છોકરીઓ માટે એકેડેમી નહોતી તો વાળ કાપી છોકરો બનીને રમી, ભારતીય ટીમની 'હીરો' શેફાલી વર્માની સંઘર્ષગાથા

Shafali Verma: સાઉથ આફ્રિકા સામે મહિલા વર્લ્ડ કપની ફાઇનલમાં 21 વર્ષની શેફાલી વર્માએ ધમાલ મચાવી દીધી હતી. પહેલા તેણે બેટિંગમાં આક્રમકતા બતાવી. ત્યાર પછી શેફાલીએ બોલિંગમાં પણ કમાલ કર્યો. પોતાના આ શાનદાર પ્રદર્શન માટે તેને ફાઇનલમાં પ્લેયર ઑફ ધ મેચનો ઍવોર્ડ પણ મળ્યો.
જણાવી દઈએ કે શેફાલી વર્માએ 7 ફોર અને 2 સિકસરની મદદથી 87 રન બનાવ્યા હતા. આ ઉપરાંત, તેણે 36 રન આપીને 2 વિકેટ પણ લીધી હતી. ભારતીય ટીમની 'હીરો' શેફાલી વર્માની સંઘર્ષગાથા વિષે જાણીએ.
ભારતીય મહિલા ટીમની સ્ટાર બેટર શેફાલી વર્મા માટે રોહતકથી ભારતીય ટીમ સુધીની સફર મુશ્કેલ હતી. એક સમયે સૌથી તેજસ્વી સ્ટાર ગણાતી શેફાલીને એક વર્ષથી વધુ સમય માટે વન-ડે ટીમમાંથી બહાર રહેવું પડ્યું હતું. જોકે, પ્રતિકા રાવલના ઇજાગ્રસ્ત થતાં તેને ટીમમાં સામેલ કરાઈ અને તેણે દક્ષિણ આફ્રિકા સામેની મહિલા વન-ડે વિશ્વ કપની ફાઇનલમાં ધમાકેદાર પ્રદર્શન કર્યું.
વન-ડેમાં 87 રન શેફાલીનો સૌથી મોટો સ્કોર
ફાઇનલમાં શેફાલીએ દક્ષિણ આફ્રિકા સામે તેના વન-ડે કરિયરની સર્વશ્રેષ્ઠ અને મહત્ત્વપૂર્ણ ઇનિંગ્સ રમી. તે સદી ફટકારવાથી ચૂકી ગઈ, પરંતુ 28મી ઓવરમાં 78 બોલમાં 87 રન બનાવીને આઉટ થઈ. 87 રનનો આ સ્કોર વન-ડેમાં શેફાલીનો સૌથી મોટો સ્કોર છે.
નાની ઉંમરે ભારતીય ટીમમાં બનાવી હતી જગ્યા
માત્ર 15 વર્ષની ઉંમરે શેફાલીએ ભારતીય મહિલા T20 ક્રિકેટ ટીમમાં જગ્યા બનાવી લીધી હતી. જૂન 2021 આવતા આવતા તે મહિલા ક્રિકેટની ત્રણેય ફોર્મેટમાં ભારતીય ટીમનું પ્રતિનિધિત્વ કરનારી સૌથી ઓછી ઉંમરની ખેલાડી બની ગઈ હતી. ભારતીય ટીમનું પ્રતિનિધિત્વ કરવા માટે શેફાલીએ ઘણો સંઘર્ષ કર્યો અને તેમાં તેના પિતાનો ફાળો સૌથી અગત્યનો રહ્યો.
પ્રેક્ટિસ દરમિયાન શેફાલીનું બેટ ખરાબ થતાં, પિતા સંજીવ વર્માએ રોહતકથી મેરઠ જઈને બ્રાન્ડેડ છ બેટ ખરીદ્યા. પિતાએ દીકરીના સપના જોઈને આ સંઘર્ષ કર્યો હતો. રોહતકના વૈશ્ય શિક્ષણ સંસ્થાનના મેદાનમાં પ્રેક્ટિસ કરતી શેફાલીની આ ઉડાન આજે વિશ્વ કપની ફાઇનલમાં નવા કીર્તિમાન સ્થાપી રહી છે.
છોકરાઓ સાથે ક્રિકેટ રમતી હતી શેફાલી
વર્ષ 2013માં સચિન તેંડુલકર જ્યારે લાહલીમાં રણજી ટ્રોફી રમવા આવ્યા, ત્યારે ભીડમાં મેચ જોતા 'સચિન-સચિન'ના અવાજો સાંભળીને શેફાલીનું ક્રિકેટર બનવાનું સપનું વધુ દૃઢ બન્યું. અઢી-ત્રણ વર્ષ સુધી તેણે છોકરાઓની બોલિંગ પર જ બેટિંગનો અભ્યાસ કર્યો. અંડર-19, અંડર-23 અને રણજી ખેલાડીઓની બોલિંગ પર તેણે ખૂબ પ્રેક્ટિસ કરી.
શરૂઆતી કોચિંગ બાદ શેફાલીના પિતાએ તેને એકેડેમી ટ્રેનિંગ માટે મોકલી, જ્યાં તેણે છોકરાઓ સાથે બેટ પકડવાનું શીખ્યું અને પછી તેમના પર જ આક્રમક રીતે રમી. શેફાલીને શરૂઆતમાં છોકરાના રૂપમાં ટ્રેનિંગ લેવી પડી હતી, કારણ કે તેના શહેરમાં છોકરીઓ માટે કોઈ ક્રિકેટ એકેડેમી નહોતી. તેના ક્રિકેટના જુસ્સાવાળા પિતા સંજીવ વર્માના કહેવા પર તેણે પોતાના વાળ કપાવી નાખ્યા હતા, કારણ કે હરિયાણાના રોહતક જિલ્લાની તમામ ક્રિકેટ એકેડેમીએ તેને પ્રવેશ આપવાની ના પાડી દીધી હતી. જોકે, બાદમાં શેફાલીની સ્કૂલે છોકરીઓ માટે ક્રિકેટ ટીમ બનાવવાનો નિર્ણય કર્યો.

