ઓનલાઇન સટ્ટાબાજી એપ મામલે રૈના-ધવન બાદ યુવરાજ સિંહની પૂછપરછ, જાણો શું છે મામલો
Online Betting App Case: ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ક્રિકેટર યુવરાજ સિંહ ED ઑફિસ પહોંચી ગયો છે, જ્યાં ઓનલાઇન બેટિંગ ઍપ્લિકેશન કેસમાં પૂછપરછ કરવામાં આવી રહી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ ઓનલાઇન સટ્ટાબાજી એપ 'વનxબેટ' સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં સોમવારે જ ભારતીય ક્રિકેટર રોબિન ઉથપ્પાની આઠ કલાકથી વધુ સમય સુધી પૂછપરછ કરી અને તેમનું નિવેદન નોંધ્યું હતું. અધિકારીઓએ આ માહિતી પૂરી પાડી. અધિકારીઓએ જણાવ્યું કે, ઉથપ્પા (39) સવારે 11 વાગ્યે એજન્સીની ઑફિસ પહોંચ્યો હતો અને સાંજે 7:30 વાગ્યે ત્યાંથી બહાર નીકળ્યો હતો.
આ પહેલા એજન્સી આ મામલે પૂર્વ ભારતીય ક્રિકેટર સુરેશ રૈના અને શિખર ધવનની પૂછપરછ કરી ચૂકી છે. બીજી તરફ અભિનેત્રી અને તૃણમુલ કોંગ્રેસ(ટીએમસી)ની પૂર્વ સાંસદ મિમિ ચક્રવર્તી અને બંગાળી અભિનેતા અંકુશ હઝરાની પૂછપરછ કરવામાં આવી છે. ત્યારબાદ EDએ આ જ મામલે પૂછપરછ માટે પૂર્વ ક્રિકેટર યુવરાજ સિંહ અને અભિનેતા સોનુ સૂદને બોલાવ્યા હતા. આ જ કેસમાં ED યુવરાજ સિંહની પૂછપરછ રહી છે. ત્યારપછી 24 સપ્ટેમ્બરના રોજ ED અભિનેતા સોનુ સૂદની પણ પૂછપરછ કરશે.
વનxબેટ એપ શું છે, જેની આટલી ચર્ચા થઈ રહી
કંપનીના જણાવ્યા પ્રમાણે 'વનxબેટ' એ વૈશ્વિક સ્તરે માન્યતા પ્રાપ્ત સટ્ટાબાજી ઍપ્લિકેશન છે જે સટ્ટાબાજીના વ્યવસાયમાં 18 વર્ષનો અનુભવ છે. બ્રાન્ડના ગ્રાહકો હજારો રમતગમતની ઇવેન્ટ્સ પર સટ્ટો લગાવી શકે છે. કંપનીની વેબસાઇટ અને ઍપ્લિકેશન 70 ભાષાઓમાં ઉપલબ્ધ છે. એજન્સી આગામી દિવસોમાં વધુ ખેલાડીઓ અને સેલિબ્રિટીઓની પૂછપરછ કરી શકે છે. કેન્દ્ર સરકારે તાજેતરમાં એક કાયદો લાવીને વાસ્તવિક પૈસા વાળી ઓનલાઇન ગેમિંગ પર પ્રતિબંધ લગાવી દીધો છે.