| Images Sourse: IANS |
IND vs ENG: ભારતીય ટીમના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે ઈંગ્લેન્ડ પ્રવાસ પર અત્યાર સુધી ત્રણ ટેસ્ટ મેચ રમી છે. બુમરાહ ઈંગ્લેન્ડ પ્રવાસ પર ફક્ત ત્રણ મેચ રમવાનું નક્કી થઈ ગયું હતું. પરંતુ માન્ચેસ્ટરમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની ચોથી ટેસ્ટ મેચ ડ્રો થયા બાદ સવાલ એ છે કે 31મી જુલાઈથી ઓવલમાં રમાનારી પાંચમી ટેસ્ટમાં શું બુમરાહ ટીમનો ભાગ હશે કે તેને આરામ આપવામાં આવશે? આ અંગે મુખ્ય કોચ ગૌતમ ગંભીરે કહ્યું છે કે 'બધા ફાસ્ટ બોલરો ફિટ છે, કોઈને પણ કોઈ ઈજા નથી.'
શું જસપ્રીત બુમરાહ ઓવલ ટેસ્ટ રમશે?
ભારતીય ટીમના મુખ્ય કોચ ગૌતમ ગંભીરે પ્રેસ કોન્ફરન્સમાં સ્પષ્ટતા કરી હતી કે, ‘ફાસ્ટ બોલરોની ફિટનેસ અંગે કોઈ ચિંતા નથી. બધા બોલરો ફિટ છે. ઈજાની કોઈ સમસ્યા નથી.'
આ દરમિયાન બુમરાહના પાંચમી ટેસ્ટ રમવા વિશે પણ ગંભીરને પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. જો કે, આ વાતનો તેમણે કોઈ સ્પષ્ટ જવાબ આપ્યો નહીં, પરંતુ કહ્યું કે, 'અંતિમ ટેસ્ટ માટે ટીમ કોમ્બિનેશન વિશે હજુ સુધી કોઈ ચર્ચા થઈ નથી. બુમરાહ રમશે કે નહીં તે નક્કી નથી. જે પણ રમશે તે દેશ માટે સખત મહેનત કરશે.'
શાર્દુલ-કંબોજ ઓવલ ટેસ્ટમાંથી બહાર થઈ શકે છે
માન્ચેસ્ટરમાં રમાયેલી મેચમાં અંશુલ કંબોજે સારું પ્રદર્શન કર્યું ન હતું, જેના કારણે તેને છેલ્લી ટેસ્ટમાં ડ્રોપ કરવામાં આવી શકે છે. અર્શદીપ સિંહને તેની જગ્યાએ ડેબ્યૂ કરવાની તક મળી શકે છે. જ્યારે શાર્દુલ ઠાકુરની પણ બોલિંગ અસરકારક રહી નહતી. જેના કારણે કુલદીપ યાદવને ટીમમાં સામેલ કરવામાં આવે તેવી શક્યતા છે.
નોંધનીય છે, ઇંગ્લેન્ડથી લઈને ભારત સુધીના ઘણાં દિગ્ગજોએ કુલદીપના પ્લેઇંગ-11માં સમાવેશને સમર્થન આપ્યું છે, પરંતુ તેને અત્યાર સુધી સીરિઝમાં એક પણ મેચ રમવાની તક મળી નથી. જો કે, છેલ્લી ટેસ્ટના પ્લેઇંગ-11 અંગે મુખ્ય કોચ ગૌતમ ગંભીર અને કેપ્ટન શુભમન ગિલ શું નિર્ણય લેશે તે ટોસ સમયે જ જાણી શકાશે.
ઓવલ ટેસ્ટ માટે ભારતના સંભવિત પ્લેઈંગ 11
શુભમન ગિલ (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, કે.એલ. રાહુલ, સાઈ સુદર્શન, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), રવીન્દ્ર જાડેજા, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, આકાશ દીપ/જસપ્રીત બુમરાહ, અર્શદીપ સિંહ/મોહમ્મદ સિરાજ, પ્રસિધ કૃષ્ણા/અંશુલ કંબોજ.


