IND vs SA: બીમારીના કારણે અક્ષર પટેલ બાકીને બે T20 મેચમાંથી બહાર, જાણો કયા ખેલાડીને મળી જગ્યા

IND vs SA: ભારતના ઓલરાઉન્ડર અક્ષર પટેલ તબિયત ખરાબ હોવાના કારણે ભારત અને દક્ષિણ આફ્રિકા T20 સીરિઝની બાકીની 2 મેચમાંથી બહાર થઈ ગયો છે. અક્ષરે ધર્મશાળામાં રમાયેલી ત્રીજી T20 મેચમાં ભાગ લીધો ન હતો અને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ સોમવારે (15 ડિસેમ્બર) પુષ્ટિ કરી કે તેઓ સીરિઝમાં આગળ કોઈ પણ મેચ નહીં રમે.
સ્પિન-બોલિંગ ઓલરાઉન્ડર અક્ષર પટેલ આ સીરિઝમાં છેલ્લી વખત બીજી T20માં રમ્યો હતો, જ્યાં તેમને બેટિંગ માટે નંબર 3 પર પ્રમોટ કરાયો હતો. જોકે, અક્ષર પટેલ મુશ્કેલ પરિસ્થિતમાં ભારતને મદદ ન કરી શક્યા અને ટીમને મુલ્લાંપુરમાં 51 રનથી હારનો સામનો કરવો પડ્યો.
બીમારી હોવાના કારણે અક્ષર બહાર
અક્ષર પટેલને 2026માં થનારા T20 વર્લ્ડ કપ માટે ભારતના મુખ્ય ખેલાડીઓમાંથી એક માનવામાં આવે છે, જે ટુર્નામેન્ટની યજમાની ભારત અને શ્રીલંકા સંયુક્ત રીતે કરશે. તેમની બીમારી એવા સમયે આવી છે, જ્યારે ભારતીય ટીમ મેનેજમેન્ટ ટુર્નામેન્ટ માટે ટીમને અંતિમ સ્વરૂપ આપવાની પ્રક્રિયામાં છે.
કયા ખેલાડીને સ્થાન મળ્યું?
અક્ષર પટેલના સ્થાને બંગાળના શાહબાઝ અહેમદનો સમાવેશ કરવામાં આવ્યો છે. ચાલુ સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં અત્યાર સુધીમાં ચાર વિકેટ લેનાર શાહબાઝને અક્ષરનો વિકલ્પ માનવામાં આવે છે. ડાબોડી સ્પિનર હાલમાં ઘરેલુ ક્રિકેટમાં ઉત્તમ ફોર્મમાં છે.
શું કુલદીપ અક્ષરને પ્લેઇંગ 11માં સ્થાન આપશે?
અક્ષર પટેલની ગેરહાજરીમાં કુલદીપ યાદવને ત્રીજી T20I માટે પ્લેઇંગ 11માં સામેલ કરવામાં આવ્યો હતો. લેગ-સ્પિનર કુલદીપે ઇનિંગ્સની અંતિમ ઓવરમાં બે વિકેટ લઈને દક્ષિણ આફ્રિકાને 20 ઓવરમાં ફક્ત 117 રન પર રોકી રાખવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.
અભિષેક શર્માએ પાવરપ્લેમાં ભારતને મજબૂત શરૂઆત અપાવતા લક્ષ્યને સરળ બનાવ્યું. અભિષેકના 18 બોલમાં 35 રન બાદ ભારતીય ઇનિંગ્સ ધરાશાયી થઈ હતી, પરંતુ યજમાન ટીમે 15.5 ઓવરમાં લક્ષ્ય હાંસલ કરી લીધું હતું.
છેલ્લી બે T20I મેચ લખનઉ અને અમદાવાદમાં રમાશે. ત્રણ મેચ પછી ભારત સીરિઝમાં 2-1થી આગળ છે. અત્યાર સુધીની ત્રણેય મેચ એકતરફી રહી છે. દક્ષિણ આફ્રિકાના કેપ્ટન એડન માર્કરામે આ વાત સ્વીકારી અને કહ્યું કે દક્ષિણ આફ્રિકા સીરિઝમાં ટકી રહેવા માટે દબાણની સ્થિતિમાં વધુ સારું પ્રદર્શન કરવાનો પ્રયાસ કરશે.

