ભારતીય મહિલા ક્રિકેટ ટીમને હાર બાદ વધુ એક ઝટકો! ICCએ ફટકાર્યો ભારેખમ દંડ, જાણો કારણ
ICC fined India Women's Cricket Team: ભારતીય મહિલા ક્રિકેટ ટીમને ICCએ ભારેખમ દંડ ફટકાર્યો છે. દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમવામાં આવેલી IND W vs AUS Wની ત્રીજી વન-ડે મેચમાં સ્લો ઓવરના કારણે ટીમ ઇન્ડિયા પર મેચ ફીસનો 10% દંડ ફટકારવામાં આવ્યો છે.
ત્રણ મેચોની વન-ડે સીરિઝને ઓસ્ટ્રેલિયા મહિલા ટીમે 2-1થી પોતાના નામે કરી લીધી. છેલ્લી વન-ડે મેચમાં ભારતીય ટીમને 43 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. હવે હાર બાદ ભારતીય મહિલા ટીમને વધુ એક ઝટકો લાગ્યો છે.
ICCએ ભારતીય ટીમ પર ફટકાર્યો ભારેખમ દંડ
વાસ્તવમાં ત્રીજી વન-ડે મેચ(Indian Women's Cricket Team)માં ભારતીય મહિલા ટીમ નિર્ધારિત સમયમાં બે ઓવર ફેંકવામાં પાછળ રહી હતી. ICC ઇન્ટરનેશનલ પેનલ ઑફ મેચ રેફરીની જીએસ લક્ષ્મીએ હરમનપ્રીત કૌરની આગેવાની હેઠળની ભારતીય ટીમ પર સ્લો ઓવર રેટના કારણે દંડ ફટકાર્યો, કારણ કે ટીમે નિર્ધારિત સમય કરતાં બે ઓવર ઓછી ફેંકી હતી.
ICCનો નિયમ શું કહે છે?
સ્લો ઓવર-રેટ સંબંધિત ICC આચારસંહિતાની કલમ 2.2 પ્રમાણે ખેલાડીઓ પર દરેક ઓવર ઓછી કરવા માટે મેચ ફીના પાંચ ટકા દંડ ફટકારવામાં આવે છે.
તમને જણાવી દઈએ કે, ભારતે દંડ સ્વીકારી લીધો છે અને તેથી ઔપચારિક સુનાવણીની જરૂર ન પડી. સ્લો ઓવર રેટને કારણે ભારતીય મહિલા ટીમને તેમની મેચ ફીના 10 ટકા દંડ ફટકારવામાં આવ્યો હતો.
કેવી રહી IND W vs AUS W 3rd ODI મેચ
ભારતીય મહિલા ક્રિકેટ ટીમ સામે ઓસ્ટ્રેલિયાની ટીમે ટોસ જીતીને બેટિંગ પસંદ કરી. પ્રથમ બેટિંગ કરતા કાંગારુઓએ શાનદાર શરુઆત કરી. કૅપ્ટન એલિસાએ 30 રન બનાવ્યા, જ્યારે જ્યોર્જિયાએ 14 ચોગ્ગા ફટકારીને 81 રન બનાવ્યા.
એલિસ પેરીએ 72 બોલમાં 68 રન બનાવ્યા. બેથ મૂનીએ 138 રન બનાવ્યા જેમાં 23 ચોગ્ગા અને એક છગ્ગા ફટકાર્યો હતો. એશ્લે ગાર્ડનરે 39 રન બનાવ્યા. આમ ઓસ્ટ્રેલિયાની ટીમ 47.5 ઓવરમાં 412 રનમાં ઓલઆઉટ થઈ ગઈ.
આ પણ વાંચો: ઓનલાઇન સટ્ટાબાજી એપ મામલે રૈના-ધવન બાદ યુવરાજ સિંહની પૂછપરછ, જાણો શું છે મામલો
તેના જવાબમાં ભારતની શરુઆત ખરાબ રહી. ઓપનર પ્રતિકા રાવલ 10 રન બનાવીને આઉટ થઈ ગઈ, જ્યારે સ્મૃતિ મંધાનાએ 63 બોલમાં 125 રનની ધમાકેદાર ઇનિંગ રમી. તેણે પોતાની ઇનિંગમાં 17 ચોગ્ગા અને 5 છગ્ગા ફટકાર્યા હતા. કૅપ્ટન હરમનપ્રીત કૌરે પણ 52 રન બનાવ્યા. દીપ્તિ શર્માએ 58 બોલમાં 72 રન બનાવ્યા. સ્નેહ રાનીએ પણ 35 રન બનાવ્યા. તેમ છતાં ભારતીય ટીમ 47 ઓવરમાં 369 રનમાં ઓલઆઉટ થઈ ગઈ, અને કાંગારુ ટીમે 43 રનથી મેચ જીતી લીધી.