Sports

'હું અંદરથી સાવ તૂટી ગયો હતો...', અચાનક નિવૃત્તિ બાદ બેન સ્ટોક્સનું દર્દ છલકાયું!

By GS Team
29 Jun 20262 mins read
TukuTouch Logo
ઇંગ્લેન્ડના સ્ટાર ઓલરાઉન્ડર બેન સ્ટોક્સે 28 જૂને ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી સૌને ચોંકાવ્યા. ટ્રેન્ટ બ્રિજ ટેસ્ટ દરમિયાન લીધેલો આ નિર્ણય તેમનો પોતાનો હતો. સ્ટોક્સે જણાવ્યું કે, માનસિક અને શારીરિક થાકને કારણે તેમણે આ પગલું ભર્યું છે. લંડનની નાઇટક્લબ વિવાદ કે શિસ્તભંગની તપાસ નહીં, પરંતુ એશેઝ સિરીઝથી શરૂ થયેલો થાક મુખ્ય કારણ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

'હું અંદરથી સાવ તૂટી ગયો હતો...', અચાનક નિવૃત્તિ બાદ બેન સ્ટોક્સનું દર્દ છલકાયું!

Ben Stokes Retirement : ઇંગ્લેન્ડના સ્ટાર ઓલરાઉન્ડર બેન સ્ટોક્સે રવિવારે 28 જૂને ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરીને સૌને ચોંકાવી દીધા હતા. સ્ટોક્સે ઇંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલી ટ્રેન્ટ બ્રિજ ટેસ્ટ મેચ દરમિયાન આ આશ્ચર્યજનક નિર્ણય લીધો હતો. સ્ટોક્સે હવે સ્પષ્ટ કર્યું છે કે, તેમને સન્યાસ લેવા માટે કોઈએ મજબૂર કર્યા નહોતા, આ સંપૂર્ણપણે તેમનો પોતાનો જ નિર્ણય હતો.

માનસિક અને શારીરિક થાક મુખ્ય કારણ
35 વર્ષીય સ્ટોક્સે 'સ્કાય સ્પોર્ટ્સ' સાથેની વાતચીતમાં એ તમામ અટકળોને ફગાવી દીધી છે કે, તાજેતરમાં લંડનની એક નાઇટક્લબના વિવાદ અને શિસ્તભંગની તપાસના કારણે તેમણે ટીમ છોડવી પડી છે. તેમણે જણાવ્યું કે, તેમની નિવૃત્તિનું અસલી કારણ માનસિક અને શારીરિક થાક હતો, જેની શરૂઆત ગયા વર્ષે ઓસ્ટ્રેલિયામાં એશેઝ સિરીઝ દરમિયાન જ થઈ ગઈ હતી.

બેન સ્ટોક્સે કહ્યું કે, 'લોર્ડ્સ ટેસ્ટ દરમિયાન તેમને પોતાની કરિયરને લઈને ફરીથી એ જ નકારાત્મક લાગણીઓ થવા લાગી હતી, જે એશેઝ પ્રવાસ પછી થઈ હતી'. સ્ટોક્સે કહ્યુ કે 'લોર્ડ્સ ટેસ્ટે મને ફરીથી યાદ અપાવ્યું કે હું મારી કરિયરમાં કેવા તબક્કામાંથી પસાર થઈ રહ્યો છું. ઘરે પરત ફર્યા પછી મેં મારી જાતને બહેતર બનાવવા માટે ખૂબ મહેનત કરી, પરંતુ આ પ્રયાસમાં હું સંપૂર્ણપણે થાકી ગયો. છેલ્લા કેટલાક મહિનામાં મેં ટીમ માટે પોતાનું સર્વસ્વ આપી દીધું હતું, અને હવે તે એવી સ્થિતિમાં પહોંચી ગયા છે, જ્યાં ક્રિકેટનો આનંદ પણ ખતમ થવા લાગ્યો હતો.' જો કે, સ્ટોક્સે સ્પષ્ટ કર્યું કે નાઇટક્લબ વિવાદ તેમના સંન્યાસનું કારણ નહોતું, પરંતુ તેમણે સ્વીકાર્યું કે, તે ઘટના અને ત્યારબાદના વિવાદે તેમના પર માનસિક દબાણ ચોક્કસપણે વધારી દીધું હતું.

ડ્રેસિંગ રૂમમાં જો રૂટ સાથેની એ ક્ષણ

બેન સ્ટોક્સ કહે છે, 'લોર્ડ્સ ટેસ્ટનું આખું અઠવાડિયું ખૂબ જ મુશ્કેલ રહ્યું. ત્યારબાદ ડ્રેસિંગ રૂમમાં જ્યારે હું જો રૂટ સાથે બેઠો ત્યારે મને અહેસાસ થયો કે, હું માનસિક રીતે કેટલો થાકી ગયો છું. છેલ્લા બે અઠવાડિયામાં જે કંઈ પણ થયું, તેણે પરિસ્થિતિ વધુ મુશ્કેલ બનાવી દીધી.'

અત્રે ઉલ્લેખનીય છે કે, લોર્ડ્સ ટેસ્ટ પછી સ્ટોક્સ એક નાઇટક્લબ વિવાદમાં ફસાયા હતા. આ કારણે તેમણે બીજી ટેસ્ટમાંથી બહાર બેસવું પડ્યું હતું. ECB (ઇંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ) અને ક્રિકેટ રેગ્યુલેટરે આ મામલાની તપાસ શરૂ કરી હતી. જો કે, બાદમાં તેમને ગંભીર આરોપોમાંથી ક્લીન ચીટ મળી ગઈ હતી, અને ટ્રેન્ટ બ્રિજ ટેસ્ટ માટે ટીમમાં પરત સામેલ કરવામાં આવ્યા હતા.

સ્ટોક્સે જણાવ્યું કે, બીજી ટેસ્ટમાંથી બહાર થયા બાદ જ્યારે તેઓ પોતાની કાઉન્ટી ક્લબ ડરહમ પરત ફર્યા, ત્યારે તેમને ક્રિકેટ પ્રત્યે ફરીથી લગાવ અનુભવાયો હતો. સ્ટોક્સે કહ્યું, 'ડરહમમાં રમતી વખતે મને લાગ્યું કે ક્રિકેટ માટે મારો પ્રેમ પાછો આવી રહ્યો છે, પરંતુ ટ્રેન્ટ બ્રિજમાં પરત આવ્યા પછી, હું એ જ જૂની લાગણી અને ઉત્સાહ ફરીથી મેળવી શક્યો નહીં.'