી.
ક્રિસ વૉક્સ ઈંગ્લેન્ડની જર્સીમાં દેખાયો
જોકે, ઈંગ્લેન્ડની બીજી ઈનિંગમાં જ્યારે જો રૂટ આઉટ થયો ત્યારે સ્ક્રીન પર ક્રિસ વૉક્સને દેખાડવામાં આવ્યો હતો. ક્રિસ વૉક્સ ઈંગ્લેન્ડની જર્સીમાં જોવા મળ્યો હતો. આવી સ્થિતિમાં એવા આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, જો જરૂર પડે તો વૉક્સ પાંચમા દિવસે બેટિંગ કરવા ઉતરશે. બીજી તરફ હવે સવાલ એ પણ થાય છે કે, શું વોક્સને બીજી ઈનિંગમાં બેટિંગ કરવાની મંજૂરી આપવામાં આવશે. તો જવાબ છે - હા.
ICCનો નિયમ
ક્રિસ વૉક્સને બેટિંગ કરતા અટકાવી શકે તેવો કોઈ નિયમ નથી. એટલે કે જો ઈંગ્લેન્ડને જરૂર પડી તો ક્રિસ વૉક્સ બેટિંગ માટે ઉતરી શકે છે. ICCના નિયમો પ્રમાણે પાંચમી વિકેટ પડતા પહેલા વૉક્સ બેટિંગ માટે ન આવી શકે, કારણ કે તે ભારતીય ટીમની બીજી ઈનિંગમાં મેદાન પર નહોતો દેખાયે. ઈંગ્લેન્ડ હવે 6 વિકેટ ગુમાવી ચૂક્યું હોવાથી ક્રિસ વૉક્સ 9મા, 10મા કે 11મા ક્રમે બેટિંગ કરવા માટે યોગ્ય છે.
આ પણ વાંચો: ઓવલ ટેસ્ટમાં ઈંગ્લેન્ડને મોટો ઝટકો, સ્ટાર બોલરને ખભામાં ઈજા થતાં 5મી ટેસ્ટથી બહાર
અનુભવી બેટર જો રૂટે ક્રિસ વૉક્સ અંગે અપડેટ આપ્યું છે કે, જો જરૂર પડશે તો તે બેટિંગ કરશે. જો રૂટે ચોથા દિવસની સમાપ્તિ બાદ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, તમે તેને સફેદ જર્સીમાં જોયો છે. તે સંપૂર્ણ રીતે મેદાનમાં છે, જેવી રીતે અમે બધા છે. આ એવી સીરિઝ રહી છે જ્યાં ખેલાડીઓએ પોતાનો જીવ જોખમમાં નાખવો પડે છે.
જો રૂટે રિષભ પંત સાથે કરી ક્રિસ વૉક્સની તુલના
જો રૂટે ક્રિસ વૉક્સના જુસ્સાની તુલના ભારતીય વિકેટકીપર રિષભ પંત સાથે કરી છે. રૂટે કહ્યું કે, 'આશા છે કે વાત ત્યાં સુધી ન પહોંચે, પરંતુ ક્રિસ વૉક્સે ચોક્કસ કેટલાક થ્રોડાઉન કર્યા છે અને જો જરૂર પડે તો તે તૈયાર છે. તેણે જે સહન કર્યું છે તે પછી તે ખૂબ પીડામાં છે. અમે આ સીરિઝમાં અન્ય લોકોને પણ જોયા છે. કેટલાક તૂટેલા પગ સાથે રમી રહ્યા છે, જ્યારે કેટલાક સતત બોલનો સામનો કરી રહ્યા છે. તેમ છતાં તે સ્પષ્ટ છે કે ખેલાડીઓ માટે આ કેટલું મહત્ત્વપૂર્ણ છે.