'હું ફરી જરૂર આવીશ...', યાદગાર મુલાકાત બાદ મેસીના શબ્દો સાંભળી ભાવુક થયા ફેન્સ

| (IMAGE - IANS) |
Lionel Messi: ફૂટબોલ દિગ્ગજ લિયોનેલ મેસીના 'GOAT ઇન્ડિયા ટૂર'ની શરૂઆત ભલે કોલકાતામાં થોડી અવ્યવસ્થિત રહી હોય, પરંતુ તેનું સમાપન દિલ્હીમાં ખૂબ જ શાનદાર રીતે થયું. દિલ્હીમાં અરુણ જેટલી ક્રિકેટ સ્ટેડિયમમાં એકત્ર થયેલા હજારો ચાહકો તેમના પ્રિય ખેલાડીની એક ઝલક મેળવીને ખુશીથી ઝૂમી ઉઠ્યા હતા. આ ફૂટબોલ સ્ટારે માત્ર 30 મિનિટમાં જ તેના પ્રશંસકોને જીવનભર યાદ રહે તેવી યાદગાર પળો આપી અને ભારત પાછા આવવાનું વચન પણ આપ્યું.
મેસી માટે દીવાનગી ચરમસીમા પર
અરુણ જેટલી ક્રિકેટ સ્ટેડિયમ(કોટલા) ફૂટબોલ જગતનું મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. મેસીના ચાહકોએ એ વ્યક્તિના દર્શન કર્યા, જે મેદાન પર ઘણીવાર 'બેજોડ' પ્રદર્શન કરે છે.
મેસીએ જ્યારે માઇક સંભાળ્યું અને દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા, ICC અધ્યક્ષ અને ભારતના ભૂતપૂર્વ ફૂટબોલ કેપ્ટન બાઇચુંગ ભૂટિયા સહિત અનેક મહાનુભાવોની હાજરીમાં પ્રશંસકોને સંબોધન કર્યું, ત્યારે તેમના પ્રત્યેની દીવાનગી ચરમસીમાએ પહોંચી ગઈ હતી.
મેસીએ દર્શકોને સંબોધતા સ્પેનિશમાં કહ્યું, "ભારતમાં આ દિવસો દરમિયાન મળેલા પ્રેમ અને સ્નેહ માટે હું આપ સૌનો આભાર માગુ છું. ખરેખર, આ અમારા માટે એક ખૂબ જ સુંદર અનુભવ રહ્યો છે.'
ટૂંકા પ્રવાસમાં પણ મળ્યો અદ્ભુત પ્રેમ
મેસીએ આગળ કહ્યું, 'ભલે આ ટૂંકો પ્રવાસ છે, પરંતુ આટલો પ્રેમ મળવો અદ્ભુત છે. મને આ દીવાનગી વિશે પહેલાથી જ ખબર હતી, પરંતુ તેનો સીધો અનુભવ કરવો વધુ અદ્ભુત હતો. અમે આ દિવસોમાં જે કંઈ અનુભવ્યું તે અમારા માટે એક અવિશ્વસનીય અનુભવ હતો.'
આ વર્લ્ડકપ વિજેતા ખેલાડીએ ભારત પરત ફરવાનું વચન આપતા કહ્યું, 'અમે આ પ્રેમ અમારી સાથે સાચવીને રાખીશું અને અમે ચોક્કસપણે પાછા આવીશું, આશા છે કે કોઈ દિવસ મેચ રમવા માટે કે અન્ય કોઈ અવસર પર પણ અમે ભારતની યાત્રા ચોક્કસ કરીશું. ખૂબ ખૂબ આભાર.'
કોટલામાં ભવ્ય અને સુવ્યવસ્થિત સમાપન
કોલકાતામાં શનિવારે અરાજકતાભરી શરૂઆત પછી, સૌથી મહત્ત્વની વાત એ રહી કે વ્યાપકપણે પ્રચારિત અને બહુપ્રતીક્ષિત આ કાર્યક્રમનો અંત એવો જ થયો જેવો આયોજકો ઇચ્છતા હતા. કોટલાના સ્ટેડિયમમાં લગભગ 25,000 લોકોની ભીડ ઉમટી હતી. આ હજારો ચાહકોની સાથે, મેદાનની અંદર હાજર કેટલીક ભારતીય હસ્તીઓ અને મહાનુભાવો પણ વિશ્વના સૌથી આદરણીય ખેલાડીઓમાંના એકની મહેમાનગતિના ઉત્સાહમાં તરબોળ હતા.
ચાહકો મેસીની પ્રતિભા, નમ્રતા અને છેલ્લા બે દાયકામાં તેમણે રમત પર જે પ્રભાવ પાડ્યો છે તેનાથી અભિભૂત હતા. સ્ટેડિયમમાં મોટાભાગના દર્શકો આર્જેન્ટિનાની પ્રસિદ્ધ બ્લૂ અને સફેદ જર્સી (નંબર 10) પહેરીને સતત 'મેસી મેસી'ના નારા લગાવી રહ્યા હતા.

